અમરેલીમાં શૌચના કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર

PC: youtube.com

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના જિલ્લા અને દેશના કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાના ગામમાં ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને શૌચના કામમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનું ન છોડતાં હોવાનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. શૌચના કામમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થયો છે તેની વિગતો વાંચવાથી રાજનેતાઓ સામે છીં બોલી ઉઠાય એવી બાબતો પ્રકાશમાં આવી છે.

2.94 લાખ કુટુંબો જિલ્લામાં છે. જેમાં 1.73 લાખ કુટુંબોને ત્યાં શૌચાલય 2011માં બનેલા હતા. 1.21 લાખ ઘરમાં શૌચાલય ન હતા. 1.16 લાખ કુટુંબો એવા હતા કે જે જાહેરમાં શૌચાલય કરવા જવું પડતું હતું. એટલે કે લગભગ સવા લાખ ઘરમાં શૌચાલય બનાવવાના હતા. 2017માં અમરેલીના કલેક્ટર દિલીપ રાણાએ જાહેર કર્યું હતું કે હવે 4 ટકા શૌચાલય બનાવવાના બાકી છે. 2018માં અમરેલી સંપૂર્ણ શૌચાલય મુક્ત બની ગયું છે. તેનો સીધો મતલબ કે અમરેલીમાં 1.21 લાખ ઘરમાં શૌચાલય બની ગયા છે. એક શૌચાલય બનાવવા પાછળ રૂ.8779નો ખર્ચ અમરેલી કલેક્ટરે કરેલો છે. જો તમામ શૌચાલય બની ગયા હોય તો કૂલ ખર્ચ રૂ.106.22 કરોડનો ખર્ચ કરવો પડ્યો હશે.

2016-17માં નિર્મળ ગુજરાત યોજના હેઠળ હેઠળ દિલીપ રાણાએ રૂ.39.53 કરોડની સામે રૂ.17.70 કરોડ ખર્ચાયા હતા અને 20,161 શૌચાલયો બન્યા હતા. દર વર્ષે રૂ.20 કરોડ તો ખર્ચ થયો જ હશે. તો પાંચ વર્ષમાં તમામ શૌચાલયો બની શકે.

2017માં સ્વચ્છ ભારત મીશન તત્કાલીન કલેકટર દિલીપ રાણાએ અમરેલી જિલ્લાને ખુલ્લામાં મળત્યાગ મુકિત અંગે સેમિનાર યોજી જાહેર કર્યું હતું કે, ‘શૌચાલય બનાવવા દરેક અધિકારીઓ તથા તેમના ધર્મપત્નીઓ અને કર્મચારી-અધિકારીઓને ઉપાડી લે. અમરેલી જિલ્લો ખુલ્લામાં મળત્યાગ મુકિતમાંથી માત્ર 4 ટકા જ બાકી છે.’ 600 વિદ્યાર્થીઓએ અમરેલીના 38 ગામોમાં ફરીને ઘરે ઘરે ફરીને શૌચાલય વિહોણા કુટુંબોને માર્ગદર્શન આપી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અનુરોધ ક૨વાનો કાર્યક્રમ દિલીપ રાણાએ કર્યો હતો. જે ખરેખર તો અધિકારીઓનું કામ હતું.

ફરી ભ્રષ્ટાચાર

અમરેલી નગર પાલિકામાં પાંચ વર્ષ પહેલાં નિર્મળ ગુજરાત શૌચાલય યોજના તેમજ સ્‍વચ્‍છ ભારત અભિયાન હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર થયો હોવાની માહિતી અધિકાર કાયદા હેઠળ ચંદુભાઈ બારૈયાએ મેળવીને ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગના સચિવને ફરિયાદ 17 નવેમ્બર 2018ના રોજ કરી છે. જેની તપાસ હવે શરૂ થશે. અગાઉ જે ઘરમાં શૌચાલય હતા તેને સરકારે નવા બન્યા હોવાનું જણાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. અમરેલી જિલ્લામાં 2011ની વસતી ગણતરી પ્રમાણે 1.73 લાખ કુટુંબોને ત્યાં શૌચાલય 2011માં હતા. જેના ઘણાં ઘરમાં સરકારે નવા બનાવી આપ્યા હોવાનું જણાવીને કરોડો રૂપિયા અધિકારીઓ અને ભાજપ કોંગ્રેસના નેતાઓ ઘરે લઈ ગયા હોવાનું જાહેર થયું છે. રાજ્યનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. અહીં IAS દિલીપ રાણા કલેક્ટર હતા ત્યારે પણ આવા કૌભાંડ થયા હતા. જેની તપાસ કરવાની માંગણી કરી છે. પણ રાજકીય વ્યક્તિઓ અને IAS અધિકારીઓની જવાબદારી નક્કી થતી હોવાથી તેની સાચી તપાસ થઈ શકશે નહીં.

જાફરાબાદ મોટો પુરાવો

અમરેલીના જાફરાબાદ તાલુકાના છેલાણા ગામના સરપંચ, ટીડીઓ સહિત 6 લોકોએ પાયખાના બનાવ્યા વગર રૂ.69 હજાર પોતાના ગજવામાં મૂકી દીધા હતા. જે તમામ લોકો નિવૃત્ત થઈ ગયા છે કે સત્તા જતી રહી છે. ACBએ ફરિયાદ કરી હતી. માજી સરપંચ સહિત ચારે લોકોની ધરપકડ કરી હતી. પણ ભ્રષ્ટાચારનો કેસ હોવાથી તેઓ જામીન પર તુરંત છૂટી ગયા હતા. ટીંબલા ગામે શૌચાલય યોજનાનો લાભ દેવા રૂ.6 હજારની સહાયમાંથી રૂ.4 હજારની લાંચ લેતા આ ટોળી લેતી હતી.

ભાજપ શૌચાલય કૌભાંડથી ચૂંટણી હારી ગયો

શૌચાલયની કામગીરીમાં રાજુલા પાલિકામાં ભાજપે વ્યાપક ભષ્ટાચાર કર્યો હતો. ચૂંટણી થઈ ત્યારે ત્યાં ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી. વર્ષ 2015માં સત્તા પરિવર્તન થતાં જ કોંગ્રેસે કરોડો રૂપિયાના શૌચાલય કૌભાંડ બહાર પાડ્યા હતા. પાલિકા વિસ્તારમાં 2174 શૌચાલયો વર્ષ 2015માં બનવામાં આવ્યા હતા. જેમાંથી કૌંગ્રેસે 260 શૌચાલયોની તપાસ કરતાં 105 શૌચાલયો એવા મળી આવ્યા હતા કે જે એક જ વ્યક્તિના નામે ત્રણ કે ચાર શૌચાલયો બનાવી દેવાયા હતા.  

મહિલા તલાટી લાંચ લેતાં પકડાયા

ટીંબલા ગામનાં સંનિષ્ઠ નાગરિક ઉમેદભાઇ નાજભાઇ વાળા અને બીજા દ્વારા શૌચાલય બનાવવા માટે અરજી કરી હતી તો તે માટે તલાટી હર્ષિદા ઉર્ફે હિના બાબુ બાજક એ રૂ.6 હજારમાંથી રૂ.4 હજારની લાંચ માંગી હતી. જેને પોલીસે રંગે હાથ પકડી લીધો હતો.

જાફરાબાદમાં પણ કૌભાંડ

2013-14માં અમરેલી ACBએ જાફરાબાદના છેલણા ગામે 15 શૌચાલયો બનેલા ન હોવા છતા સરપંચ મંગળ ભીખા, તલાટી મંત્રી અરવિંદ પટેલ, કલસ્ટર કો-ઓર્ડીનેટ દિપક ભીમજી રાઠોડ, જીતુ રણછોડ, સોમા નિવૃત ટીડીઓ માધવ બગડા અને ડીડીઓ મનસુખ ખીમજી સામે ખોટા દસ્તાવેજ ઉભા કરી સરકારના રૂ.69 હજારની ઉચાપત કરી જવાની ફરિયાદ નોંધાયેલી હતી.

શૌચાલય માટે બાબરા બંધ રહ્યું  

શૌચાલયના પ્રશ્ને અમરેલીના બાબરા શહેર ચેમ્બર ઓફ કોમર્સ અને ન્યુ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બંધ પળાયું હતું.

નબળું બાંધકામ

15 ઓક્ટોબર 2014માં અમરેલીમાં ઓજી વિસ્તારમાં શૌચાલયના કામમાં ભ્રષ્ટાચાર થયો હતો. વ્યકિતગત  શૌચાલય બનાવવામાં નબળી ગુણવતાવાળી સાધન સામગ્રી વાપરવામાં આવી હતી. કાચી ઇંટો, ઓછી સિમેન્ટ, દરવાજો વિગેરે સામગ્રી નબળી વાપરવામાં આવી હતી. માલસામાન લાવવા માટે વાહનનું ભાડું લોકો પાસેથી લેવામાં આવતું હતું.

2006-07મા શું થયું

નિર્મળ ગુજરાત-2007મા એપીએલ 23,666 શૌચાલય બનાવવાની સામે 7470 શૌચાલય બન્યા હતી અને તેની પાછળ રૂ.44.70 લાખનું ખર્ચ થયું છે. 636 ગ્રામ સ્વચ્છતા સમિતિ બની હતી અને તેમાં લગભગ 11 સ્વૈચ્છિક સંસ્થા કામ કરતી હતી.

50 ટકા જાહેર શૌચાલયો બંધ

હાલ, અમરેલી શહેરની 1.25 લાખની વસતિ વચ્ચે નગર પાલિકાના 20 શૌચાલય છે જેમાં એમાંય 11 બંધ હાલતમાં છે, કારણ કે તેના દરવાજા કોઈક કાઢી ગયું છે. અમરેલી નગર પાલિકામાં 330નો સફાઈ કામદારોનો સ્ટાફ પણ છે. નગર પાલિકાની બિલ્ડીંગ નીચે જાહેર મુતરડી પણ બંધ હાલતમાં છે. આમેય ગુજરાતમાં છેલ્લાં 22 વર્ષછથી ભાજપ સરકારમાં અને 30 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા પર છે ત્યારે તેમાં જાહેર શૌચાલયો બનાવવાના જ બંધ કરી દીધા છે. જે જૂના હતા તે તોડી પાડીને જાહેર સુવિધામાંથી હાથ ખંખેરી લીધા છે. નવા બને છે ત્યાં પેશાબ કરવાના અને સંડાસ જવાના નાણાં લેવામાં આવે છે. તો સવાલ એ છે કે સરકારને પ્રજા વેરો આપે છે તે જાહેર હેતુ માટે વાપરવાના બદલે સંડાસ જેવી બાબતોમાં પણ ભાજપના સત્તાધીશો ભ્રષ્ટાચાર કરવાનું છોડતાં નથી. તેઓ શૌચના નાણાંના પણ ભ્રષ્ટાચારમાં કમાઈ રહ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp