ભાવનગરમાં ભાજપના હોદ્દેદારે ઉમેદવાર પાસે 50-50 હજાર ઉઘરાવ્યાનો વીડિયો વાયરલ

PC: khabarchhe.com

રાજ્યમાં બિનસચિવાલયની પરીક્ષાનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. અગાઉ પેપર લીક થવાના મુદ્દે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ગેરરીતિની બાબતે હોબાળો થઇ ગયો હતો. ત્યાં વધુ એક ગેરરીતિનો ખુલાસો થતા ચકચાર મચી જવા પામી છે. બિનસચિવાલયના ઉમેદવારો પાસેથી પૈસા લઈ પાસ કરાવવાનો અને યોજનાબદ્ધ ગોઠવેલું કૌભાંડ ખુલ્લું પડ્યું છે. આ કૌભાંડમાં પોતે ભાજપના હોદ્દેદારની સંડોવણી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ અફરાતફરી મચી છે.

ભાજપના હોદ્દેદાર વૈભવ જોશીએ ઉમેદવાર પ્રમાણે રૂપિયા 50 હજાર વસૂલ્યા હોવાનું તેઓ પોતે વીડિયોમાં કહી રહ્યા છે. જોકે, આ વીડિયો 2017નો હોવાનો અને ડબિંગ કરેલો છે તેવું તેમણે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ભાવનગર ભાજપના બૂથ મેનેજમેન્ટ સેલના જિલ્લા સંયોજક અને તળાજાના વતની વૈભવ જોશીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ પોતે કહી રહ્યા છે કે, બિનસચિવાલયની પરીક્ષામાં ઉમેદવારોને પાસ કરાવી દેવા ઉમેદવાર દિઠ રૂપિયા 50 હજાર લીધા હતા.

પરીક્ષામાં પેપરની જવાબદારી નિભાવનાર અધિકારીઓને 1.50 લાખ તથા આ મુદ્દે દખલઅંદાજી ન કરવા અન્ય અધિકારીઓને 2 લાખ આપી મોંઢા બંધ રાખવા સુધીનું સેટલમેન્ટ ગોઠવ્યું હતું. જોકે, ગત વખતે બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થતા બૂથ સંયોજક વૈભવ જોશીના આયોજન પર પાણી ફરી વળ્યું હતું અને ઉમેદવારો પાસેથી પાસ કરાવવા લીધેલા પૈસા પાછા આપવાની સ્થિતિ બનતા પોતે રૂપિયા 5 લાખના રૂપિયાના દેવામા આવી ગયો હોવાનું વીડિયોમાં તેમણે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વૈભવ જોશી તળાજામાં ખાનગી સ્કૂલનો સંચાલક હતો.

વૈભવ જોશીએ 36 ઉમેદવારો પાસેથી કુલ 18 લાખ વસૂલ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. તેમજ પરીક્ષા સેન્ટરની બાજુમાં પેપર સોલ્વ કરવા શિક્ષકો પણ રાખ્યા હતા અને એક સવાલ સોલ્વ કરવા માટે રૂપિયા 5 હજાર રૂપિયાનો ભાવ ચૂકવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રીતે આખું આયોજન ગોઠવાયું હતું, પરંતુ અંતિમ સમયે પરીક્ષા રદ્દ થતા વૈભવ જોશી તથા તેની આખી મંડળીના આયોજન પર પાણી ફરી વળ્યું હતું અને વૈભવે ગોઠવણી મુજબ પૈસા ચૂકવી દીધા હોવાની વાત પણ બહાર આવી છે, પરંતુ પરીક્ષા જ રદ્દ થતા ઉમેદવારોએ વૈભવ પાસે નાણાંની કડક ઉઘરાણી શરૂ કરી હતી.

હાલમાં વાયરલ થયેલા વીડિયોને પગલે કોંગ્રેસ તેમજ આમ આદમા પાર્ટી સહિત વિદ્યાર્થી યુનિયન પણ ભાજપ સરકારને આડે હાથ લેવા શસ્ત્રો સજાવી રહ્યા હોવા સાથે, લાંબી અને ઉગ્ર લડત લડવાની તૈયારીઓ આરંભી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વૈભવ જોશીએ એક અખબાર સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વીડીયો વર્ષ 2017નો અને નકલી તેમજ એડિટિંગ કરેલો છે. તળાજાના રાઠોડ નિકુંજ મહેશભાઈ અને તેના પિતા રાઠોડ મહેશભાઈ વિનુભાઈ સામે કોર્ટમાં 52 લાખના ચેક રિટર્નની ફરિયાદનો મારો કેસ ચાલુ છે. એ વ્યક્તિએ 10 દિવસ અગાઉ અન્ય વ્યક્તિઓ પાસેથી ધમકી આપી હતી.

ચેક રિટર્નની ફરિયાદ પાછી ખેંચી લે નહિતર મારી પાસે એક વીડિયો ક્લિપ છે તે હું વાયરલ કરી તમને બદનામ કરીશ અને રહી વાત પરીક્ષામાં ગેરરિતીની તો અમે કોઈ પણ પ્રકારની ગેરરિતી કરી નથી. બિન સચિવાલય કલાર્કની તો આ પરીક્ષા 2017માં લેવામાં આવી હતી, જેમાં કોઈપણ પ્રકારે ગેરરીતિ કરી નથી, મેં કોઈ પાસેથી પૈસા લીધા નથી કે કોઈને આપ્યા નથી, સરકાર તેની તપાસ કરાવે તો મને મંજૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp