ગુજરાતની આ શાળા થઇ શરૂ, મીડિયા પહોંચતા સંચાલકોએ વિદ્યાર્થીઓને ભગાડ્યા

PC: dainikbhaskar.com

રાજ્યના દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અનલોકમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં પ્રતિદિન સરેરાશ કોરોનાના 500 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે શાળામાં અભ્યાસ કરતા બાળકોનો જીવ જોખમમાં ન મૂક્યા તે માટે રાજ્ય સરકારે શાળા શરૂ કરવા બાબતે કોઈ નિર્ણય કર્યો નથી. શાળાઓ બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગાડે તે માટે શાળાઓ દ્વારા વિદ્યાથીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે કેટલીક શાળાઓ તંત્રના નિયમોની અવગણના કરીને બાળકોને શાળાએ બોલાવીને અભ્યાસ કરાવતી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવું જ કઈ જેતપુરમાં સામે આવ્યું હતું. જેમાં એક શાળા શરૂ હોવાની માહિતી મીડિયાકર્મીને મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા. આ વાતની જાણ શાળાના સંચાલકોને થતા તેમને વિદ્યાર્થીઓને ભગાડી મૂક્યા હતા અને થોડી વાર શાળામાં દોડધામ મચી ગઈ હતી. તો પોલીસે પણ શાળાએ પહોંચીને શાળાના સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરી હતી.

રિપોર્ટ અનુસાર જેતપુરના નવાગઢની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ દ્વારા સરકારની ગાઈડલાઈનનો ભંગ કરીને શાળાના સંચાલકોએ વિદ્યાથીનીઓને અભ્યાસ કરાવવામાં માટે શાળાએ બોલાવી હતી. સરકારની મનાઈ હોવા છતાં પણ શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ હોવાની વાત મીડિયાકર્મીઓને જાણવા મળતા મીડિયાકર્મીએ શાળાએ પહોંચ્યા હતા. મીડિયાકર્મીએ આવ્યા હોવાની જાણ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના સંચાલકોને થતા તેમને તાત્કાલિક વિદ્યાર્થીનીઓને ભગાડી મૂકી હતી, થોડી વાર માટે શાળામાં દોડધામ મચી ગઈ હતી. મીડિયાના અહેવાલ બાદ આ સમગ્ર ઘટનાની જાણ જેતપુર પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓને થતા તેઓ પણ શાળા પર પહોંચ્યા હતા. શિક્ષણ અધિકારીઓએ શાળાના સંચાલકોની પૂછપરછ કરી હતી.

ઘટના સ્થળ પર જ્યારે પોલીસ પહોંચી તે સમયે બે શિક્ષકો ભાગવાનો પ્રયાસ કરતા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસે બે શિક્ષકોને પકડી તેમની પૂછપરછ શરૂ કરી કરી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, આ શાળામાં છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવે છે અને રેગ્યુલર શાળાની જેમ જ વિદ્યાર્થીઓના પીરીયડ લેવામાં આવતા હતા. મહત્ત્વની વાત છે કે, શાળામાંથી વિદ્યાર્થીઓને ભાગવાનું કહેતા એક વિદ્યાર્થી તો શાળાની દીવાલ કૂદીને ભાગ્યો હતો. આ સમગ્ર મામલે શાળાના સંચાલકો પર સવાલ એ ઉઠી રહ્યા છે કે, શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાય તો તેનું જવાબદાર કોણ? હવે જોવાનું એ રહે છે કે, શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકોની સામે શું કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp