ગુજરાતના ઇતિહાસના સૌથી મોટો ક્રિક્રેટ સટ્ટાનો પર્દાફાશ, 1400 કરોડનો હિસાબ મળ્યો

PC: gujarattak.in

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિક્રેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. આંકડો જાણીને તમારી આંખ પહોળી થઇ જશે. ક્રાઇમ બ્રાન્ચને રાજકોટમાં રમાયેલા 1400 કરોડના સટ્ટાનો હિસાબ મળી ગયો છે અને બે બૂકીઓ સામે લૂકઆઉટ નોટીસ જારી કરવામાં આવી છે. ગુજરાતના બે મોટા બૂકી રાકેશ રાજદેવ જેને સટોડીયાઓ આર.આર. નામથી ઓળખે છે અને ટોપી પટેલ ઉર્ફે ઉંઝાની સર્કિટમાં 1400 કરોડ રૂપિયાનો સટ્ટો રમાયો હતો અને તે પણ એક જ સિઝનમાં. હવે પોલીસને આ સટ્ટાનો તાળો મળી ગયો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, રાકેશ રાજદેવ અને ટોમી ઉંઝાના 1400 કરોડ રૂપિયાના સટ્ટાનો હિસાબ અમને મળ્યો છે. સાથે હવાલા અને દુબઇમાં ડમી નામથી બેંક ખાતાની વિગત પણ મળી છે. આ બંને બુકીઓ સામે લૂરઆઉટ નોટીસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ક્રિક્રેટ પર સટ્ટો રમાડવામાં આવે છે એ હવે કોઇ નવી વાત નથી, પરંતુ હવે સટ્ટાનું સ્વરૂપ ટેકનોલોજીમાં કન્વર્ટ થઇ ગયું છે. સટોડીયાઓ મોબાઇલ એપ્લિકેશન પર એકાઉન્ટ ખોલીને સટ્ટો રમાડે છે. જેમાં સટોડીયાઓને ક્રેડીટ આપવામાં આવે છે. સટ્ટો કરનારા એટલા હોંશિયાર થઇ ગયા છે કે હાર જીતની જે રકમ હોય તેને ભારતમા ટ્રાન્સફર કરતા નથી, પરંતુ વિદેશમાં પૈસા ટ્રાન્સફર કરી દે છે. વિદેશમાં પૈસા ટ્રાન્સફર થયા પછી બુકીઓ દારૂ અને હોટલોમાં રૂપિયા ઉડાવીને ઐય્યાશી કરતા હોય છે.

એક પોલીસ અધિકારીએ નામ નહીં લખવાની શરતે કહ્યું હતું કે, બુકીઓ ડમી એકાઉન્ટ બનાવે છે, જે મોબાઇલ એપ્લિકેશન સાથે કનેક્ટ હોય છે અને એ ડમી ખાતામાં રૂપિયા જમા થાય છે. બુકીઓની જુદી જુદી લાઇન ચાલતી હોય છે. જેમાં એક લાઇનમાંથી રોજના 5થી 7 કરોડ રૂપિયા જમા થતા હોય છે જે અલગ અલગ બુકીઓના હોય છે. સટ્ટામાં મોટાભાગે બુકીઓ જ કમાણી કરે છે, ભાગ્યે જ કોઇ સટોડીયો કમાતો હશે. બુકીના ટપોરી રિકવરી એજન્ટો પણ કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે.

બુકીઓને સટ્ટાની એવી લત લાગેલી છે કે કોઇ પણ મેચ પર સટ્ટો રમવાનું છોડતા નથી. હોંગકોંગ અને નેધરલેન્ડની મેચ પર પણ સટ્ટો રમી કાઢે છે.

દુબઇમાં બેસીને પોતાની વેબસાઇટની ઓનલાઇન આઇડી ગ્રાહકોને આપીને ઓનલાઇન સટ્ટો રમાડતા રાકેશ રાજદેવનું નામ વડોદરા પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp