26th January selfie contest

મહિલાને સાંકળે બાંધી જાણ બહાર છુટાછેડા લેવડાવી સાસરીયાએ જ બીજા લગ્ન કરાવી પછી...

PC: Khabarchhe.com

પોરબંદર તાલુકાના રાંઘાવાવની એક પરિણીત મહિલાને તેના સાસરીયાઓએ જ ડાડુકા ગામના એક મોટી ઉંમરના શખ્સને હવાલે કરી દેતા આ કિસ્સામાં બળાત્કાર મામલે પોલીસ ફરિયાદ થયા બાદ આ ઘટનામાં હૈયું કંપાવી દે તેવી અનેક સિલસિલાબદ્ધ હકિકતો સામે આવી રહી છે. મહિલાને બે સંતાનો હોવા છતાં તેના જેઠ, સસરા વગેરેએ મળીને સંતાનો પેદા કરવા માટે ડાડુકાના શખ્સના હવાલે કરી દીધી હતી. અને તેમાં મહિલાને તેના મુળ પતિ સાથે પતિ-પત્નિની જાણ બહાર તેમનાં છુટાંછેડા માટેનાં અંગુઠા લઇને જે શખ્સને તે સોંપવામાં આવી હતી તેની સાથે પરાણે અંગુઠા લઇ મૈત્રી કરાર કરાવી નાંખ્યાનું અને આ બધુ કરવા માટે તેને સાંકળેથી બાંધીને તેના પર જુલ્મ ગુજારવામાં આવ્યો હોવાની કંપાવનારી હકિકતો પણ બહાર આવી છે.

આ વાતની ઘટનાનો ભોગ બનનાર મહિલાના ભાઇને ખબર પડતા તેણે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને આવીને સમગ્ર વાતનો ખુલાસો કરતાં આ વાત પ્રકાશમાં આવી હતી. પોલીસે તેના સાસરિયા અને ડાડુકાના વયોવૃદ્ધ શખ્સ સહિત 6 સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે તાબડતોડ તપાસ ચક્રો ગતીમાન કરી દીધા છે. છેલ્લામાં છેલ્લી વિગત અનુસાર આરોપીઓ પોલીસના હાથવેતમાં છે અને મહિલાને સુરક્ષીત સ્થિતીમાં મુકવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલમાં તેના મેડિકલ ચેકઅપ વગેરેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ તમામ ગેરકાનુની અને ગુનાહિત હરકતો સમાજનાં મોભીઓનાં કહેવાથી કરવામાં આવી હોય તેવું આરોપીઓનાં હવાલેથી કહેવામાં આવી રહયું છે. જોકે આ મોભીઓ કોણ છે તે પોલીસની તપાસનો વિષય બની ગયો છે.

પોલીસ તેમજ સબંધીત સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદર જિલ્લાના રાંઘાવાવ ગામે એક 32 વર્ષિય મહિલાને છેલ્લા ઘણા સમયથી કેટલીક બાબતોને લઇને સાસરિયાનો ત્રાસ હતો. કોઇ સાથે સંપર્કમાં રહેવું, ફોન પર વાત કરવી વગેરે જેવા આક્ષેપો સાથે તેના સાસરિયાં ત્રાસ આપી રહ્યાં હતાં. ત્રાસના આ દિવસો ચાલી રહ્યાં હતા એ દરમિયાન જ એક દિવસ તેના જેઠ, સસરા સહિતના સાસરિયાંના શખ્સોએ મળીને આ મહિલાને કુતિયાણા નજીકના ડાડુકા ગામના એક મોટી ઉંમરના શખ્સના હવાલે કરી દીધી હતી. પોતાને આ શખ્સ સાથે શા માટે જવાનું છે તે વાત જાણે તે પહેલાં જ સાસરિયાઓએ દબાણ કરીને આ શખ્સ સાથે રહેવા જવા માટે મજબૂર કરી દીધી હતી.

ફરિયાદમાં જાહેર થયા પ્રમાણે ડાડુકાનો મોટી ઉંમરના આ શખ્સને સંતાનોમાં બે દિકરી તો હતીજ પરંતુ દિકરો ન હતો. તેથી આ મહિલાના સાસરિયા અને આ શખ્સ વચ્ચે આ મહિલાને સંતાનો પેદા કરવા માટે તેની સાથે રહેવાનું નક્કી થયું હતું અને તેને ડાડુકા લઇ જવાયા બાદ આ વૃદ્ધે 32 વર્ષની આ મહિલા ઉપર વારંવાર શરીર સંબંધો બાંધી બળાત્કાર કર્યો હતો. જો કે સમય જતા આ વાત મહિલાના પિયરમાં પહોંચી હતી અને બળાત્કારનો ભોગ બનનારના ભાઇએ પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આવીને આ વાત ફરિયાદના રૂપમાં જાહેર કરતા પોલીસે બળાત્કારના આરોપી વૃદ્ધ અને મહિલાના સાસરિયામાં તેના જેઠ, સસરા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.

ગુનો જાહેર થતાની સાથે જ ઉદ્યોગનગર પીએસઆઇ શિતલ સોલંકીએ તપાસચક્રો ગતીમાન કરી દીધા હતા. છેલ્લી જાણવા મળતી વિગતો અનુસાર આરોપીઓ પોલીસના હાથવેતમાં છે. આ ઘટનામાં સમાજના લોકોએ સમજણ કરી હતી તેવું તો કહેવાય છે પરંતુ આ પ્રકરણમાં મહિલાને વેંચી દેવામાં આવી હતી અને તેનો કોઇ પૈસાનો મોટો સોદો થયો હતો કે કેમ તે મુદ્દે પણ પોલીસ તપાસ કરશે તેમ પોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. વધુમાં પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આ મહિલાને કોઇ એક વ્યકિત સાથે ફોન પર વાત થતી હોવાની જાણ થતાં તેના જેઠ, સસરા વગેરેનો ત્રાસ વધી ગયો હતો અને તેને સાંકળથી બાંધી તેના લગ્ન ડાડુકા ગામનાં રામા જીણા હુંણ સાથે કરાવી નાંખ્યા હતાં.

હૈયુ કંપાવી નાંખ્યા તેવી વાત તો એ છે કે આ લગ્ન પહેલા મહિલાને પોતાના મુળ પતિથી છુડાછેડા કરાવી નાંખ્યા હતાં અને આ બધુ જોરજુલમથી એ રીતે કરવામાં આવ્યું હતું કે મહિલાને પોતાનાં છુટા છેડા થયાની તેમજ તેના બીજા વ્યકિત સાથે લગ્ન થઇ ગયાની પણ ખબર નહોતી. ભોગ બનનાર મહિલાને તો આ વાતની ખબર નહોતી જ, બલ્કે ભોગ બનનારનાં પતિને પણ આ ખબર નહોતી. આ બધામાં જોર જુલમથી અંગુઠા લેવડાવી લેવામાં આવ્યાં હતાં અને આ અગુંઠા શા માટે લેવડાવી રહયા છે વગેરેની ભોગ બનનાર કે તેના પતિને કશું જ ખબર નહોતી. આ રીતે આ જુલમમાં પોલીસે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

મહિલા પર રાક્ષસી જુલ્મ મામલે કોની - કોની સામે ફરિયાદ

  1. મેરામણ જેસા કોડીયાતર, રહે.રાંઘાવાવ, તા.પોરબંદર
  2. ડાયા જેસા કોડીયાતર, રહે.રાંઘાવાવ, તા.પોરબંદર
  3. દેવાયત કારા કોડીયાતર, રહે.રાંઘાવાવ, તા.પોરબંદર
  4. રૈયા દેવા કોડીયાતર, રહે.રાંઘાવાવ, તા.પોરબંદર
  5. કારા અમરા કોડીયાતર, રહે.રાંઘાવાવ, તા.પોરબંદર
  6. રામા જીણા હુણ, રહે.ડાડુકા, તાલુકો કુતિયાણા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp