ગોંડલ યાર્ડમાં 1.25 લાખ મગફળીની ગુણીની આવક, માર્કેટ બહાર 2 કિમી વાહનની લાઇન

PC: dainikbhaskar.com

ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં રવિવારના દિવસે મોટી સંખ્યામાં મગફળીની આવક થઇ હતી. માર્કેટિંગ યાર્ડ ખુલે તે માટે ખેડૂતોએ વાહનોની બે કિલોમીટર સુધીની લાંબી લાઇન લગાવી હતી. તો બીજી તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતી સુવિધાઓ ન મળતા ખેડુતોએ માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો પર વ્યવસ્થા ન કરવાના આક્ષેપો કર્યા હતા. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવકની વાત કરવામાં આવે તો રવિવારે 1.25 લાખ ગુણી મગફળી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો જાડી મગફળીના ભાવ 720થી 1,066 રૂપિયા આપવામાં આવી રહ્યા છે અને ઝીણી મગફળીના 740થી 1,126 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સુવિધાઓનો અભાવ અને સત્તાધીશો દ્વારા ખેડૂતો માટે પૂરતી વ્યવસ્થા ન કરવામાં આવતાં ખેડૂતોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, માર્કેટીંગ યાર્ડના સત્તાધિશોને ખબર જ હતી કે, મગફળીની ખૂબ વધારે આવક થવાની છે. છતાં પણ તેમને યોગ્ય વ્યવસ્થા કરી નથી. ખેડૂતોને આખી રાત રસ્તા પર જ મચ્છરોના ત્રાસ વચ્ચે વાહનની અંદર બેસી રહેવું પડ્યું હતું. તો બીજી તરફ પીવાના પાણીથી લઈને જમવાની વ્યવસ્થા કોઈ પણ પ્રકારની ન હોવાના કારણે ખેડૂતો અને વાહનમાલિકોને પણ હેરાન થવું પડ્યું હતું. ખેડૂતોએ એવું પણ કહ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં રજા હોવાના કારણે વાહનોને સત્તાધીશો કે, પછી માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓએ અંદર પ્રવેશ આપ્યો ન હતો. જેના કારણે તેમને પોતાના વાહન લઈને આખી રાત રસ્તા પર જ વિતાવવી પડી હતી.

આ સમગ્ર મામલે ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલ શીંગાળાએ જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે તે તમામ આક્ષેપો પાયાવિહોણા છે. કારણ કે, ગઈકાલે માર્કેટિંગ યાર્ડ તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે, સાંજે ચાર વાગ્યા પછી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થશે પરંતુ અમુક ખેડૂતો આગળની રાત્રે જ માર્કેટિંગ યાર્ડ બહાર લાંબી લાઈનો લગાવીને ઊભા રહી ગયા હતા પરંતુ અંદાજે માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીમાં 1.25 લાખથી વધુ મગફળીની ગુણીની આવક થઈ છે.

તમે બીજી તરફ મગફળીની ખરીદીના પહેલા દિવસે રાજકોટ તાલુકાના પડધરીમાં પણ 4 જેટલા મગફળીના સેન્ટર ખુલ્યા હતા. જેમાં 80 ખેડૂતોને પોતાની મગફળી લઈને બોલાવવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે સેન્ટર પર માત્ર નવ જેટલા ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. ખેડૂતો ઓછી સંખ્યામાં મગફળી વેચવા આવ્યા હોવાનું એક કારણ એવું છે કે, સરકાર મગફળીના ટેકાના ભાવ 1,050 રૂપિયા આપી રહી છે પરંતુ ખેડૂતોને ખુલ્લા બજારમાં મગફળીના ભાવ 1,200થી 1,300 રૂપિયા મળી રહ્યા છે. આ સાથે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને કેટલાક નિયમો પણ નડે છે અને તેના કારણે કેટલાક ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે, જેથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા મગફળીના પૈસાની ચુકવણી પણ મોડી કરવામાં આવે છે પરંતુ જો આ જ મગફળી ખેડૂતો ખુલ્લા બજારમાં વેંચે તો તેમને તાત્કાલિક પેમેન્ટ મળે છે. જેના કારણે આ વર્ષે ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp