ગાંધીનગરમાં 1111 કાર નંબર માટે માલિકે એટલા રૂપિયા ચૂકવ્યા જેમાં એક કાર આવી જાય

PC: twitter.com

હાઇ સિક્યોરિટી નંબરપ્લેટ આવી હોવા છતાં પસંદગીના નંબરનો ક્રેઝ ઓછો થતો નથી. વાહનમાલિકો ઘણીવાર મોટરકારની કિંમત જેટલા દામ નંબરપ્લેટમાં ખર્ચતા હોય છે. પહેલાં પસંદગીના નંબર મેળવવા માટે ભ્રષ્ટાચાર થતો હતો પરંતુ આરટીઓએ હવે હરાજી કરીને તેના દામ વસૂલવાના શરૂ કર્યા છે, જ્યારે બાકીના નંબર રેન્ડમલી આપવામાં આવે છે. 

ગાંધીનગરની આરટીઓ કચેરીમાં પસંદગીના નંબરો મેળવવા માટે ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. ફોર વ્હીલર વાહનોની નવી સિરીઝ જીજે 18 બીએનના ગોલ્ડન અને સિલ્વર નંબર માટે 315 વાહન માલિકોએ ઓનલાઇન હરાજીમાં ભાગ લીધો હતો. મોટર કારમાં 1111 નંબરની બોલીમાં 5.11 લાખ રૂપિયા બોલાયા હતા અને તે વાહનમાલિકને આ નંબર ફાળવવામાં આવ્યો હતો. 

એવી જ રીતે 999 નંબર માટે 1.98 લાખ રૂપિયા આરટીઓએ પેદા કર્યા હતા. હું અમદાવાદનો રિક્ષાવાળો, 999 નંબર વાળો... એ સોંગ જાણીતા સિંગર કિશોરકુમારે મા-બાપ ફિલ્મમાં ગાયું હતું. આજે પણ તે લોકપ્રિય છે. આ નંબર માટે વાહન માલિકે આરટીઓ કચેરીને રૂપિયા ચૂકવ્યા છે.

આરટીઓ કચેરીમાં ફોર વ્હિલર વાહનો માટેની નવી સિરીઝ જીજે 18 બીએન શરૂ થઇ છે જેમાં 0001 થી 9999 નંબરની હરારજી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી હતી. વાહન માલિકોએ પસંદગીનો નંબર મેળવવા ઓનલાઇન બિડીંગ કર્યું હતું જેમાં સૌથી વધુ બીડ હતી તેમને પસંદગીના નંબર ફાળવવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં 0002 નંબર માટે રૂપિયા 75000, 0009 નંબર માટે 51000 રૂપિયા અને 0011 નંબર માટે 40000 રૂપિયા ચૂકવાયા હતા. આ ઉપરાંત 7777, 4444, 5555, 3333, 9090 જેવા નંબરો 25000 રૂપિયામાં વેચાયા હતા. ગાંધીનગર આરટીઓએ હરાજીથી નંબરો વેચીને 26.56 લાખ રૂપિયાની કમાણી કરી છે જેમાં છ થી સાત જેટલી નવી મારૂતી કાર આવી જાય.

હજી ઘણાં એવા નંબરો બાકી છે જેમાં પસંદગીના નંબરો લઇ શકાય તેવા છે. આરટીઓ કચેરી તેની હરાજી હવે પછી કરશે. ગાંધીનગર આરટીઓ મેહુલ ગજ્જરે કહ્યું હતું કે પસંદગીના નંબરો મેળવવા માટે ઘણીવાર વાહનચાલકો નવું વાહન આવી જાય તેટલી રકમ આરટીઓને ચૂકવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp