મુંબઈથી ફોન કરનાર અધિકારીએ કહ્યું ' સર, એન્કાઉન્ટર કે લીયે અચ્છા મટીરીયલ આયા હૈ

PC: khabarchhe.com

2002માં એક જ વર્ષમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ વ્યકિતઓ મારી ગઈ હતી. સાદીકના એન્કાઉન્ટર પછી ક્રાઈમ બ્રાન્ચને પ્રસિધ્ધિ સારી એવી મળી હતી. કારણ તેમાં ટેરર એંગ્લ અને નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ થયો હતો. કેટલાંકના મનમાં સવાલ થાય છે કે ડીજી વણઝારા એન્ડ કંપની ટેરેરીઝમના નામે એક પછી એક એન્કાઉન્ટર કરી રહી હતી. તેમાં નરેન્દ્ર મોદીની મંજુરી હતી ? સવાલ બહુ જટીલ છે, પણ કદાચ તેનો પ્રશ્ન બહુ સહેલો છે. માની લઈ કે શરૂઆતના એકાદ બે અેન્કાઉન્ટર સુધી વણઝારા અમીત શાહ જેઓ તે વખતે ગૃહ રાજય મંત્રી હોવાને કારણે તેમની રજામંદી લેતા હશે, પણ ત્યાર બાદ તે સિલસિલો શરૂ થયો. તેમાં નરેન્દ્ર મોદી જેવા કાબા રાજનેતાને શંકા ન જાય તેમાં કોઈ માલ નથી. એન્કાઉન્ટરની ઘટના તેમની જાણ બહાર થઈ રહી છે તેવો દેખાવ મોદીએ જરૂર કર્યો હતો, પણ તે ઘટનાઓ હિન્દુ નેતા તરીકેના તેમના કદને વધારી રહી હતી, તે વાત તેઓ સારી રીતે અહેસાસ કરી રહ્યા હતા.

વણઝારાને હવે એન્કાઉન્ટરની સ્ટોરીની હથોટી બેસી ગઈ હતી. પહેલા તો કોઈ આતંકવાદી સંગઠનનું ને તો નામ આવવુ જોઈ, સ્વભાવિક આતંકવાદી સંગઠનની વાત કરો એટલે મુસ્લિમને તો સામેલ કરવા જ પડે, અને છેલ્લે મોદીના નામ સાથે વાર્તા પુરી કરવાની હતી. ખોટું કંઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં થઈ રહ્યું હતું, તેવુ ન હતું. મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઈન્સપેકટર પ્રદિપ શર્મા અને સબઈન્સપેકટર દયા નાયક ફરજ બજાવતા હતા. તેમની વચ્ચે પણ માણસ મારવાની હોડ લાગતી હતી. કોણ વધારે મારે તેની હરિફાઈ હતી. જોકે, મુંબઈ પોલીસના એન્કાઉન્ટરમાં પણ કઈ સાચા ન હતા, પણ તેમાં ટેરેરીઝમ અને પોલિટીકલ એંગ્લ નહીં હોવાને કારણે તેમના એન્કાઉન્ટર ઉપર હોબાળો થતો ન હતો. ગુજરાત હોય કે મહારાષ્ટ્ર કે પછી જમ્મુ-કાશ્મીર આ તમામ રાજયોમાં એક મહત્વની એજન્સી કામ કરે છે, જેને સબસીડરી ઈન્ટેલિજન્સ બ્યુરો, જેને એસઆઈબીના ટુકાં નામે ઓળખવામાં આવે છે.

એસઆઈબીની કામગીરી માહિતી એકત્રિત કરી સંબંધી એજન્સીઓને પુરી પાડવાની હોય છે. આ એજન્સીના ઘણા એચીવમેન્ટ પણ છે.  અનેક ખોટા કામો પણ છે. જોકે, તેઓ કોઈ પણ કામની ક્રેડીટ લઈ શકતા નથી, અને પોતાની ઓળખ પણ જાહેર કરી શકતા નથી. તેના કારણે સામાન્ય માણસ તેમના કામથી અજાણ હોય છે. એસઆઈબીના અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ જેવી મહત્વની એજન્સી સાથે અને તેમાં પણ તેમના સિનિયર સાથે સીધી વાત કરતા હોવાને કારણે ખરેખર શુ થઈ રહ્યુ છે તેની જાણકારી પોલીસના ઈન્સપેકટર કક્ષાના અધિકારીને પણ હોતી નથી. એસઆઈબીના અધિકારીઓની જે કોઈ જરૂરીયાત હોય તે પોલીસના સિનિયર સાચવી લેતા હોય છે. કારણ પોલીસ માટે એસઆઈબી બહુ મહત્વની એજન્સી છે. મુંબઈ પોલીસ દ્વારા થતા એન્કાઉન્ટરમાં પણ એસઆઈબી મહારાષ્ટ્ર યુનિટનું યોગદાન બહુ મહત્વનું હતું.

તે દિવસે પણ મુંબઈ સ્પેશિયલ બ્રાન્ચને એસઆઈબી દ્વારા એક યુવક સોંપવામાં આવ્યો હતો. એસઆઈબીનો દાવો હતો કે આ ટેરેરીસ્ટ છે. દેશના નેતાઓ ઉપર એટેક કરવાનો તેણે પ્લાન બનાવ્યો હતો. સ્પેશિયલ બ્રાન્ચમાં તેને બે-ત્રણ દિવસ રાખ્યા પછી તેનું એન્કાઉન્ટર કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. પચાસથી વધુ એન્કાઉન્ટર કરનાર દયા નાયક એન્ડ કંપની માટે માણસ મારવાનું કામ નોકરીનો એક ભાગ હતુ. જે રાતે પ્લાનિંગ થયુ તે રાતે પેલા યુવકને મુંબઈના એક ચોક્કસ વિસ્તારમાં લઈ જઈ ગોળી મારી દેવાની હતી. જોકે, દયા નાયકે હજી પેલા યુવકને કઈ પુછયુ ન હતું કે તુ કોણ છે? ટેરેરીસ્ટ કેવી રીતે થયો? કોને મારવા આવ્યો હતો? વગેરે-વગેરે પ્રશ્ન પુછવાના બાકી હતા. પણ તે રાતે પેલા છોકરાને સ્પોટ ઉપર લઈ જતા પહેલા દયાએ તેની પુછપરછ કરી અને તેવા યુવકે જે વાત કરી તે સાંભળી તે દંગ થઈ ગયો.

અનેક લોકોના એન્કાઉન્ટર કરનાર સબઈન્સપેકટર દયા નાયકને લાગ્યુ ના.. ના.. આટલા કારણસર કોઈ માણસને મારી નાખીએ તે વાજબી નથી, તેણે એન્કાઉન્ટર કરવાનો વિચાર પડતો મુકયો અને એસઆઈબી ઓફિસરને ફોન કરી કહ્યુx પેલા છોકરાને તમે પાછો લઈ જાવ. તેનું એન્કાઉટર કરવુ પડે તેવુ તેણે કોઈ કામ કર્યુ નથી. પેલો છોકરો મુંબઈ પોલીસ પાસેથી પાછો એસઆઈબીની ઓફિસમાં આવી ગયો. હવે આ છોકરાનું કરવું શું? તેવો પ્રશ્ન એસઆઈબીવાળાને થયો. ત્યારે તેમને યાદ આવ્યુ કે અમદાવાદ પોલીસ છેલ્લાં એક વર્ષથી એન્કાઉન્ટર કરી રહી છે. ગુજરાતની રાજકીય સ્થિતિ પણ કોમવાદના મુદ્દે સ્ફોટક છે, તેમના માટે આ છોકરો બહુ મહત્વનો થઈ શકે તેમ છે. એસઆઈબી ઓફિસરે ડીજી વણઝારાને ફોન કર્યો, અને સીધો સવાલ પુછયો ''સર, એન્કાઉન્ટર કરના હૈ ?  એન્કાઉન્ટર કે લીએ એક અચ્છા મટીરીયલ હૈ.'' જાણે કાપડનો તાકો વેચતો વેપારી હોય તે રીતે એસઆઈબી ઓફિસર વાત કરી રહ્યો હતો

(ક્રમશ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp