સુરતમાં નકલી પોલીસ બની માસ્ક નહીં પહેરનારા પાસેથી દંડની વસૂલાત કરતો ઇસમ ઝડપાયો

PC: news18.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાનું અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી રહી છે પરંતુ કેટલાક લોકો રાજ્ય સરકારના નિયમોને ગણકારતા નથી. તેથી આવા લોકો સામે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં જે લોકો માસ્ક પહેર્યા વગર રસ્તા પર જોવા મળી રહ્યા છે તેમની પાસેથી પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા 1 હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પૈસા કમાવવા માટે કેટલાક ઇસમો મોકાનો લાભ ઉઠાવી રહ્યા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી નકલી પોલીસ બની દંડની વસૂલાત કરતા એક ઇસમને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

રિપોર્ટ અનુસાર સુરત પોલીસને એવી બાતમી મળી હતી કે, છેલ્લા કેટલાક સમયથી એક ઈસમ નકલી પોલીસ બનીને માસ્ક નહીં પહેરનારા લોકોની પાસેથી 1 હજાર રૂપિયાના દંડ વસૂલાત કરીને તોડ કરી રહ્યો છે. તેથી પોલીસ દ્વારા આ બાબતે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને પોલીસે પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા અને સાપ્તાહિક પેપરના પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી રહેલા એક યુવક ધરપકડ કરી હતી. આ યુવકની પૂછપરછમાં સામે આવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી તે લોકોને પોલીસ તરીકેની ઓળખ આપતો હતો અને માસ્ક વગર આવતા જતા રાહદારીઓ પાસેથી દંડની વસૂલાત કરતો હતો.

આ ઈસમ જ્યારે સુરતના સરથાણા વિસ્તારમાં માસ્ક વગરના લોકો પાસેથી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપીને દંડની વસૂલાત કરતો હતો. તે સમયે લોકોને આ ઇસમ પર શંકા જતા લોકોએ તેની પૂછપરછ કરી કરી હતી. તે સમયે લોકોને આ ઇસમ નકલી પોલીસ હોવાની જાણકારી મળતાં લોકોએ નકલી પોલીસ બની માસ્ક વગરના લોકો પાસેથી દંડની વસુલાત કરતા ઈસમને પકડી પોલીસને સોંપ્યો હતો. હાલ સરથાણા પોલીસે આ ઇસમની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp