પહેલા ન માન્યા પછી પ્રેમી યુગલે આત્મહત્યા કરી તો બંનેના પૂતળા બનાવી લગ્ન કરાવ્યા

PC: gujarati.news18.com

તાપી જિલ્લાના નિઝર તાલુકાના નવા નેવાળા ગામમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમી પ્રેમિકાના જોડાના સંબંધો પરિવારજનોને મંજૂર નહોતા. તેને લઇને તેમના લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ પ્રેમી અને પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી. આ પ્રેમી પંખીડાઓએ ઑગસ્ટમાં આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ હવે તેમના પરિવારજનોએ તેમની આત્માની શાંતિ માટે અડધા કદની પ્રતિમા બનાવીને તેમના લગ્ન કરાવ્યા છે.

એટલું જ નહીં શ્રદ્ધાંજલિ રૂપે કંકોત્રી પણ છપાવી હતી, ભોજન સંમારંભ પણ આયોજિત કરાયો હતો અને જાન પણ નીકળી હતી. એટલે કે જે પ્રમાણે સામાન્ય લગ્ન થાય છે એવી જ રીતે મૃતકોના અડધા કદની પ્રતિમાના લગ્ન કરાવવામાં આવ્યા. ગણેશભાઇ કમરસિંહભાઇ પાડવી (ઉંમર 21 વર્ષ, રહે. નવા નેવાળા) અને રંજનાબેન મનીષભાઇ પાડવી (ઉંમર 20 વર્ષ, રહે નવા નેવાળા) બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું, લગ્નના એક વર્ષ બાદ બંને વચ્ચે ચાલતા પ્રેમ પ્રસંગને પરાકાષ્ઠાએ લઇ જતા ગણેશભાઇ પોતાની પ્રેમિકા રંજનાને પોતાના ઘરે લઇ ગયો હતો.

ત્યારે ગણેશના પિતા કમરસિંગ ભાઇએ આ રીતે લગ્ન કરવા યોગ્ય નથી, રંજના પણ આમ જ આવી છે તેને મૂકી આવ, અથવા તો તું જ જતો રહે એવો ઠપકો આપતા પ્રેમી પંખીડાઓને ખોટું લાગી આવ્યું હતું. રાત્રે ઘરે રોકાયા બાદ બીજા દિવસે સવારે રંજના અને ગણેશ ઘરેથી નીકળી જૂના નેવાળા ગામની સીમમાં જઇને ઉદ્દવહન સિંચાઇ યોજનાની ઓફિસ પાછળ આંબલીના ઝાડ સાથે દોરડું બાંધીને જીવન ટૂંકાવી લીધું હતું.

આ પ્રેમી પંખીડાઓની આત્માની શાંતિ માટે ગણેશના કાકા મગનભાઇ પાડવી અને રંજનાના દાદા યુવરાજ પાડવી સહિત આગેવાનોએ અડધા કદની પ્રતિમા બનાવડાવી રીત-રિવાજો મુજબ લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. રવિવારે જૂના નેવાડા ગામની રંજનાના ગામથી તેની પ્રતિમાની જાન લઇને પરિવારના લોકો ગણેશના ઘરે આવ્યા હતા. જ્યાં બંનેના અડધા કદની પ્રતિમાના લગ્ન યોજી ગામની સીમમાં તેની સ્થાપના કરી બંને મૃતકોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી.

રમેશભાઇ પાડવીએ કહ્યું કે, પરિવારજનોને લાગ્યું કે બંને એક-બીજાને પ્રેમ કરે છે. જે કામ એ બંને માટે પહેલા ન કરી શક્યા તેને હવે આ રીતે કરી શકાય છે. તેને લઇને તેમના મોત બાદ બંનેની પ્રતિમાના લગ્ન કરાવવામાં આવ્યા, અમારું માનવું છે કે, તેનાથી તેમની આત્માને શાંતિ મળશે. આ અંગે કૈલાશભાઇ પાડવીએ કહ્યું કે, છોકરો અને છોકરીએ એક જ દોરડાથી ફાંસી લગાવતા આત્મહત્યા કરી લીધી હતી. તેમના પરિવારજનોએ આ લગ્ન તેમના સંતાનોની આત્માની શાંતિ માટે કરાવ્યા છે. છોકરીના દાદા ભીમસિંહ પાડવીએ કહ્યું કે છોકરો અમારા દૂરના પરિવાર સાથે જ સંબંધ રાખે છે. આ કારણે લગ્ન થઇ શકતા નહોતા. આમ હવે બંને પરિવાના સભ્યોએ નક્કી કરીને લગ્ન કરાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp