અમરેલી પોલીસે બિલ્ડર પાસેથી પડાવેલા બીટકોઈનના કેટલા ભાગ પાડ્યા, કોને કેટલા મળ્યા

PC: siliconangle.com

સુરતના બીલ્ડરને ડરાવી ધમકાવી, અને માર મારી અમરેલીના ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર અનંત પટેલે રૂપિયા 12 કરોડની કિમંતના બીટકોઈન પડાવી લીધા હોવાની ફરિયાદની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે. પણ આ મામલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ પાસે તપાસ જાય તે પહેલા અમરેલી પોલીસના ચાર કોન્સટેબલો મુંબઈ પહોંચી ગયા હતા, અને ત્યા રૂપિયા 10 કરોડમાં બીટકોઈનનું ભારતીય ચલણમાં રૂપાંતરણ કરી પૈસા લઈ લેવામાં આવ્યા હોવાની હકિકત બહાર આવી છે.

સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને ગાંધીનગરથી ઉપાડી જઈ ચીલોડાના કેશવ ફાર્મમાં ગોંધી રાખી માર મારી તેમના ભાગીદાર કિરીટ પાલડીયાના ફોનમાં રહેલા 12 કરોડના બીટકોઈન સંદીપ પટેલ નામની વ્યકિતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા, કીરીટ પાલડીયા અને અમરેલીના ઈન્સપેકટર અનંત પટેલની મીલી ભગતમાં જ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ સંદીપ પટેલના એકાઉન્ટમાં જમા થયેલા બીટકોઈન મુંબઈમાં વેચી દેવાનું વ્યવસ્થા પણ કીરીટ પાલડીયાએ કરી હતી,

જેના ભાગરૂપે અમરેલીના ચાર પોલીસ કોન્સટેબલે મુંબઈ પહોંચી ગયા હતા, અને સંદીપ પટેલ સાથે મળી રૂપિયા 10 કરોડમાં બીટકોઈન વેચીં દેવામાં આવ્યા હતા. ભારતીય ચલણમાં આવેલા 10 કરોડની વહેચણી, અમરેલીના એસપી જગદીશ પટેલ, ઈન્સપેકટર અનંત પટેલ, કિરીટ પાલડીયા અને પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા વચ્ચે થઈ હોવાની ધારણા છે, હવે આ મામલે પણ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે, જો કે આ અંગે ફરિયાદ નોંધાયા પછી ઈન્સપેકટર અનંત પટેલ બીમારીની રજા ઉપર ઉતરી ગયા પછી હજી સુધી ફરજ ઉપર પાછા ફર્યા નથી.

આ આખા મામલામાં ઈન્સપેકટર અનંત પટેલ ઉપર દોષનો ટોપલો ઢોળી દેનાર અમરેલીના એસપી જગદીશ પટેલ પણ આખા પ્રકરણમાં સરખે હિસ્સે સંડોવાયેલા હોવાના પુરાવા સીઆઈડી ક્રાઈમને મળ્યા છે. અમરેલી પોલીસ એસપી જગદીશ પટેલની સુચનાથી ગાંધીનગર પહોંચી હતી, ગાંધીનગરમાંથી શૈલેષ ભટ્ટને ઉપાડયા પછી કેશવ ફાર્મમાં લઈ જવાની યોજના પણ જગદીશ પટેલે બનાવી હતી, અને ફાર્મ હાઉસ અને રાજધાની હોટલના માલિકને ફોન કરી ખુદ જગદીશ પટેલે ફાર્મ હાઉસ આપવાની સુચના આપી હતી, આમ પહેલાથી બીટકોઈન વેચાયા ત્યાં સુધીની ઘટનામાં જગદીશ પટેલ સામેલ હોવાની સાથે તેમની સુચના પ્રમાણે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

જો કે હવે મામલો ગરમ થયો છે અને સીઆઈડી ક્રાઈ ધીમી ગતીએ ચોક્કસ દિશામાં આગળ વધી રહી હોવાને કારણે જગદીશ પટેલનું બ્લડ પ્રેસર પણ વધ્યુ છે. આ કેસમાં પુછપરછ માટે સીઆઈડી ક્રાઈમના વડા આશીષ ભાટીયા ગમે તે ક્ષણે તેમને બોલાવે તેવો ડર તેમને લાગી રહ્યો છે, અને આ ફરિયાદ ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની સુચનાને કારણે શરૂ થઈ હોવાને કારણે જગદીશ પટેલ હવે અમરેલીના રાજકિય આગેવાનો પાસે મદદનો ખોળો પાથરી રહ્યા છે, જગદીશ પટેલ અમરેલીના પુર્વ મંત્રી બાવકુ ઉઘાડ સહિત અને નેતાઓનો સંપર્ક કરી શૈલેષ ભટ્ટનો ભુતકાળ ગુનાઈત છે, તેવી રજુઆત કરી અમરેલી પોલીસનું નૈતિક બળ તુટી રહ્યુ છે તેથી આ અંગે ગૃહમંત્રી સમક્ષ રજુઆત કરવાની વિનંતી કરી છે.

અમરેલી ભાજપના નેતાનું એક પ્રતિનિધિ મંડળ ગૃહમંત્રી પ્રદિપસિંહને મળી જગદીશ પટેલ પ્રમાણિક અને સક્ષમ અધિકારી છે, તેવી રજુઆત કરવા ગાંધીનગર પહોંચે તેવી વ્યવસ્થા પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp