વલસાડ નજીક રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ, જુઓ શું કર્યું

PC: DainikBhaskar.com

રાજ્યમાં ક્યારેય એવી ઘટનાઓ સામે આવે છે કે, તેનાથી લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. ક્યારેક કોઇ અસામાજિક તત્ત્વએ રેલવે ટ્રેક પર અડચણરૂપ કોઈ વસ્તુ મૂકીને ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે. ત્યારે આવી જ એક ઘટના વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક સામે આવી છે. આ ઘટનામાં અસામાજિક તત્ત્વએ રેલવેના પાટા પર સિમેન્ટનો પોલ મૂકીને રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રેન આ પોલને કચડીને આગળ નીકળી ગઈ હતી. ત્યારબાદ ઘટનાની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ટ્રેનના પાટા પર પોલ મૂકનાર ઇસમને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે..

રિપોર્ટ અનુસાર વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક શુક્રવારે સાંજે કોઈ અસામાજિક તત્ત્વએ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી દીધો હતો. જોકે આ ઘટનાની જાણ રેલવેના અધિકારીઓને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત GRP, RPF અને વલસાડ પોલીસના પોલીસકર્મીઓ પણ અતુલ રેલવે સ્ટેશનની નજીક આ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી આ મામલે તપાસ કરવામાં આવી હતી.

મહત્ત્વની વાત છે કે, 07:10 વાગ્યે પસાર થયેલી ટ્રેને આ સિમેન્ટના પોલને છૂંદી નાખ્યો હતો. આ ઘટના બાદ તમામ ટ્રેનોને 5 મિનિટ મોડી કરવામાં આવી હતી. તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે કે, આ પોલ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો અને તેની પાછળનો હેતુ શું હતો. પોલીસે તેના બાતમીદારોને સતર્ક કરીને ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ સમગ્ર ઘટનાને લઇને રૂરલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજીતરફ વલસાડ ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોતરાયા છે અને ઘટના સ્થળ પર પહોંચીને પોલીસ દ્વારા કેટલાક પુરાવાઓ એકઠા કરીને જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા DySP સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સિમેન્ટના પોલને છુંદીને ટ્રેન પસાર થઇ હોવાની ઘટના બાદ પણ ટ્રેન અને તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp