સુરતમાં ઠેર-ઠેર લાગ્યા 'આઈ સપોર્ટ જનતા લોકડાઉન'ના બેનર, કેન્દ્રની ટીમ આવી સુરત

PC: Khabarchhe.com

રાજ્યમાં સુરતમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી સુરત સહિત અનેક શહેરોમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પ્રતિદિન 800 કરતાં વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. 

કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિ પણ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે સુરતમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે અલગ-અલગ વિસ્તારોમાં લોકડાઉનના બેનર લગાવવામાં આવ્યા છે એટલે હવે સુરતમાં લોકો પણ લોકડાઉનની તરફેણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

સુરતમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારની ટીમ પણ સુરતમાં પહોંચી છે અને કેન્દ્ર સરકારની ટીમના ત્રણ વૈજ્ઞાનિક ડોક્ટર અને અધિકારીઓની 12 લોકોની ટીમ સુરતના આરોગ્ય વિભાગ સાથે કોરોનાનું સંક્રમણ રોકવા બાબતે ચર્ચા વિચારણા કરી રહી છે.

ત્યારે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં જનતા લોકડાઉનના બેનર લગાવવામાં આવ્યા છે. જેથી હવે સુરતના લોકો પણ જનતા લોકડાઉનની સાથે સહમત હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ખાલી નથી.

તો સ્મશાનગૃહમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 5થી 6 કલાકનું વેઇટિંગ કરવું પડી રહ્યું છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, આઈ સપોર્ટ જનતા લોકડાઉન. શું તમને તમારી જિંદગી વહાલી છે? તો ઘરમાં રહો, સુરક્ષિત રહો. સુરતમાં અલગ-અલગ જગ્યાઓ પર આ પ્રકારના બેનર લગાવીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તો બીજી તરફ સુરતમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારના સભ્ય સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટે લાંબી લાઈન લગાવીને ઉભા રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સુરતમાં આ ઇન્જેક્શનની કમીના કારણે પાંચ હજાર જેટલા ઇન્જેક્શનો રાજ્ય સરકાર દ્વારા સુરતને ફાળવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે, સુરતની ખાનગી હોસ્પિટલમાં પણ રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવશે. જેથી કરી દર્દીના પરિવારના સભ્યોને આમ તેમ ઇન્જેક્શન શોધવા માટે જવું ન પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp