એક તરફ કર્ફ્યૂ તો બીજી તરફ ભાજપના તાયફા, MLA અને મંત્રીના સત્કારમાં યોજાઈ રેલી

PC: youtube.com

કોરોનાના વધતા જતા કેસને લઇને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના તહેવારોમાં લોકોને ખૂબ છૂટછાટ આપવામાં આવી હોવાના કારણે હવે કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં સોમવારે સવારે 6 વાગ્યા સુધી કાફ્યૂ લાદવાનો તાત્કાલિક નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ માત્ર જનતાથી જ ફેલાતો હોય તેવું લાગુ રહ્યું છે. કરણ કે, કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે ભાજપના નેતાઓ લોકોના જીવ જોખમમાં મૂકાય તે પ્રકારે રેલીઓ કરી રહ્યા છે. માંડવીના કરંજ ગામમાં આવેલી એક શાળામાં MLA સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વનમંત્રી ગણપત વસાવા અને ધારાસભ્ય આત્મારામ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના નેતાની રેલી અને કાર્યક્રમમાં લોકો માસ્ક અને સામાજિક અંતરના નિયમનો ભંગ કરતા જોવા મળ્યા હતા.

રિપોર્ટ અનુસાર કરંજ ગામમાં વનમંત્રી ગણપત વસાવા અને ધારાસભ્ય આત્મારામ પરમારના સત્કાર સમારોહમાં DJ સાથે ભાજપના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા રેલી યોજવામાં આવી હતી. ગુજરાતમાં લગ્નમાં વરઘોડો ન કાઢી શકાય પણ ભાજપના નેતાઓની રેલી યોજી શકાય તે આ કિસ્સા પરથી શાબિત થઇ રહ્યું છે. આ રેલી દરમિયાન પણ નિયમોનો ભંગ થયો હતો. જેમાં ખુલ્લી જીપમાં 5 લોકોએ બેસીને સામાજિક અંતર અને ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. નેતાઓની સાથે-સાથે રેલીમાં જોડાયેલા ભાજપના કાર્યકર્તાઓ પણ નિયમનો ભંગ કરતા જોવા મળ્યા હતા. રેલી કરી એટલું જ નહીં નેતાના સ્વાગતમાં ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.

એક તરફ રાજ્ય સરકાર કોરોનાના કેસ વધતા ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાદી રહી છે અને બીજી તરફ ભાજપના નેતાઓ ભીડને ભેગી કરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. લોકોને જો રેલી કે, ધાર્મિક કાર્યક્રમ કરવો હોય તો નિયમો નડે છે પરંતુ ભાજપને કોઈ કાર્યક્રમ કરવામાં કે, રેલી કરવામાં કોઈ નિયમો નડતા નથી. ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણી સમયે પણ ભાજપ અને કોંગ્રેસના ઘણા કાર્યક્રમોમાં નિયમોનો ભંગ થયો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ નિયમ ભંગ કરતા દેખાયા હતા છતાં પણ તેમની પાસેથી એક પણ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો નથી. જો જનતા નિયમ ભંગ કરે તો તાત્કાલિક દંડની વસુલાત કરવામાં આવે છે. તંત્રની આ નીતિથી એવુ લાગી રહ્યું છે કે, ગુજરાતમાં ધારસભ્યો, મંત્રી, રાજકીય પક્ષના કાર્યકર્તા માટે અલગ કાયદો અને સામાન્ય જનતા માટે અલગ કાયદો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp