ટેક્સટાઈલ માર્કેટની કાળી દિવાળી છતાં MLA હર્ષ સંઘવીનાં જશ ખાટવાનાં હવાતીયા

PC: khabarchhe.com

સુરતની મજુરા વિધાનસભાનાં ભાજપનાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ ભાજપ હાઈકમાન્ડને સારું લગાડવાનાં હવાતીયા શરૂ કરી દીધા છે. મામલો છે સુરત ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારનાં વેપારીઓ દ્વારા અંધારી દિવાળી( બ્લેક દિવાળી)ની ઉજવણીનો. ગણી ગાંઠી માર્કેટો પર લાઈટીંગ કરવામાં આવ્યું છે ત્યારે હર્ષ સંઘવીએ રૂપિયા ખર્ચીને ટેક્સટાઈલ માર્કેટોની લાઈટીંગની સસ્તી પ્રસિધ્ધિ મેળવી જશ ખાટવાનો દેખીતો પ્રયાસ કર્યો છે.

Khabarchhe.comનાં પ્રતિનિધિ દ્વારા પાછલા બે દિવસથી સુરતનાં ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં દેખીતી રીતે જોવા મળ્યું કે દરેક દિવાળીએ ટેક્સટાઈલ માર્કેટોમાં સ્વંભૂ રીતે ઝાકમઝોળ અને ભવ્ય રોશની કરવામાં આવતી હતી તે આ વખતે જોવા મળી રહી નથી. મોટાભાગનાં માર્કેટો રોશની વિનાના અંધારામાં જોવા મળી રહી છે. ઝૂઝ સંખ્યામાં દિવાળી ટાણે રોશની કરવામાં આવી છે.

એવુંય નથી કે રોશની કરવામાં આવી નથી પરંતુ જે પ્રકારે દિવાળીને માર્કેટ વિસ્તાર વધાવતો હતો તેમાં મોટાપાયા પર ઓટ આવી છે. જીએસટીનાં વિરોધમાં કાપડનાં વેપારીઓએ અંધારી દિવાળી(બ્લેક દિવાળી) ઉજવવાનાં ભાગરૂપે માર્કટો પર રોશની નહી કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનાં પરિણામ સ્વરૂપ વેપારીઓએ એકતા જાળવી રાખી રોશની કરી નથી અને જે માર્કેટો પર રોશની કરવામાં આવી છે તે તમામ માર્કેટનાં સંચાલકો પર ભાજપનાં નેતાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

ધારાસભ્ય હર્ષ સંઘવીએ તેમનાં ઓફિશીલ ફેસબુક અકાઉન્ટમાં એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને હર્ષ સંઘવી દ્વારા સ્પોન્સર્ડ કરવામાં આવી છે. આ પોસ્ટમાં ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારોમાં રોશની થઈ છે તેવાં ફોટા મૂકવામાં આવ્યા હતા. રૂપિયા ખર્ચીને વધુમા વધુ લોકો સુધી પહોંચે તેવું કરવાનો તેમને આશય છે. આ આશય પાછળનું કારણ જીએસટીનાં વિરોધને દબાવી દેવાનો પ્રયાસ હોવાનું જણાઈ રહ્યું છે.

હકીકત એવી છે કે હર્ષ સંઘવી જીએસટી આંદોલન વખતે વેપારીઓને સમજાવવા મધ્યસ્થી કરતા ક્યાંય પણ દેખાયા ન હતા. આની પાછળ તેમના અને સ્થાનિક સાંસદ વચ્ચેનાં મતભેદો પણ કારણભૂત હતા.

હર્ષ સંઘવી પોતે જે વિસ્તારમાંથી ચૂંટાય છે તે વિસ્તારમાં કાપડનાં વેપારીઓ જ વધુ રહે છે. ડાઈંગ હાઉસ અને કાપડની દુકાનોનાં માલિકોની વસ્તી ધરાવતી સુરતની મજુરા વિધાનસભા છે. જીએસટી વિરુધ્ધનાં આંદોલનમાં એક ધારાસભ્ય તરીકેની ફરજ ચૂકી ગયેલા હર્ષ સંઘવી વિધાનસભાની બર્થ નિશ્ચિત કરવા માટેનાં હવાતીયા મારતા દેખાઈ રહ્યા છે.

એવુંય નથી કે બધી જ માર્કટોમાં લાઈટીંગ કરવામાં આવી છે. ગણીગાંઠી માર્કેટોમાં લાઈટીંગ કરાઈ છે તે જોતાં સ્પષ્ટપણે લાગે છે કે વેપારીઓમાં ભારે આક્રોશ છે. આ આક્રોશને થાળે પાડવાની દિશામાં સમજાવટનાં પ્રયાસો કરવાનાં બદલે તેમની ફેસબુક પોસ્ટ ઉશ્કેરણીજનક જણાઈ રહી છે. 

આ ઉપરાંત રીંગ રોડ ફ્લાય ઓવર બ્રિજને સુરત મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાઈટીંગથી શણગારી દીધો છે. બ્રિજના લાઈટીંગ સાથે માર્કેટ વેપારીઓને કશું લાગતું વળગતું નથી. આવી સ્થિતિમાં હર્ષ સંઘવી સસ્તી પ્રસિધ્ધિ ખાટી રહ્યા હોવાની લાગણી વેપારી આલમમાં પ્રવર્તી રહી છે.

ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ભાજપમાં પોતાની પોઝીશન સારી દેખાડવા માટેનાં થઈ રહેલા આ રૂપરડા ખર્ચનાં હવાતીયા એ સાબિત કરે છે કે તેઓ વેપારીઓનો ભરોસો ગુમાવી ચૂકયા છે. જીએસટી આંદોલનમાં કોઈ દરકાર ન લેનાર હર્ષ સંઘવીથી વેપારીઓ નારાજ થયેલા જણાયા છે અને ટેક્સટાઈલ માર્કેટનાં વેપારીઓનું કહેવું છે આ નારાજગી ચૂંટણીનાં પરિણામો અચૂક જોવા મળશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp