સુગર-હાઇપરટેન્શન હોવાથી કેંસરનો ક્લેઇમ વીમા કંપનીએ નકાર્યો, કોર્ટ આપ્યો આ આદેશ

PC: timesofindia.indiatimes.com

વીમેદારને વીમો લેતા અગાઉથી જ ડાયાબિટીસ અને હાઇપરટેન્શન હોવાનું કારણ જણાવી વીમેદારનો કેન્સર અંગેની સારવારનો ક્લેઇમ નકારવાનું વીમા કંપનીને ભારે પડ્યું છે. જિલ્લા ગ્રાહક કમિશને કેન્સરની સારવારના જુદા જુદા ક્લેઇમની કુલ રકમ રૂપિયા 10.59 લાખ વ્યાજ તથા વળતર સહિત ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

ગંગારામ અસ્નાનીએ એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફતે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યુરન્સ કુ. વિરુધ જિલ્લા કમિશન સુરત સમક્ષ ફરિયાદ કરી હતી. કેસની વિગત એવી છે કે, ગંગારામે વીમા કંપનીનો રૂપિયા 7.50 લાખનો મેડીક્લેઇમ ઇન્સ્યુરન્સ ધરાવતા હતા. વીમો અમલમાં હતો તે દરમિયાન કેન્સર હોવાનું નિદાન થયું હતું. જેથી કેમોથેરાપી કરાવવાની ડોક્ટરે સલાહ આપી હતી. વીમા પોલીસીના 2016-17ના વર્ષ દરમિયાન કુલ 8 વાર કેમોથેરાપીની સારવાર લીધી હતી.

કુલ ખર્ચ 5,42,697 થયો હતો. વીમા પોલીસી 2017-18ના વર્ષ દરમિયાન કુલ 3 વાર કેમોથેરાપીની સારવાર લીધી હતી. જેનો ખર્ચ રૂપિયા 5,17,135 થયો હતો. આ તમામ 11 સારવાર અંગે ફરિયાદીએ અલગ-અલગ 11 ક્લેઇમ વીમા કંપની સમક્ષ કર્યા હતા.

વીમા કંપનીએ ફરિયાદી વીમેદારને વીમો લેતા અગાઉથી જ હાઇપરટેન્શન અને ડાયાબિટીસની બિમારી હતી. પરંતુ, બિમારીની હકીકત વીમો લેતી વખતે છુપાવી હોવાથી ક્લેઇમ ચૂકવણીપાત્ર રહેતો ન હોવાનું જણાવી 11 ક્લેઇમ નામંજુર કર્યા હતા.

જેથી ફરિયાદીએ ગ્રાહક કમિશન સુધી જવાની ફરજ પડી હતી. ફરિયાદ પક્ષની સુનાવણી દરમિયાન ફરિયાદીનું અવસાન થતા તેના વારસો બિનીતાબેન તથા પુત્ર વિનોદ તથા પુત્રી જ્યોતિ ફરિયાદમાં ફરિયાદી તરીકે જોડાયા હતા. ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ દલીલો કરતા જણાવ્યું હતું કે, મેડીકલ રેકર્ડમાં ફરિયાદીને ડાયાબિટીસ-હાઇપરટેન્શન હોવાની નોંધ જે તે નોંધ કરનારની એફિડેવીટ કરાવીને તે વીમા કંપની પુરવાર કરી શકી નથી. ડાયાબિટીસ અને હાઇપરટેન્શન એ લાઇફસ્ટાઇલ ડીસીઝ છે. તેને મોઢાના કેન્સરની બિમારી સાથે કોઇ સીધો કાર્ય-કારણનો સંબંધ નથી જેથી ક્લેઇમ મળવાપાત્ર છે.

સુરત જિલ્લા કમિશનના પ્રમુખ ન્યાયાધીશ પી.પી.મેખીયા અને સભ્યો ડો.તીર્થેશ મહેતા અને પૂર્વી જોશીએ કરેલા હુકમમાં કુલ રૂપિયા 10,59,832 ફરિયાદીની તારીખથી ચુકવણીની તારીખ સુધીના વાર્ષિક 7 ટકા લેખે વ્યાજ સહિત તેમજ બીજા 10 હજાર સહિત ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp