CMએ કહ્યું- મને ગુંડાગીરી કરતા નથી આવડતી, હું એક શિક્ષિત માણસ, મને કામ તો...

PC: Khabarchhe.com

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા મહિનાઓથી સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં એક રોડ શોમાં ભાગ લીધો અને આ રોડ શોમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા.

CM કેજરીવાલે કહ્યું હતું કે, મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, મને અપશબ્દો બોલતા નથી આવડતા, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, દિલ્હીમાં પણ બનાવ્યા છે, પંજાબમાં પણ બનાવી રહ્યા છીએ, જો તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ બનાવીશ. હું તમને ખોટા વચનો આપતો નથી. હું તમને ક્યારેય નહીં કહું કે હું તમને ₹15,00,000 આપીશ, હું ખોટું નથી બોલતો. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યો છું. હું ઈમાનદાર માણસ છું, ભ્રષ્ટાચાર નથી કરતો.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્યાં પણ 24 કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંના લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.

તેમણે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.

તેમણે કહ્યું કે 27 વર્ષમાં તેઓએ તમારા બાળકો માટે કોઈ શાળાઓ બનાવી નથી, 27 વર્ષમાં તેઓએ તમારા માટે કોઈ હોસ્પિટલ નથી બનાવી, મેં 6 વર્ષમાં દિલ્હીમાં શાનદરા શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે. જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. સમગ્ર દેશમાં આજે સૌથી મોંઘી વીજળી ગુજરાતની અંદર છે. આ બંને પક્ષો સાથે મળીને બધા પૈસા ખાય છે. એટલે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી. ચૂંટણી પછી કોંગ્રેસ તેમની સાથે જતી રહેશે. તમારા ભાઈ તરીકે હું તમારી પાસે માત્ર એક તક માગી રહ્યો છું. તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ, જો તમને ના ગમે તો મને ધક્કા મારીને બહાર કાઢી મુકજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp