નામ અબ્દુલ હૈ મેરા….કોરોનાનો આ વોરિયર છેલ્લી ઘડી સુધી સાથે રહે છે

PC: Khabarchhe.com

એનું નામ અબ્દુલ મલબારી છે. જ્યાં સંકટ ત્યાં આ મહાશય જરૂર ઊભો હોય તે તેની ફિતરત છે. અજાણી લાશોનો તે અને તેની ટીમ વારિસ છે. સુરત જ નહીં પણ દેશભરમાં તે અને તેની ટીમ દરેક કુદરતી કે માનવસર્જિત આફતોમાં સરકારની મદદ કરવા પહોંચી જાય છે. હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની પાસે જતા તેના સગાસંબંધી પણ ડરે છે ત્યારે અબ્દુલ અને તેની ટીમ અલ્લાહ, ઈશ્વરને રાજી કરવા અને ખરી સેવા કરવા તેના અંતિમ સંસ્કાર કરવાનું કામ સુપેરે પાર પાડે છે.

સુરતમાં કોરોનામાં અત્યારસુધી ચારના મોત થયા છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ હોય તે તમામની અંતિમ ક્રિયાનું કામ અબ્દુલ મલબારી અને તેની ટીમ જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન હેઠળ પાર પાડે છે. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમની સાથે હોય છે. અબ્દુલને તમામ ધર્મની અંતિમ ક્રિયાની વિધિ આવડે છે અને તે માટે તેની પાસે ધાર્મિક આગેવાનો સહિતની પુરી ટીમ પણ છે.

અગ્નિદાહ આપવાનો હોય કે દફન વિધિ તેનું કામ પ્રોપર હોય છે. જેથી, જ આવી આફતોમાં જ્યારે બીજાઓ દુર રહેવાનું મુનાસીબ માને છે ત્યારે અબ્દુલની ટીમ 24 બાય 7 પહોંચી જવા તૈયાર જ હોય છે. અબ્દુલ કહે છે કે અલ્લાહ તઆલા મારાથી ખૂબ  જ મોટી ખિદમત લઈ રહ્યું છે. હું અને મારી ટીમ 35 વર્ષથી આ કામથી લાવારિસ લાશોના વારિસ બનીને તેમની અંતિમ વિધિ કરી રહ્યાં છે. ઉપરાંત કોઈ પણ કપરા સંકટમાં પણ અમને વહીવટી તંત્ર યાદ કરે એટલે પહોંચી જઈએ છીએ.

તમને ડર નથી લાગતો એ મતલબના અમે કરેલા પ્રશ્નનો જવાબ આપતા અબ્દુલ કહે છે કે, ઉપરવાલાએ એક જ જીવન આપ્યું છે અને તેણે આપણો મરવાનો સમય પણ નક્કી જ કરી રાખ્યો છે. મોતનું જે બહાનું હશે તે બહાને ઉપરવાલો આપણને તેના દરબારમાં બોલાવી લેશે. ઉપરવાળાને સારા અને પુણ્યના કામ થકી મોઢું દેખાડી શકીએ તે માટે હું અને મારી ટીમ સેવાકીય કામ કે કોરોના જેવી મહામારી, પુર, ભૂકંપ, જેવી આફતોમાં કામ કરવા પહોંચી જઈએ છીએ.

  • અબ્દુલની ટીમે કેવી કપરી સેવાકીય કામગીરી કરી?

એકતા ટ્રસ્ટની ઓફિસ ચોકબજાર ખાતે આવેલી છે અને તે લાવારિસ લાશોના અંતિમ સંસ્કાર અને કફન-દફનના કામ માટે શહેરના ખૂબ જ નામધારી બિસ્મિલ્લાહ હોટલના માલિક મર્હુમ શફી ચાચાએ તેની સ્થાપ્ના કરી હતી. આજે આ ટ્રસ્ટમાં 3000થી વધુ સભ્યો છે અને કીમથી લઈ વાપી સુધીની તમામ બિનવારસી લાશોનું કોઈ પણ જાતિ-ધર્મના ભેદભાવ વિના અંતિમ સંસ્કારનું તેઓ કામ કરે છે. આમ તો એક્તા ટ્રસ્ટના અનેક મોભીઓ અને દાતાઓ છે પણ સામાન્ય રીતે અબ્દુલ મલબારી એટલે જ એકતા ટ્રસ્ટ એવી ઓળખ ઊભી થઈ ગઈ છે. આ ટીમે કરેલી કામગીરી અનેક છે જેમાં…

1997માં કંડલામાં આવેલું વાવાઝોડુ, વર્ષ 2000માં ભૂકંપમાં કચ્છમાં થયેલી તબાહીમાં રેસક્યુ કામગીરી, 1998 અને 2006માં સુરતમાં આવેલા નદી પુરમાં કરેલી અકલ્પનીય કામગીરી, 2018માં કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ મચેલી તબાહી બાદ કામગીરી, પાછલા વર્ષે કાશ્મીરમાં આવેલા પૂરમાં મચેલી તબાહી બાદની કામગીરી મુખ્ય છે.

ઉપરાંત અમદાવાદમાં કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ લાવારિસ લાશોના અંતિમ સંસ્કારની કામગીરીમાં હડતાળ પડતા રાજ્ય સરકારના આદેશથી ત્યાંના 190 શબોના અંતિમ સંસ્કારની કાર્યવાહી પણ એકતા ટ્રસ્ટે કરી હતી. અબ્દુલ મલબારી કહે છે કે અત્યારસુધી અમે 50 હજારથી વધુ લાવારિસ લાશોના વારિસ બન્યા છે. હાલ કોરોના વખતે પરિવારને પણ અંતિમ ક્રિયા કરવાની પરવાનગી નથી ત્યારે કુદરતે અમારી ટીમને મરણ જનારના પરિવાર બનવાનો મોકો  આપ્યો છે અને અમે દરેક ધાર્મિક વિધિથી આ કામગીરી સુપેરે પાર પાડીએ છીએ. અબ્દુલ કહે છે કે અલ્લાહ – ઈશ્વરથી દુઆ છે કે તે આ મહામારીમાંથી સૌને બચાવે અને કોરોનાને નેસ્તનાબૂદ કરે.

(રાજા શેખ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp