શું આમ આદમી પાર્ટીથી પાટીદારો વંકાયા? કેજરીવાલની આ ભૂલ છે મોટું કારણ

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષ્યમાં ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યું છે. પાટીદારો ફરીથી એક વખત કિંગ મેકર બની રહ્યા છે. આમ આદમી તરફ પાટીદારોનો ગાડરીયો પ્રવાહ વહી રહ્યો હતો પણ આ પ્રવાહને અચાનક બ્રેક લાગી ગઈ હોવાનું ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રતિત થઈ રહ્યું છે.

પાટીદાર અનામત આંદોલન બાદ વડાપ્રધાન મોદી સુરતમાં પાટીદારોના ગઢ એવા મોટા વરાછામાં સભા કરવા આવી રહ્યા છે. પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના સમાપ્ત થવાના એક દિવસ પહેલાં પીએમ મોદીની સભા ભાજપ માટે અતિ મહત્વની પુરવાર થવાની છે. વડાપ્રધાન મોદીની સભાની જવાબદારી કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનાં શિરે રહેલી છે. દરમિયાનમાં પાટીદારો ફરીથી ભાજપ માટે રાહતની ખબર લઈને આવી રહ્યા છે.

પાટીદાર અનામત આંદોલન બાદથી ભાજપ માટે પાટીદારો એક કોયડો બની ગયા હતા. પણ ચૂંટણીમાં ભાજપે 40 કરતાં વધું સીટો પર પાટીદારોને ઉમેદવાર બનાવ્યા છે. આપ અને કોંગ્રેસ માટે મોટી મોકાણ સર્જી દીધી છે.

મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓમાં જોવા મળ્યું તેમ પાટીદારોનો  ગાડરીયો પ્રવાહ આમ આદમી પાર્ટી તરફ વહી રહ્યો હતો. પણ જે દિવસથી કેજરીવાલે મુખ્યમંત્રી પદ માટે બિન પાટીદાર ચહેરાને પ્રોજેક્ટ કર્યો ત્યારથી પાટીદારોનાં આમ આદમી પાર્ટી તરફની દોડમાં ઘટાડો થવા માંડ્યો છે. કેજરીવાલે ઓબીસી ચહેરા તરીકે પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કર્યા અને પાટીદારોમાં સ્થિતિ વણસવા માંડી હતી. જોકે, કેજરીવાલની ગણતરી ઓબીસી ચહેરા ઈસુદાન ગઢવીને સીએમ ફેસ માટે પ્રોજેક્ટ કરી કોંગ્રેસને ભીંસમાં મૂકવાની ગણતરી હતી. કારણ કે કોંગ્રેસ ગુજરાતમાં સંગઠનની દ્રષ્ટિએ કમજોર બની રહી હતી. કેજરીવાલની ગણતરી હતી કે ઓબીસી સમાજ કોંગ્રેસની વોટ બેંક રહી છે તો પહેલાં એને કવર કરવામાં આવે. પરંતુ ચૂંટણી આવતાં ઈસુદાન ગઢવી જાહેરાત આપ માટે પાટીદારોમાં નારાજગી લાવનારી બની રહી હોવાનું ચૂંટણી પ્રચારના ગ્રાઉન્ડ રિપોર્ટથી સુવિદિત થઈ  રહ્યું છે.

એક તરફ કેજરીવાલની ગણતરી ઓબીસીમાં કોંગ્રેસને હંફાવવાની હતી તો બીજી તરફ પાટીદારને પ્રદેશ અધ્યક્ષ બનાવી પાટીદારોને રિઝવવાની હતી. આમ ઓબીસી-પાટીદાર કોમ્બિનેશનને કેજરીવાલે OTP નામ આપ્યું હતું. ઓ એટલે ઓબીસી, ટી એટલે ટ્રાયબલ અને ટી એટલે પટેલ(પાટીદાર). પરંતુ એવું લાગે છે કે કેજરીવાલની ગણતરી વિધાનસભા ચૂંટણીમાં ઉલ્ટી થઈ રહી છે અને આ ફેક્ટરનાં કારણે આમ આદમી પાર્ટી ઉંધા માથે ધડામથી પટકાઈ ગઈ હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ ભાજપ પાટીદારને જ મુખ્યમંત્રી તરીકેના ફેસ તરીકે પ્રોજેક્ટ કર્યા છે. ટિકિટોની વહેંચણીમાં પણ પાટીદારોનો વટ પાડી દેવામાં આવ્યો છે. આ બધા સમીકરણો પાટીદારોને લઈ ભાજપને રાહતનો શ્વાસ આપનારા પુરવાર થવાના એંધાણ મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp