સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ડૉક્ટરોની હડતાલ, જાણો કારણ

PC: Dainikbhaskar.com

એક તરફ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. તો બીજી તરફ ડૉક્ટરો પણ પોતાની અલગ-અલગ માગણીઓને લઈને સરકારની સામે બાંયો ચઢાવી રહ્યા છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ઈન્ટર્ન ડૉક્ટરોએ હડતાલ કરી છે અને હડતાળનું કારણ એ છે કે, ડૉક્ટરોને હોટેલમાં આઇસોલેશનની સુવિધા જોઈએ છે અને તંત્ર દ્વારા આ સુવિધા આપવામાં ન આવતા ડૉકટરો હડતાલ પર ઉતર્યા છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ઇન્ટર્ન ડૉક્ટરોનું કહેવું છે કે, તેઓ દિવસ-રાત કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે કામ કરી રહ્યા છે અને જ્યારે દર્દીઓની સારવાર કરીને તેઓ પોતાના પરિવાર પાસે જાય છે ત્યારે, પરિવારમાં પણ કોરોનાનું સંક્રમણ આવી રહ્યું છે. આ જ કારણે તેમને હોટેલની અંદર આઇસોલેશનની સુવિધા આપવામાં આવે અને તંત્ર દ્વારા અમારી આ માગણીને નજર અંદાજ કરીને અમારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

આ બાબતે યશ બાલધા નામના ડૉક્ટરે જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણા સમયથી અમારી માગણી છે કે, કોરોનાની મહામારીમાં કામ કરતા સમયે ઘણા ડૉક્ટરો કોરોના સંક્રમિત થયા છે અને ત્યારબાદ સાજા થઈને ફરજ પર પરત આવ્યા છે. અમને ડર છે કે, અમે દર્દીઓની સેવા કરીને ઘરે જઈએ છીએ ત્યારે પરિવારના સભ્યો પણ સંક્રમિત થઈ શકે છે અને આ માટે અમે ડૉક્ટરો આઇસોલેશનની સુવિધાની માગણી કરી રહ્યા છીએ. તંત્રએ અમારી માગ બાબતે કોઈ નિર્ણય ન લેતા અમે હડતાલ પર ઉતરવાનો રસ્તો અપનાવ્યો છે.

હોટેલમાં આઇસોલેશનની માગને લઇને સુરત સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા 200 જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો આજથી હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી તંત્ર દ્વારા ડૉક્ટરોને હોટેલની અંદર આઇસોલેશનની સુવિધા નહીં આપવામાં આવે ત્યાં સુધી આ ડૉક્ટરો કામથી અળગા રહેશે. એક તરફ કોરોના પોઝિટિવ કેસો સુરતમાં વધી રહ્યા છે અને બીજી તરફ ડૉક્ટરોની હડતાલને પગલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ દોડતા થયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, તંત્ર દ્વારા ડૉક્ટરોની માગને લઇને શું નિર્ણય કરવામાં આવે છે. 

તો બીજી તરફ અમદાવાદમાં પણ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડૉક્ટરોએ પણ તંત્રની સામે 15 માગનું નિરાકરણ લાવવાની માગણી કરી છે નહીં તો આંદોલનની ચેતવણી આપી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp