રાજ્યનો ખેડૂત દેશી ગાય આધારિત ઝીરો બજેટથી ખેતી કરતો થાય એવું આયોજન: ઈશ્વર પરમાર

PC: Khabarchhe.com

ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવા રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત 'સાત પગલા ખેડૂત કલ્યાણના' હેઠળ મહુવા ખાતે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક ખેતી યોજના હેઠળ બારડોલી,પલસાણા અને મહુવા તાલુકાના 12 ખેડૂત લાભાર્થીઓને સહાયના મંજુરી હુકમો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારના હસ્તે વિતરણ કરાયા હતા. મહુવા ક્લસ્ટરના 719 ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ યોજના ગાયના નિભાવ ખર્ચની સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટસ યોજના હેઠળ 1270 ખેડૂતો મળી કુલ 1989 ખેડૂતોને તબક્કાવાર લાભાન્વિત કરવામાં આવશે.

કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વર્ષ 2018-19 ના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા તાલુકા કક્ષાના આઠ અને જિલ્લા કક્ષાના બે પ્રગતિશીલ ખેડૂતોને શાલ, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

મહુવા અસ્મિતા ભવન, બ્રાહ્મણ સમાજની વાડી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, ભારત દેશમાં ધરતી અને ગાયને માતા તેમજ ખેડૂતને જગત-તાતની ઉપમા આપવામાં આવી છે. ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે ‘સાત પગલા ખેડૂત કલ્યાણના’ સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકારે સાત મહત્વની કૃષિ યોજનાઓ બનાવી છે. રાજ્ય સરકારે ખેડૂતો માટેની ખેડૂત કલ્યાણના સાત પગલા પૈકી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયનો નિભાવ ખર્ચ અને પ્રાકૃતિક કૃષિ કીટ યોજના લાગુ કરી રાજ્યનો ખેડૂત ઝીરો બજેટની ખેતી કરતો થાય એવું નક્કર આયોજન કર્યું છે.

રાજ્ય સરકારે લીધેલા ખેડૂતહિતલક્ષી પગલાઓનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019-20 દરમિયાન સુરત જિલ્લાના 46 હજારથી વધુ ખેડૂતોને રૂ.17.67 કરોડની કૃષિ યોજનાકીય સહાય આપી છે. જ્યારે જિલ્લા પંચાયતની સ્વ ભંડોળ યોજના હેઠળ 1700 થી વધુ ખેડૂતોને રૂ. 1.20 કરોડની સહાય ચૂકવાઈ છે. જ્યારે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા 1174 ખેડૂતો ને રૂ.8.86 કરોડની ડ્રિપ અને માઈક્રો ઇરિગેશન સહાય આપવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલાં નુકસાનની ભરપાઈ કરવા સુરતના 65,334 ખેડૂતોને 63 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

તેમણે હાલના ચોમાસાની ઋતુમાં ભારે વરસાદથી રાજ્યમાં જે વિસ્તારમાં ખેતી પાકની નુકસાની થઈ છે તેવા ખેડૂતોને વળતર આપવા માટે સર્વેની કામગીરી પ્રગતિમાં હોવાનું પણ જણાવ્યું હતું.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુંટુબને એક ગાય માટે નિભાવ ખર્ચ પ્રતિ માસ રૂ.900ની મર્યાદામાં અને વાર્ષિક રૂ.10,800ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા રૂ.66.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે જીવામૃત બનાવવા પ્રાકૃતિક કૃષિ કિટ માં સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ.13.50 કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે.

આ અવસરે ગાંધીનગરથી ઈ-માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને સંબોધી યોજનાઓનો લાભ લઈ ખેત જીવનધોરણને વધુ ઉન્નત બનાવવાની પ્રેરણા આપી હતી.

આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર એન. કે. ગાબાણીએ સૌને આવકારી સાત પગલાંરૂપી સાત યોજનાઓ વિશે પ્રાથમિક જાણકારી આપી હતી. આ પ્રસંગે મદદનીશ ખેતી નિયામક અજય પટેલ, મહુવા સુગરના ચેરમેન જિગરભાઈ નાયક, અગ્રણી અનિલભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ સહિત લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp