1 તારીખે સુરતમાં મતદાન કરી બિસ્તરા લઈને સૌરાષ્ટ્ર જતા રહેવાનું છે: હર્ષ સંઘવી

PC: Khabarche.com

સુરતના મહિધરપુરા હીરા બજાર વિસ્તારમાં હર્ષ સંઘવીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હીરા બજારના વેપારીઓ રેલીમાં જોડાયા હતા. તો ઠેર ઠેર હીરાના વેપારીઓ દ્વારા હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હર્ષ સંઘવીની સાથે વરાછા વિધાનસભાના ઉમેદવાર કુમાર કાનાણી, કરંજ વિધાનસભાના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી, પૂર્વ વિધાનસભાના ઉમેદવાર અરવિંદ રાણા અને ઉત્તર વિધાનસભાના ઉમેદવાર કાંતિ બલ્લર ઉપસ્થિત રહ્યા હતા. ડીજે અને ઢોલ નગારા સાથે મહિધરપુરા હીરા બજારમાં હર્ષ સંઘવીની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સભાને પણ હર્ષ સંઘવીએ રેલી બાદ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે આમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબની સરકાર પર આક્ષેપો કર્યા હતા.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઇતિહાસ એ છે કે, ગુજરાતના ભાગલા પાડનાર લોકોને તમે ફ્લેશ લાઈટ બતાવી રેડ લાઈટ બતાવી છે. અમુક લોકો આજુબાજુની વિધાનસભાના ખાલી રોડ પર ફરી રહ્યા છે. તમે ચિંતા નહીં કરતા. મોદી મોદીનો નારો અમુક ઊંઘેલા લોકો નહીં જુએ પણ એ લોકોની ઊંઘ બગડી. માત્ર પાંચ કિમી દૂર અવાજ સાંભળીને પણ લોકો ગાંડા થઈ ગયા છે. આ ગલીઓમાં હું નાનપણથી લોકોન ખોળે બેસી મોટો થયો છું. અહીં ઓટલા પર બેસીને વેપાર કરતા શીખ્યો છું. મહિધરપુરાની ગલીઓમાં બેસીને મજુરાની ચૂંટણી લડ્યો અને વિધાનસભા પહોંચ્યો. અહીં ખોળામાં બેસીને વેપાર શીખ્યો અને આજે તમે ખભે બેસાડીને ફેરવ્યો. આ ખોળો અને ખભો હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. આ ગલીઓમાં મેં ચા પીધી છે, નાસ્તો કર્યો છે. આજે જ્યારે અહીં આવ્યો ત્યારે હજારો લોકો મને વધાવવા આવ્યા. આ એ લોકો છે જેમણે ક્યારેય ઓફિસ બહાર પગ નથી મુક્યો. એ લોકોએ આજે કલાકો સુધી મોદી મોદીના નારા લગાવ્યા છે. આ વર્ષે વરાછા વિધાનસભા પણ એક નવો ઇતિહાસ બનાવશે. ઉત્તરના ઉમેદવાર કાંતિ ભાઈ માટે સમાજ સેવા પ્રથમ રહી છે. પ્રવિણ ભાઈ પણ હંમેશાં લોકસેવા માટે આગળ રહ્યા છે. અરવિંદભાઈની એક વિશિષ્ટતા છે કે, પોતાની ઓફિસથી વધુમાં વધુ લોકોને લાભ અપાવે.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, હું આપને વિશ્વાસ અપાવું છું. તમારા મોબાઈલમાં લખી લો નહીં તો ચિઠ્ઠી બનાવી લો. આ દીકરો તમને કહી ને જાય છે કે સુરતની 12 સીટ ભાજપને સમર્પિત કરશો. એક સમયે પ્લેગવાળું ઓળખતું શહેર આજે દેશનું પ્રથમ સ્વચ્છ શહેર છે. એક સમયે રાજ્યના કેટલાક ગામડાંઓની બહાર બોર્ડ લાગતા હતા કે અહીં રાજ્યની કાયદો વ્યવસ્થા સમાપ્ત થાય છે. આજે ભાજપના રાજમાં એ બધું બંધ થઇ ગયું છે. સૌરાષ્ટ્રના એ ગુંડારાજ સામે લોકોએ પરિવારને લઈને ગામ છોડવું પડ્યું. તે બધું કોંગ્રેસના પ્રતાપે હતું. સુરતના નાગરિકો અને ભાજપની જોડી દુનિયાની નંબર વન જોડી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આપણી બેટ દ્વારકાની ધરતી પરનું અવૈદ્ય બાંધકામ ચલાવી લેવાય નહીં. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ પર બુલડોઝર ચલાવી દીધા. અવૈદ્ય મજારો પર બુલડોઝર ચલાવ્યા પછી કોંગ્રેસીઓ સવાલ પૂછે છે. તેમને જવાબ આપવાની જરૂર નથી લાગતી. આપણા ગુજરાતીઓ કોઈ બહારથી આવ્યું હોય તેને ભોજન કરાવીએ છીએ. પણ કેટલાક લોકો બહારથી આવીને એમ સમજે છે કે મને જમાડ્યો એટલે આ ઘર પણ મારું છે. પણ ગુજરાતી ફક્ત જમાડે છે ઘર નથી આપી દેતા. દર સપ્ટેમ્બર મહિનામાં આ લોકો બેગ લઈને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી જાય છે. પણ ગુજરાતીઓ ડિસેમ્બર સુધીમાં એવો હિસાબ કરે છે કે તેઓ આવતા પાંચ વર્ષ સુધી દેખાતા નથી. આ વખતે પણ આવો જ હિસાબ કરવાનો છે. હીરા બજારમાં મર્દની બોલી ચાલે છે. એક ચિઠ્ઠીમાં લખી આપે એટલે એ જબાન થઈ ગઈ. આ વખતે પણ એવો જ મર્દ જેવો હિસાબ કરવાનો છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બાબતે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી અને ગલીએ ગલીએ ખૂન ખરાબા ચાલુ થઈ ગયા. તેઓ ગુજરાતની ધરતીને બદનામ કરવા આવ્યા છે. પંજાબના મુખ્યમંત્રી અહીંયા આવીને મોટા મોટા ફાંકા મારે છે. આપણે અહીં કહીએ છીએ કે, ફાંકા ન માર વેપાર કર નહીં તો ઘર કોણ ચલાવશે. એને કેહવાનું છે કે, ભાઈ તું પંજાબ ચલાવ. દિલ્હીનું હેલ્થ મોડલ એવું છે કે, કમર દુઃખતી હોય તો ડૉક્ટર પગ દબાવવાનું કહે. એક મંત્રી રેપિસ્ટ જોડે બેસીને જેલમાં મસાજ કરાવે આ કેટલું યોગ્ય કહેવાય. દિલ્હીની જેલમાં હમણાં કેવા પ્રકારના કાંડ ચાલે છે. આ સરકાર સુકેશ સાથે ભાગીદારીમાં હતી. 50 કરોડ રૂપિયા દારૂ કાંડમાં મેળવ્યા બાદ પણ સુકેશ પાસે રૂપિયા માંગ્યા છે. સુકેશે જેલમાંથી કહેવું પડ્યું અને ભગીદારી તોડવી પડી.

આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા બાબતે કહ્યું કે, અહીંયા જ પૂર્વ વિધાનસભામાં આપના ઉમેદવાર એમ વિચારીને ચૂંટણીમાં ઉતર્યા કે સમાજ સેવા કરીશ. પણ આ પાર્ટીએ તેમની પાસે રૂપિયા માંગ્યા. બિચારાને પોતાનું ઘર વેચવાની નોબત આવી હતી પરંતુ, જેની ડિપોઝીટ જ જપ્ત થઈ જવાની હોય તે બિચારો ફોર્મ પાછું જ ખેંચી લે ને. પોતાનું ઘર વેચીને ચૂંટણી થોડો લડવાનો છે.

હર્ષ સંઘવીએ અંતમાં જણાવ્યું હતું કે, સુરતના હીરા બજારના વેપારીનો માલ લઈને કોઈ જતો રહેશે તો તેને શોધવાની જવાબદારી આ તમારા દીકરાની છે. આજે અહીં સભામાં મોટી સંખ્યામાં દેશભક્તો ઉપસ્થિત છે. બાજુની વિધાનસભા વિસ્તારમાં એક ઠગ મુખ્યમંત્રીની રેલી ચાલી રહી છે. લોકો રેલી અડધી મૂકીને ઘરે જતા રહ્યા છે. એક તારીખે અહીં મતદાન કર્યા બાદ બેગ બિસ્તરા લઈને સૌરાષ્ટ્ર જતા રહેવાનું છે. સૌરાષ્ટ્રમાં પણ જંગી મતદાન કરાવવાનું છે અને આ દેશ વિરોધી લોકોને ગુજરાતમાંથી બહાર કાઢવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp