આરોગ્ય સચિવ જયંતી રવિએ સુરતમાં સંક્રમણ વધવા પાછળ આ કારણ જવાબદાર ગણાવ્યું

PC: twimg.com

સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં છેલ્લા 20 દિવસમાં કોરોનાનું સૌથી વધારે સંક્રમણ થયું છે. સુરત ઉપરાંત વલસાડ, નવસારી, દમણ અને સિલવાસામાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. સુરતમાં સૌથી વધારે રત્નકલાકાર અને ટેક્સટાઇલમાં કામ કરતા વર્કર કોરોનાથી પ્રભાવીત થઇ રહ્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત થતા તબીબોની સંખ્યા પણ વધી રહી છે. સામાન્ય લક્ષણો ધરાવતા તબીબ કોરોનાનો ટેસ્ટ કરાવતા નથી અને તેઓ સેલ્ફ આઈસોલેસનમાં ચાલ્યા જાય છે. કોરોનાના દર્દીનો મૃત્યુઆંક સરકારી ચોપડે ઓછો દેખાઈ રહ્યો છે પણ કોરોનાની ગાઈડલાઈન અનુસાર પ્રતિદિન 35થી 40 મૃતદેહની અંતિમવિધિ થાય છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધવાનું મુખ્ય કારણ આરોગ્ય સચિવ જયંતી રવિના મતે મુંબઈથી સુરતમાં લોકોની અવર જવર હોવાનું છે.

સુરતમાં વધતા જતા કોરોનાના કેસના લઇને આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, લોકડાઉન ખુલ્યા પછી લોકો મુંબઈથી કે, અન્ય વિસ્તારોમાંથી આવી રહ્યા છે. સુરતમાં કેસ વધવાનું આ એક જ કારણ છે તેવું કહી ન શકીએ પણ મહારાષ્ટ્ર તરફથી લોકો આવે અને અહિયાંથી ત્યાં જાય આમ અવર-જવરથી જ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, આ મુખ્ય કારણ છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, ઘણા લોકો મહારાષ્ટ્રના મુંબઈમાં હીરાના ઉદ્યોગના કારણે અથવા તો ટેક્સ્ટાઇલના ઉદ્યોગના કારણે જતા આવતા હોય છે અને આના કારણે પણ સંક્રમણ ફેલાવવાની એક સંભાવના હતી.

મુંબઈ તરફથી આવતા લોકોના ટેસ્ટીંગ બાબતે તેમને જણાવ્યું હતું કે, જો તમામ વાહનોને ઉભા રાખીને લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવે તો રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાય શકે છે અને વાહનોને રોકીને ટેસ્ટીંગ કરવામાં આવે તો રસ્તા પર વાહનોની લાંબી લાઈન પણ જોવા મળી શકે છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, સુરતના દર્દીઓને અમદાવાદમાં ખસેડવામાં આવે અને સાથે-સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રહેલા 900 બેડનો ઉપયોગ કરવા માટેની પણ રજૂઆત કરી છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એટલા માટે સુરતના મહાનગરપાલિકાના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી રહ્યા છે, એક ડૉક્ટરના કહેવાનું અનુસાર સુરતની હોસ્પિટલમાં બેડ પણ ખૂટી રહ્યા છે. અને ડૉક્ટરો પણ હવે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ સુરતમાં સંક્રમણ વધતા સુરતની હીરા બજારના વેપારીઓએ હીરા બજાર અને સેફ વોલ્ટને 6 દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp