સુરતમાં પત્નીના શોખ પૂરા કરવા રત્નકલાકાર બન્યો ચોર, કરી 30 બાઈકની ચોરી

PC: news18.com

સુરતમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવાર નવાર ચોરી, લૂંટફાટ, મારામારી, હત્યા અને જીવલેણ હુમલા જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શનિવારે એક વાહન ચોરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વાહનચોરની પાસેથી 30 બાઇક કબજે કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ વાહનચોર રત્નકલાકાર તરીકે કામ કરતો હતો અને તેને પત્નીના શોખ પૂરા કરવા માટે વાહન ચોરી કરવાનું શરૂ કર્યું હતું. હાલ તો પોલીસે વાહનચોર પાસેથી તમામ બાઇક કબજે કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર સુરતના ઉત્રાણ ગામ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં બળવંત ચૌહાણ નામનો વ્યક્તિ પરિવારની સાથે રહે છે. બળવંત ચૌહાણ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. બળવંતનો સાઢુભાઈ બિલ્ડર હોવાના કારણે તે વધારે પૈસા કમાતો હતો. જેના કારણે બળવંતની પત્ની તેના શોખ પૂરા કરવા માટે પતિ સાથે અવાર નવાર ઝઘડો કરતી હતી અને પત્નીના તમામ શોખ પૂરા કરવા બળવંતે બાઈક ચોરી કરવાનું શરૂ કર્યું હતું અને એક પછી તેને 30 બાઇકની ચોરી કરી હતી પરંતુ હવે બળવંત પોલીસના સકંજામાં આવી ગયો છે.

પૂછપરછમાં સામે આવ્યુ હતું કે, બળવંત ભાવનગરનો વતની છે અને તેને સૌથી પહેલી ચોરી વર્ષ 2017માં કરી હતી. બળવંત બાઇકની ચોરી કરીને ઉત્રાણ પાસે આવેલા તાપી નદી પર બનાવવામાં આવેલા બ્રિજ નીચે મૂકી દેતો હતો અને ત્યારબાદ આ બાઇકને વેચવા માટે કાઢતો હતો. બળવંત પાસે એક પણ બાઈકની RC બૂક અને પેપર ન હોવાના કારણે બાઈકનું વેચાણ થતું ન હતું. વર્ષ 2017માં પહેલી બાઇકની ચોરી કર્યા બાદ બળવંતે અત્યાર સુધીમાં 30 બાઇકની ચોરી કરી હતી અને મોટાભાગે તે સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરતો હતો. કોઈ વ્યક્તિ આ બાઇકને ખરીદવા તૈયાર ન હોવાના કારણે તેને તમામ બાઈક ભંગારમાં વેચવાનું નક્કી કર્યું હતું પરંતુ બળવંત બાઇક ભંગારમાં વેંચે તે પહેલાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે, બળવંતે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી 8, વરાછા વિસ્તારમાંથી 11, અમરોલી વિસ્તારમાંથી 2, કતારગામ વિસ્તારમાંથી 7, મહિધરપુરા વિસ્તારમાંથી 1 અને સચિન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી 1 બાઇકની ચોરી કરી હતી. બળવંત બાઇકની ચોરીની ઘટનાને અંજામ બપોરના સમયે આપતો હતો. બપોરે તે કારખાના કારીગર જમીને કારખાનામાં જતા રહે પછી કારખાનાના પાર્કિંગમાં જઈ ડુપ્લિકેટ ચાવી વડે બાઈકનો લોક ખોલી બાઇકની ચોરી કરતો હતો.

પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, બળવંતે અગાઉ બે બાઈકોની ચોરી કરીને આ બંને બાઇક તેના મામાના દીકરા કાનજી મકવાણા નામના ઈસમને ભાવનગરમાં વેચવા માટે આપી હતી. આ બંને બાઈકો બળવંતે સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અને અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી હોવાની વાત પણ સામે આવી છે. જે સમયે બળવંતના મામાનો દીકરો કાનજી પોલીસના હાથે પકડાઈ હતો ત્યારે પણ બળવંતનું નામ ચોરીમાં ખૂલ્યુ હતું. તેથી પોલીસે બળવંતને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા અને શનિવારના રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બળવંતની ધરપકડ કરી 30 બાઈકની ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp