સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે PM રૂમની અંદર જઈ તબીબને માર માર્યો

PC: youtube.com

સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે પોસ્ટમોર્ટમ કરવા જેવી બાબતને લઈને પોસ્ટમોર્ટમ રૂમની ઓફિસમાં ઘૂસીને ડૉક્ટર પર હુમલો થયો હોવાનો આક્ષેપ થયો છે. ઘટનાની જાણ થતા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ ભાજપના પૂર્વ કોર્પોરેટરને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ પૂર્વ કોર્પોરેટરનું કહેવું છે કે, તેમને ડૉક્ટર સાથે કોઈ મારામારી કરી નથી માત્ર બોલાચાલી થઈ છે.

રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં એક ખૂનના કેસમાં પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મોકલેલી લાશનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર જયેશ અને ડૉક્ટર દિપક કરી રહ્યા હતા. ખૂનનો કેસ હોવાના કારણે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે ડૉક્ટર દિપક પોસ્ટમોર્ટમ રૂમની ઓફિસમાં ગયા હતા. તે સમયે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય ચૌમાલ ડૉક્ટર દિપક પાસે આવ્યા હતા અને તેમને પોતાના પરિચિત દિન દયાલ નામના વ્યક્તિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ વહેલી તકે કરવા માટે કહ્યું હતું અને ત્યારે ડૉક્ટરે પૂર્વ કોર્પોરેટરને કહ્યું હતું કે, પોસ્ટમોર્ટમ કરવા માટે થોડી વાર લાગશે કારણ કે, હાલમાં એક હત્યાની ઘટનાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યુ છે. ડૉક્ટર દિપકની આ વાત સાંભળીને ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય ચૌમાલ રોષે ભરાયા હતા અને તેમને ડૉક્ટરને ખોટું બોલતા હોવાનું કહીને ડોક્ટર સાથે બોલાચાલી કરવાનું શરૂ કરી દીધુ હતું.

ત્યારબાદ પૂર્વ કોર્પોરેટર વિજય ચૌમાલે ડૉક્ટર દિપક સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ ડૉક્ટર દ્વારા પોલીસને કરતા સુરત વરાછા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા અને પૂર્વ કોર્પોરેટર વિજય ચૌમાલની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જોકે પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. જો કે, આ ઘટના બાદ પૂર્વ કોર્પોરેટર વિજય ચૌમાલે કહ્યું હતું કે, તેને ડૉક્ટર સાથે કોઈ મારામારી કરી નથી.

આ ઉપરાંત ડૉક્ટરનું કહેવું છે કે, પૂર્વ કોર્પોરેટરે જ્યારે પોસ્ટમોર્ટમ વહેલી તકે કરવા કહ્યું ત્યારે તેમણે થોડી વાર લાગશે તેવું જણાવતા તેઓ રોષે ભરાઇ ગયા હતા અને અપશબ્દો કહીને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા. એટલે પૂર્વ કોર્પોરેટરનું આ વર્તન મોબાઇલમાં રેકોર્ડિંગ કરવા જતા તેમણે હુમલો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp