ઉત્તરાયણમાં ફ્રેન્ડ સાથે જવાની ના કહેતા સુરતમાં ધો-10ની વિદ્યાર્થિનીનો આપઘાત

PC: DainikBhaskar.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવે છે. તો કોઈ વ્યક્તિએ પારિવારિક સમસ્યાઓના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવે છે. ત્યારે હાલ નાના બાળકોમાં પણ આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે. કોઈ બાળકે પરીક્ષાના પરિણામથી નાખુશ થઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટનાઓ સામે આવે છે. તો કોઈ બાળકે તેના પરિવારના સભ્યોએ કોઇ વસ્તુ ન લઈ આપી હોવાની વાતના કારણે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. આ ઘટનામાં 14 વર્ષની વિદ્યાર્થિનીને તેના પિતાએ કોરોનાના કારણે ફ્રેન્ડ સાથે ફરવા નથી જવાનું કહેતા તેને પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

રિપોર્ટ અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં કૈલાશ નગરમાં રૂપેશ કુશવાહા નામના વ્યક્તિ તેના પરિવારની સાથે રહે છે. રૂપેશ કુશવાહાને ત્રણ સંતાન છે. તેમાં સૌથી નાની દીકરીની ઉંમર 14 વર્ષની છે. તે ધોરણ 10માં અભ્યાસ કરે છે. ધોરણ-10માં અભ્યાસ કરતી દીકરીએ તેના પિતાને જણાવ્યું હતું કે, ઉત્તરાયણના તહેવાર માટે તેની બહેનપણી સાથે બહાર જવાની છે પરંતુ કોરોનાના કેસ વધતા હોવાના કારણે રૂપેશ કુશવાહાએ તેમની દીકરીને બહેનપણી સાથે ન જવાનું જણાવ્યું હતું. બસ આ વાતનું માઠું 14 વર્ષની વિદ્યાર્થિનીને લાગી આવ્યું હતું.

પિતાની વાતનું માઠું લાગી આવ્યું હોવાના કારણે બપોરે વિદ્યાર્થિનીએ પરિવારના સભ્યો સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ પોતાના રૂમમાં જઈ 10 મિનિટના સમયમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટનાની જાણ માતા-પિતાને થતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને ત્યારબાદ તેઓ તાત્કાલિક દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે ફરજ પરના ડૉક્ટરે 14 વર્ષની વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પિતાની નાની એવી વાતને માઠું લગાડી 14 વર્ષની દીકરીએ આપઘાત કરતાં પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

મહત્ત્વની વાત છે કે, થોડા દિવસો પહેલા આવી જ એક ઘટના વલસાડના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થીની કોઈ જીદ પરિવારના સભ્યોએ પૂરી ન કરી હોવાના કારણે તે ઘરેથી ભાગી ગયો. ત્યારબાદ તે ટ્રેનમાં રાજસ્થાન પહોંચ્યો હતો અને અંતે એક પોલીસકર્મીની સરાહનીય કામગીરીના કારણે આ બાળક તેના પરિવારના સભ્યને હેમખેમ પરત મળ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp