સુરતમાં ચોર સમજીને માર મારતા યુવકનું મોત, પોલીસે કરી 5ની ધરપકડ

PC: Youtube.com

સુરતમાં ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવાર નવાર ચોરી, હત્યા, મારામારી અને લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં એક યુવકને ચોર સમજીને લોકોના ટોળાએ તેને માર માર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન યુવક મોત થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ બાદ પાંચ લોકોની ધરપકડ કરી છે. રિપોર્ટ અનુસાર 6 મેના રોજ લિંબાયત વિસ્તારમાં પ્રતાપ નગરમાં રહેતો 30 વર્ષનો યુસુફ અન્સારી નામનો યુવક રાત્રિના સમયે તેના ઘરેથી બહાર નીકળ્યો હતો. ઘરેથી નીકળ્યા બાદ યુસુફ અન્સારી મોડી રાત સુધી ઘરે પરત ફર્યો નહોતો. તો બીજા દિવસે સવારે યુસુફના સસરાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તે તેના સસરાની મુલાકાત લેવા માટે વતન જવાનો હતો અને એટલા માટે યુસુફના પરિવારના સભ્યો યુસુફની શોધખોળ કરવા માટે બહાર આવ્યા હતા.

પરિવારના સભ્યોને યુસુફનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. મહત્ત્વની વાત એ છે કે, યુસુફ અન્સારી પોતાની પાસે મોબાઇલ રાખતો નહોતો. તેથી પરિવારના સભ્યો પણ યુસુફનો સંપર્ક કરી શક્યા નહોતા. જોકે યુસુફના પરિવારના સભ્યો તેની શોધખોળ કરતા રહ્યા, પરંતુ તે મળી આવ્યો ન હતો બીજા દિવસે સવારે તબિયત વધુ નાદુરસ્ત થવાના કારણે યુસુફ અન્સારીના સસરાનું પણ મોત નીપજ્યું હતું. 

મોડી રાત્રે ગુમ થયા બાદ બીજા દિવસે વહેલી સવારે યુસુફના ભાઈને સુરતની સ્મીમેર હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે યુસુફને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેથી યુસુફના પરિવારના સભ્યો તાત્કાલિક સ્મીમેર હૉસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો હૉસ્પિટલ પહોંચ્યાના થોડા સમય બાદ જ યુસુફનું મોત થયું હતું પરિવારના સભ્યોને જાણવા મળ્યું હતું કે કેટલાક ઈસમોએ યુસુફને ચોર સમજીને માર માર્યો હતો અને આ ઘટનામાં યુસુફને ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું છે.

ઘટનાની જાણ પોલીસને થતા લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધીને જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે યુસુફની હત્યાના ત્રણ દિવસના સમયમાં જ તપાસ કરીને પાંચ ઇસમોની ધરપકડ કરી હતી. આ પાંચ ઈસમોમાં મોહમ્મદ ઇમરાનઅલી મન્સૂરી, સંજીત કુમાર, રણજીતકુમાર ગૌસ્વ, જયજીત ધારીકાર અને અજયપ્રતાપ સિંગનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp