સુરતમાં વેપારીએ લારીવાળાને જવા દેવા વિનંતી કરી તો પોલીસે ઢોરમાર માર્યો

PC: Dainikbhaskar.com

રાજ્યમાં પોલીસકર્મીઓની દાદાગીરીના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. પોલીસે ખાખીનો રોફ જાળવા માટે નિર્દોષ વ્યક્તિને ઢોર માર માર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વેપારીએ પોલીસકર્મીને એક લારીવાળાને છોડી દેવાની વિનંતી કરતા પોલીસે વેપારીને ઢોર માર માર્યો હતો. પોલીસના મારના કારણે વેપારી બેભાન થયો હોવાના આક્ષેપ પણ તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે કાપોદ્રા પોલીસે ચાર પોલીસકર્મી સામે ગુનો દાખલ કર્યો છે.

રિપોર્ટ અનુસાર સુરતના નાના વરાછા વિસ્તારમાં નરદીપ ગોહિલ નામનો વ્યક્તિ તેના પરિવારની સાથે રહે છે. નરદીપ ગોહિલ સ્ટીલના પાઈપનો વેપાર કરે છે. 16 જુલાઈના રોજ વેપારી નરદીપ ગોહિલ પોતાની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. તે સમયે રસ્તામાં પોલીસકર્મીઓ એક લારીવાળાને પોલીસ ચોકીએ લઇ જઈ રહ્યા હતા. તેથી વેપારી નરદીપ ગોહિલને આ લારીવાળા પર દયા આવી જતા તેમણે પોલીસકર્મીઓને આ લારીવાળાને જવા દેવા માટે વિનંતી કરી હતી.

નરદીપ ગોહિલની વિનંતીથી પોલીસકર્મીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેથી પોલીસકર્મીઓ નરદીપ ગોહિલને બાઈક સાથે પોલીસ ચોકીમાં લઇ ગયા હતા. પોલીસ ચોકીમાં ગયા પછી વેપારીને પોલીસકર્મીએ દંડા વડે માર માર્યો હતો. તેથી વેપારીને હાથ, પગ, પેટ અને મોઢાના ભાગે ઈજાઓ થઈ હતી. પોલીસે વેપારી નરદીપ ગોહિલને માર માર્યા પછી તેને પિતાને ફોન કરવા માટે જણાવ્યું હતું. તેથી નરદીપ ગોહિલે તેના પિતા શોલુ ગોહિલને ફોન કરીને પોલીસ ચોકીએ બોલાવ્યા હતા. ત્યારબાદ તે બેભાન થઇ ગયો. તેથી શોલુ ગોહિલ પોલીસ ચોકીએ આવ્યા હતા અને બેભાન થયેલા દીકરા નરદીપ ગોહિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ ઘટના બાદ નરદીપ ગોહિલના પિતા શોલુ ગોહિલ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાવવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા. પોલીસકમિશનર અને ગૃહ વિભાગમાં રજૂઆત પછી કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસકર્મી દિલીપ રાઠોડ, સંજય કણજારીયા, જય અને હરદીપ સામે ફરિયાદ નોંધી હતી.

આ બાબતે શોલુ ગોહિલે જણાવ્યું હતું કે, 16 તારીખે પોલીસે મારા દીકરાને માર માર્યો હતો. ત્યારબાદ અમે ફરિયાદ કરવા માટે ગયા પણ પોલીસે અમારી ફરિયાદ લીધી નહોતી અને અંતે જ્યારે પોલીસ કમિશનરને રજૂઆત કરી અને ત્યારબાદ ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp