સુરતમાં સતત વધતા કેસો, મનપાએ ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ હેઠળ શરુ કરી કામગીરી

PC: wordpress.com

સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરાનાના કેસના પોઝિટિવ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં 10 પોઝિટિવ કેસ સાથે 2 મૃત્યુ થતા આખરે સુરત મહાનગર પાલિકા તંત્ર દોડતું થઇ ગયું છે. સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા સતત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડીસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કલસ્ટર કન્ટેન્ટમેન્ટ હેઠળ કોમ્યુનિટી સેમ્પલ લેવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.

સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસના પોઝિટિવ સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેથી સુરત મહાનગરપાલિકા તેને કંટ્રોલમાં રાખવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને સુરતના રાંદેર ઝોનને બફર ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાંદેરના 82 હજાર લોકોને માસ ક્વોરોન્ટાઇન પણ કરવામાં આવ્યા છે. સાથે-સાથે બેગમપુરા વિસ્તારમાં પણ 6 હજાર લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ હેઠળ કોમ્યુનિટી સેમ્પલો લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાંદેર અને બેગમપુરા વિસ્તારના કુલ 95 લોકોના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જોકે આ તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા 509 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે 4,22,991 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 219 એ.આર.આઈના કેસો નોંધાતા તેમની તપાસ કરવામાં આવી છે. જે પૈકી એક વ્યક્તિને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીમાં કુલ 1142 એ.આર.આઈના કેસ મળ્યા છે. સુરત શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર 160 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત માસ્ક નહીં પહેરનાર 88 લોકોને પણ દંડ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે બેન્ક એકાઉન્ટ શરુ કરવામાં આવ્યું છે તેમાં અત્યાર સુધીમાં લોકોએ 3,65 કરોડ રૂપિયા દાન કર્યા છે.

સુરત શહેરમાં હાલમાં માસ્કની અસત જોવા મળી રહી છે. ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનરે એક નવો નિર્ણય લીધો છે. સુરત શહેરમાં એસએમસીના સાથે સંકળાયેલા જે પણ સખી મંડળો છે આ તમામ સખીમંડળો પાસે માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે કુલ 5 હજાર જેટલા માસ્ક સખીમંડળ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં 4 લાખ જેટલા માસ્ક સખીમંડળો પાસે બનાવવામાં આવશે. આ તમામ માસ્ક સુરત મહાનગરપાલિકા તેમની પાસેથી ખરીદી કરી ઉપયોગમાં લેશે.

સુરત મહાનગરપાલિકાની સર્વેલન્સની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એક્ટિવ સર્વેલન્સ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી તાવ ઉધરસ કે શરદી ખાંસીના લક્ષણો જણાતા હોય તેવા લોકોને વોર રૂમમાં સારવાર માટે મોકલવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ અલગ અલગ ઝોનમાં કુલ 19 જગ્યાઓએ ફીવર ક્લિનીક શરૂ કરવામાં આવ્યા છે. જે પણ વિસ્તારમાં સૌથી વધુ અસરગ્રસ્તો હોય અથવા મજુર રહેતો હોય ત્યાં ક્લિનિકો ચાલુ કરવામાં આવ્યા છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં 3, સેન્ટ્રલ ઝોનમાં 4, નોર્થ ઝોન 2, સાઉથ વેસ્ટ ઝોન 3, સાઉથ ઝોન 2, સાઉથ ઈસ્ટ ઝોન 1, વેસ્ટ ઝોન એ1, વેસ્ટ ઝોન બી માં 3 ફીવર ક્લિનિક શરુ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp