પતિ પત્નીને દારૂ પીવડાવતો બીભત્સ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કરિયાવર માગતો

PC: DainikBhaskar.com

લગ્ન બાદ સાસરીયા કે પછી પતિ કરિયાવરની લાલચમાં પત્ની પર ત્રાસ ગુજારતો હોય તેવા કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો તાપી જિલ્લાના વ્યારામાં સામે આવ્યો છે. આ ઘટનામાં કરિયાવરની માગણી કરતા પતિએ બેશરમીની તમામ હદ વટાવી દેતા પરિણીતાએ ન છૂટકે પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડી છે.

રિપોર્ટ અનુસાર મુંબઈમાં સતલિંગ ભાલેરાવ તેમના પરિવારની સાથે રહેતા હતા. તેમના દીકરા સતીશ ભાલેરાવના લગ્ન વર્ષ 2016માં વ્યારામાં રહેતી એક યુવતી થયા હતા. સતીશને તેના કાકાએ દત્તક લીધો હતો. આ લગ્ન સમયે સતીશના પરિવારના સભ્યોએ વેવાઈ પાસે શરત મૂકી હતી કે, લગ્નનો તમામ ખર્ચ કન્યા પક્ષના લોકો કરશે. ત્યારબાદ સતીશના પરિવારના સભ્યોએ લગ્ન પહેલા જ પરિણીતાના પિતા પાસેથી સોનાની પહેરામણી પેટે 4.25 તોલા સોનું લીધું. પરિણીતા લગ્ન કરીને મુંબઈ ગઈ.

સતીશને કાકાએ દત્તક લીધો હોવાના કારણે તે પરિણીતાને લઇને કાકા અને કાકીના ઘરે રહેવા ગયો હતો. લગ્નના થોડા દિવસો સુધી સતીશ અને તેના પરિવારના સભ્યોએ પરિણીતાને ખૂબ જ સારી રીતે સાચવી અને પછી તમામ લોકો પરિણીતાને ત્રાસ આપવા લાગ્યા હતા. લગ્નના થોડા સમય પછી પરિણીતાને ખબર પડી કે સતીશ દારુ અને ગાંજાનો નશો કરે છે. સતીશ લગ્ન બાદ પરિણીતા સાથે કોઈ પણ કારણ વગર મારઝુડ કરતો હતો. તેને દારુ પીવડાવતો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. સતીશ દારૂના નશામાં ક્રુરતાની તમામ હદ વટાવી દેતો હતો.

તે પરિણીતાનું ગળુ દબાવતો હતો. સતીશ જ્યારે બહાર ગામ જતો ત્યારે પત્નીના બીભત્સ ફોટાઓ મગાવતો હતો અને પત્નીને ઈમોશનલ બ્લેકમેઈલ કરતો હતો. સતીશને અન્ય બેથી ત્રણ યુવતીઓ સાથે પણ સંબંધ હતા. પરિણીતા ઘર સંસાર બરબાદ ન થાય અને પિતાની આબરૂ ન જાય એટલા માટે તમામ ત્રાસ સહન કરતી હતી. લગ્નના ત્રણ મહિના પછી જ સતીશે પરિણીતાને ધમકાવીને કહ્યું હતું કે તેના અન્ય સ્ત્રીની સાથે પણ સંબંધ છે. ત્યારબાદ તેને પરિણીતાની પાસેથી 10 લાખ રૂપિયા દહેજ પેટે માગ્યા હતા.

પરિણીતાને કરિયાવર માટે ઘરમાંથી રાત્રીના સમયે કાઢી મૂકી તેથી તે પોતાના પિતાના ઘરે જતી રહી હતી. ત્યારબાદ પણ સાસરીયાઓ પણ ફોન કરીને કહેતા હતા કે સતીશનું બીજી જગ્યા પર નક્કી થઇ ગયું છે. તારે છુટાછેડા આપવાના છે. તો બીજી તરફ પરિણીતાનો પતિ બીભત્સ ફોટો અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને કરિયાવરની માગણી કરતો હતો. સાસરીયા અને પતિના આ પ્રકારના ત્રાસથી કંટાળીને પરિણીતાએ વ્યારા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp