ટ્રેનમાંથી ઉતરતી વેળા TCએ હાથ પકડતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાતા કપાયો પગ

PC: youtube.com

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક યુવક ચાલુ ટ્રેનમાંથી ઉતારવા ગયો અને તેનો પગ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે આવી જતા યુવકના પગનો પંજો કપાઈ ગયો હતો. ઘટનાને પગલે RPFના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલ થયેલા યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં નીલગીરી સોસયટીમાં રહેતો મુકેશકુમાર યાદવ નામનો વેપારી તેની પત્ની અને સાળાને ટ્રેનમાં બેસાડવા માટે રેલવે સ્ટેશન ગયો હતો. સ્ટેશન પર મુકેશકુમારે પ્લેટફોર્મ ટિકિટ લીધી હતી અને પછી તે પત્ની અને સાળાને ઝાંસી-બાંદ્રાની ટ્રેનમાં બેસાડવા ટ્રેનની અંદર ગયો હતો. ત્યારબાદ ટ્રેન ઉપાડવાનો સમય થતા મુકેશકુમાર જેવો ટ્રેનમાંથી નીચે ઉતરવા ગયો તેવો ટ્રેનમાં રહેલા TCએ મુકેશકુમારનો હાથ પકડી લીધો અને ટિકિટની માગણી કરી હતી. મુકેશકુમારે પોતાની પાસે પ્લેટફોર્મ ટિકિટ હોવાનું કહ્યું પણ TCએ મુકેશકુમારને ટ્રેનમાંથી નીચે ન ઉતારવા દીધો.

જ્યારે ટ્રેને સ્પીડ પકડી તે સમયે TCએ મુકેશકુમારનો હાથ છોડી દીધો હતો. જેથી મુકેશકુમારે સ્પીડમાં ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેન સ્પીડમાં હોવાથી તે ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો અને તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો. આ ઘટનામાં મુકેશકુમારનો પગનો પંજો ટ્રેનમાં આવી જવાના કારણે કપાઈ ગયો હતો. ઘટનાને પગલે ટ્રેનમાં રહેલા લોકોએ ટ્રેનની ચેન ખેંચીને ટ્રેનને ઊભી રાખી હતી. આ સમગ્ર મામલે RPFના જવાનોને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને 108ને બોલાવીને મુકેશ કુમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp