લીવ ઇન પાર્ટનરે દિવાળીમાં પ્રેેમિકાની હત્યા કરી લાશ ખેતરમાં દાટી દીધી, પકડાઇ ગયો

PC: indianexpress.com

બારડોલીના બાબેન ગામે આવેલ લકઝરીયા એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય યુવતી ગુમ થયા બાદ તેની લાશ વાલોડ તાલુકાના નવા ફળિયાના એક ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. યુવતી તેમના ગામ કિકવાડના જ એક યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. 15મીના રોજ ઝઘડો થતા યુવકે તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના સસરાના ખેતરમાં જ દાટી દીધી હતી. 

આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ બારડોલી તાલુકાના કિકવાડ ગામે રોહિત ફળિયામાં રહેતી રશ્મિ જયંતિ કટારીયા (ઉ.વર્ષ 28) છેલ્લા કેટલાક સમયથી ગામના જ યુવક ચિરાગ સુરેશભાઈ પટેલ નામના પરિણીત યુવક સાથે છેલ્લા ચાર વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં બાબેન ગામના લકઝરીયા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી.  ચિરાગ થકી તેને 3 વર્ષનો પુત્ર છે. રશ્મિના પિતા જયંતીભાઈ વનમાળી પટેલે ગત 15મી નવેમ્બરના રોજ દિવાળી અને નવ વર્ષ નિમિત્તે બનાવેલ વાનગીઓનું ટિફિન આપવા માટે રશ્મિને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન ચિરાગે રિસીવ કરી રશ્મિ હાલ ઘરમાં નથી અને મને પણ કઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે એમ કહી ફોન મૂકી દીધો હતો.

દરમ્યાન 16 અને 17મી નવેમ્બરના રોજ પણ સંપર્ક નહીં થઈ શકતા તેઓ પોતાના ભત્રીજા હિરેન કટારીયા સાથે રશ્મિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં કામવાળી બહેન અને રશ્મિનો ત્રણ વર્ષનો પુત્ર હાજર હતા. કામવાળીને પૂછતાં તેમણે રશ્મિ બહાર ફરવા ગયેલ છે અને ચિરાગ કિકવાડ ગામે આવેલા ખેતર ગયા હોવાનું જણાવ્યું હતું. સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તે મળી આવી ન હતી. અંતે જયંતિભાઈએ પોતાની પુત્રી ગુમ થઈ હોવા અંગે બારડોલી પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

દરમ્યાન બારડોલી પોલીસે દ્વારા રશ્મિના ગુમ થવા અંગે તપાસ આરંભી હતી. રશ્મિના પિતા જયંતિભાઈએ ચિરાગ સામે શંકા વ્યક્ત કરતા પોલીસે ચિરાગની કડકાઈથી પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછ દરમ્યાન ચિરાગ ભાંગી પડ્યો હતો અને તેણે જ રશ્મિની હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરી હતી. રશ્મિ સાથે 15મીના રોજ ઝઘડો થતા ગુસ્સામાં આવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

બાદમાં પોતાની કારમાં લાશ મૂકીને તે વાલોડ તાલુકાના નવા ફળીયા ખાતે આવેલ તેના પહેલા સસરાના ખેતરમાં દાટી દીધી હતી. આ વાત પોલીસ સમક્ષ સ્વીકાર કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

બાદમાં બારડોલી પોલીસે વાલોડ પોલીસ, મામલતદાર અને એફ.એસ.એલની ટીમ સાથે જ્યાં લાશ દાટી હતી ત્યાં જે.સી.બી. મશીન વડે ખોદકામ કરી લાશને બહાર કાઢી હતી. પોલીસે લાશ કબજો લઈ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય લોકોની પણ સંડોવણી હોવાની સંભાવના

એકલા હાથે હત્યા કર્યા બાદ તેને કારમાં મૂકી નવા ફળીયા સુધી લઈ જઈ લાશને દાટવુ મુશ્કેલ કામ છે. આ કામમાં અન્ય લોકો પણ મદદગારીમાં સામેલ હોવાની શંકા સેવાઇ રહી છે. જો કે હાલ પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી હોય અન્ય બાબતો અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp