ડાંગમાં હવામાન પલટાયું, 2 દિવસ ગુજરાતના આ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી

PC: s.w-x.co

રાજ્ય પર એક બાજુ જ્યાં કોરોનાનું સંકટ તોળાય રહ્યું છે એવામાં હવામાને પણ મુડ ફેરવી લીધો છે. રાજ્યના હવામાન ખાતાએ આગામી 2 દિવસમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે. જેના કારણે સામાન્ય લોકોની સાથે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. રાજ્યના હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું કે, પાડોશી રાજ્ય પશ્ચિમ રાજસ્થાન અને તેને સંબંધીત પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુંલેશન થતા વાતાવરણ પલટાયું છે.

બનાસકાંઠા, સૌરાષ્ટ્ર પ્રાંતના દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે તા.26 માર્ચે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારી જેવા પંથકમાં ઝાપટું પડી શકે એમ છે. જ્યારે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છમાં તા.27 માર્ચે હળવા ઝાપટા પડે એવી શક્યતાઓ છે. રાજ્યમાં છેલ્લા એકાદ મહિનાથી ગરમીનો કહેર પણ વધી રહ્યો છે. મંગળવારે અમરેલીનું સૌથી વધારે તાપમાન 39 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પારો 37.4, ગાંધીનગરમાં 37.8, આણંદમાં 36.2, ભાવનગરમાં 36.3, પોરબંદરમાં 36.5, દીવમાં 33.3 અને રાજકોટમાં 36.6 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો.

જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં હવામાન પલટાતા ગિરિમથક સાપુતારામાં વરસાદી વાદળ જોવા મળ્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો થયો છે. કોરોનાના કહેર વચ્ચે વાતાવરણે પણ મૂડ ફેરવી લીધો હોય એવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે ચૈત્ર મહિનો શરૂ થતા આકરા તડકા પડવાના શરૂ થઈ જાય છે. એના બદલે વાતાવરણમાં ઠંડક વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp