સુરતના મેયર જગદીશ પટેલની તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા

PC: facebook.com/jagdish.patel.31586526

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા આ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘરની બહાર નીકળતા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે સુરતમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવાર અને રવિવારના રોજ સુરતમાં મોટા મોલ અને શોપિંગ સેન્ટરો બંધ કરાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ સુરતના મેયર પણ કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થયા બાદ મેયર જગદીશ પટેલની તબિયત વધુ લથડી હોવાના કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર 24 નવેમ્બરના રોજ સુરતના મેયર ડૉક્ટર જગદીશ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાબતેની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી હતી. ડૉક્ટર જગદીશ પટેલે ટ્વિટ કરી હતી કે, માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોનાના પ્રથમ વેવમાં ખૂબ જ બહાર રહેવાનું અને કોરોના દર્દીના સંપર્કમાં આવવાનું થયું છે. છતાં ઇન્ફેક્શનથી બચી શકાયું હતું અને જે બીજો વેવ શરૂ થતા શક્ય બન્યું નહીં. ગઈકાલે થોડી શરદી અને ઉધરસ જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે. તેથી સંપર્કમાં આવેલા તમામ લોકો તેમનો ટેસ્ટ કરાવીને પોતાના સ્વાસ્થ્યની કાળજી લે તેવી વિનંતી કરું છું. હવે થોડા દિવસો સુધી આપ સૌ સાથે પ્રત્યક્ષરૂપે સેવાકાર્યમાં નહીં જોડાઈ શકું તે બદલ માફ કરશો.

શનિવારે મોડી રાત્રે ડૉક્ટર જગદીશ પટેલના શરીરમાં ઓક્સિજન લેવલ ઓછું થઇ જતાં તેમને સુરતની મહાવીર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સુધારા પર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ચિંતાજનક વાત નથી પરંતુ તકેદારીના ભાગ રૂપે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ સુરતમાં 278 જેટલા નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા અને રવિવારના રોજ સુરતમાં કોરોનાના કારણે 3 લોકોના મોત નિપજ્યા છે. અત્યાર સુધી સુરતમાં કોરોનાના કારણે 1059 લોકોના મોત નિપજ્યા છે અને 40,437 લોકો કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp