રાજ્યમાં રોજ ભૂકંપના 1000થી વધુ આંચકા આવે છે, કેટલું જોખમ છે દક્ષિણ ગુજરાત પર?

PC: khabarchhe.com

એક જ મહિનામાં સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામ, વલસાડ જિલ્લાના ઉંમરગામમાં અને બાદમાં સિલવાસા, દહાણું રોડ અને પાલઘર સહિતના વિસ્તારોમાં ભૂકંપના હળવાથી લઈને 4.1 રિક્ટર સ્કેલના ઝાટકા નોંધાયા. આ ભૂકંપના ઝાટકાથી લોકો જરૂર ટેન્શનમાં મુકાયા છે. સુરતના કીમ નજીક દરિયાઈ પટ્ટીમાં, નવસારીના બિલીમોરામાં અને ડાંગના સાપુતારા મળી ત્રણ ફોલ્ટ લાઈન સક્રિય છે. જોકે, આ આખો વિસ્તાર ભૂકંપના ઝોન-3માં આવે છે છતાં હવે જૂના જર્જરિત બાંધકામોને નવેસરથી નવા બાંધકામના કોડ સાથે બનાવવાનો સમય આવી ગયો છે અને નવા કન્સ્ટ્કશનમાં પણ તકેદારી રાખવાનો સમય આવી ગયો છે તેવું જાણકારોનું સ્પષ્ટ માનવું છે. આખા ગુજરાતમાં રોજ 1000થી વધુ નાના આંચકા હાલ નોંધાઈ રહ્યાં છે ત્યારે મોટો આંચકો વિનાશ વેરી શકે છે.

શું ખરેખર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત પર ભૂકંપથી ખતરો છે? શું લોકોને જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે? અગર ભૂકંપ આવે તો શું અસર થઈ શકે? અને શું તકેદારી હવે પ્રશાસને રાખવી પડે?

જુઓ એક વિશેષ અહેવાલ:

26 જાન્યુઆરી 2001નો એ ગોજારો દિવસ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. કચ્છ, અંજાર, ભચાઉમાં ભારે તબાહી મચાવનાર અને અમદાવાદ, સુરતમાં પણ અસર છોડી જનાર એ ભૂકંપે અનેક માનવલાશો પાડી દીધી હતી. ત્યારથી આજની ઘડી ભૂકંપના આંચકાઓ હજી ગુજરાતીઓના દિલની ધડકનો વધારી રહ્યું છે. ગુજરાત સરકાર ત્યારબાદ વર્ષ 2002માં નવા કોડ લાવી અને 2016માં તેને અપડેટ કરી ગુજરાતના પાંચ ઝોનમાંથી તેને ચાર ઝોનમાં તબ્દીલ કર્યા.ત્યારબાદ ગાંધીનગરમાં ભૂકંપ પર નજર રાખવા બનાવાયેલા આઈએસઆર એટલે કે સિસ્મોલોજીકલ સેન્ટરમાં રોજ ગુજરાતના વિવિધ ભાગમાં 1000થી વધુ ભૂકંપના નાના ઝાટકા નોંધાઈ રહ્યાં છે. જોકે, 3 રિક્ટર સ્કેલ ઉપરનો ભૂકંપ તેની કંપનનો અનુભવ લોકોને કરાવે છે.

દક્ષિણ ગુજરાતમાં કીમ, બિલીમોરા અને સિલવાસા નજીક છે ફોલ્ટલાઈન

આ સપ્તાહમાં જ સિલવાસા, દહાણુ રોડ અને પાલઘર તથા આસપાસના વિસ્તારમાં 4.1 રિક્ટર સ્કેલનો ધરતીકંપ નોંધાયો. તેનું એપી સેન્ટર પાલઘરથી 17.1 કિલોમીટર નોંધાયું. દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો સુરત જિલ્લાના કીમમાં એક ફોલ્ટલાઈન, બિલીમોરા અને સાપુતારામાં પણ એક ફોલ્ટલાઈન પસાર થઈ રહી છે જોકે, તે હજી એટલી સક્રિય નથી પરંતુ તે જૂના મકાનો, બિલ્ડીંગો પર જરૂર અસર કરે એમ છે અને તેના કારણે જાનહાનિની સંભાવના હોવાનું ડો. અતુલ દેસાઈ, અપ્લાઈડ મિકેનિક્સ હેડ, એસવીએનઆઈટી કહે છે.

નવા કોડ મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાત જે પહેલા 0.04ના ઝોન ફેક્ટરમાં હતું તે હવે 0.16 ફેક્ટરમાં આવી ગયું છે. જેથી અહીં પહેલાના પ્રમાણમાં ધરતીકંપની સંભાવનાઓ વધી ગઈ છે. અહીં પણ 24 કલાકમાં ત્રણથી ચાર આંચકા આવે છે પણ તેની ઈન્ટનસિટી ઓછી હોવાથી સામાન્યજનને અનુભવાતા નથી.

ડો. અતુલ દેસાઈ, અપ્લાઈડ મિકેનિક્સ હેડ, એસવીએનઆઈટી ખબર છે ડોટ કોમને કહે છે કે, ગુજરાતમાં ભૂકંપની અસરકારકા જોતા ગુજરાત સરકારે પણ નવા જીડીસીઆરમાં નવા ડકલાઈન કોડ અમલી બનાવ્યા છે. પહેલા 198નો કોડ હતો તે હવે 13920 કરાયાે છે. 100 માળની ઊંચી બિલ્ડીંગો માટે 16722 ડકલાઈન કોડ બનાવ્યા છે. જેમાં બાંધકામ કેવી રીતે કરવું તે સમજાવાયું છે. પહેલા એમ-15 ક્રોકિંટ વપરાતું હતું હવે એમ-25થી 30 ક્રોકિંટ વપરાય છે. સિમેન્ટ વધુ વપરાય છે. પહેલા સાદા કે એફ-ઈ-415 સળિયા વપરાતા હતા. હવે ટીએમટી-સીઆરએસ, ટીએમટી(ટી), એફઈ-500, એફઈ-500ડી ઉપરાંતના સળિયા વપરાય છે. નવા બાંધકામોમાં કેન્ટિલેયર નથી બનાવાતી. ભૂકંપ બાદ સરકારી બિલ્ડીંગો, ખાનગી ઈમારતો અને જૂની ઈમરતોની સ્ટેબિલિટીના સર્ટી સુરતની એસવીએનઆઈટી પાસે મેળવવાનું પ્રમાણ વધ્યું છે.

સુરતની જૂની અને જર્જરિત ઈમારતો જોખમી, મહાનગરપાલિકા મિલકતોનું ઓડીટ પણ કરાવતી નથી

સુરતની વાત કરીએ તો અહીં સુરત મહાનગર પાલિકાએ 1500થી વધુ જર્જરિત ઈમારતોને રિપેરિંગ કરવા કે ઉતારી પાડવા નોટિસ આપી છે પરંતુ ઘણાં એપાર્ટમેન્ટવાળાએ સ્ટેબિલિટી રિપાર્ટ કઢાવી તે મુજબ રિપેરિંગ કરાવ્યું નથી. તે જોખમી છે.

ડો. અતુલ દેસાઈ કહે છે કે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ધરતીકંપની અસર વધુ આવવાની સંભાવના એટલા માટે છે કે અહીં મોટાભાગે માટી કાળી અને પોંચી છે. પાણીમાં ખારાશ છે. દરિયાઈ પટ્ટી હોવાથી ભેજ પણ અસર કરે છે. અહીં ચોમાસામાં 40થી 50 ઈંચ વરસાદ સહેજે નોંધાય છે. ઈન્ડસ્ટ્રીઝ વધુ હોવાથી પોલ્યુશન અને ઈન્ડસ્ટ્રીઝની ગરમી પણ બાંધકામ પર અસર કરે છે.
મહાપાલિકાના જાણકારો કહે છે કે સુરત મહાનગર પાલિકાએ મુંબઈની જેમ અહીં ફરજિયાત મિલકતોનું ઓડિટ બનાવ્યું નથી તે ચિંતાનો વિષય છે. આમ નહીં કરવાને કારણે સુરતમાં 2018માં જ આઠથી દસ જેટલી મિલક્ત પડવાની કે તેનો ભાગ પડવાની ઘટના બની છે. હવે સમય છે જાગૃત થવાનો. જો નહી થઈશું તો સુરતને જરુર મોટી અસર થઈ શકે છે.

(રાજા શેખ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp