ઓલપાડમાં દરિયાકાંઠાના ગામોમાં એલર્ટ, 1672 લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ

PC: youtube.com

વાયુ વાવાઝોડાના કારણે સુરતના તંત્ર દ્વારા 21 ગામોમાં એલર્ટ આપીને સ્થાનિક લોકોનું સ્થળાંત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા તમામ તલાટીઓની રજા કેન્સલ કરીને તેમને ફરજ પર હાજર રહેવાના હુકમ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓલપાડ પ્રાંત અને ટી.ડી.ઓને પણ રાત્રે હાજર રહેવા જણાવાયું છે. તંત્ર દ્વારા લોકોની જાગૃતિ માટે દરિયા કાંઠે ન જવા માટેના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.

ઓલપાડ તાલુકાના દરિયા કિનારાના વિસ્તારોમાં NDRF અને SRPની ટીમને તહેનાત કરવામાં આવી છે. આ વિસ્તારના 1,672 લોકોને સ્થળાંતર કરવાની કામગીરીના ભાગરૂપે 12 સરકારી શાળાઓના શિક્ષકોને હેડ ક્વાટર્સ ન છોડવા માટેનું સુચન કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાની વધારે અસર ઓલપાડ તાલુકાના ટુંડા, ડભારી, છીણી, મોરભગવા, દાંડીમાં જોવા મળશે.

આ ઉપરાંત, સુરતમાં આવેલા ડુમસના દરિયા કિનારા પર આવેલા ગણેશ અને ગોલ્ડન બીચની સાથોસાથે ઉભરાટ બીચને સહેલાણીઓ માટે 15 તારીખ સુધી બંધ કરવામાં આવ્યા છે. ‘વાયુ’ના પગલે સુરક્ષા અને ઈમરજન્સીની દૃષ્ટિએ સુરતની સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને જો વધારે જરૂર પડશે તો આ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને દરેક ફાયર સ્ટેશનની એક-એક ટીમ તૈયાર કરવામાં આવી છે અને ઇલેકટ્રીક કટર, હોડી, રેઇન જેકેટ સાથેના તમામ બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો ફાયર સ્ટેશન પર મુકી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરિયા કિનારા પર વાવાઝોડાની અસરના કારણે તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સ્થળાંતર કરાયેલા લોકોને ભોજન, રહેવાની અને પીવાના પાણીની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સાથે કેટલીક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ફૂડ પેકેટની અને સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp