રાત્રી કર્ફ્યૂના બીજા દિવસની સુરતની આ તસવીરોએ મહાનગરપાલિકાની ઉંઘ ઉડાડી દીધી

PC: youtube.com

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દિવાળીના તહેવારમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે અને ફરવા માટે ઘરની બહાર નીકળ્યા હોવાના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર એક્શનમાં આવ્યું છે અને ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાદયો છે. રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ અમદાવાદ શહેરની છે. અમદાવાદમાં તંત્ર દ્વારા સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરતમાં રાત્રી કર્ફ્યૂના અમલ પછી કર્ફ્યૂના બીજા દિવસે વહેલી સવારે સુરતની બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી.

રિપોર્ટ અનુસાર સુરતમાં રાત્રી કર્ફ્યુંના બીજા દિવસે સુરતમાં આવેલા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા . માર્કેટમાં સામાજિક અંતરના નિયમોના ધજાગરા જોવા મળ્યા હતા તો કેટલાક લોકોએ શાકભાજીની ખરીદી કરતા સમયે પણ નિયમોનો ભંગ કર્યો હતો. જે રીતે કર્ફ્યૂના આગળના દિવસે અમદાવાદની બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી તેવી જ ભીડ સુરતમાં જોવા મળી હતી. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ લોકો એક પછી એક નિયમોનો ભંગ કરી રહ્યા છે. લોકોની આ ભીડ કોરોનાના સંક્રમણને વધવા માટે આમંત્રણ આપી શકે છે.

સુરતમાં કોરોનાના કેસ ન વધે તે માટે તંત્ર દ્વારા ડુંમસ અને સુવાલી બીચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકોને ઘરની બહાર નીકળતા સમયે માસ્ક અને સામાજિક અંતરના નિયમનું પાલન કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનો ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેસ્ટીંગ વધવા પર પણ ભાર મૂકવામાં આવ્યો અને ડોર-ટૂ-ડોર સર્વેમાં પણ વધારવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાણીએ સોસાયટીના પ્રમુખોને પણ સુચના આપી છે કે, સોસાયટીમાં બહારથી આવતા કે, પ્રવાસ કરીને પરત આવેલા લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવે. સુરત મહાનગરપાલિકા દ્વારા નિયમ ભંગ કરતા લોકોની પાસેથી 1,10,414 રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી હતી. જેમાં સામાજિક અંતર ન રાખનાર 143 લોકો પાસેથી 19,398, માસ્ક ન પહેરનાર 1217 લોકો પાસેથી 90,516 રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp