રેલી ભાજપની-હાલાકી જનતાને! સ્નેહમિલન કાર્યક્રમને પગલે અઠવાવાળો રૂટ ડાયવર્ટ કરાયો

PC: youtube.com

સુરતમાં ભારતીય જનતાના પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના મોટા નેતાઓ હાજર રહેશે. સ્નેહમિલનને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પણ ભાજપના આ સ્નેહમિલન કાર્યક્રમને લઇને સામાન્ય જનતાને મુશ્કેલી પડી શકે છે.

આ બાબતે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, 24-11-2021ના રોજ 5 વાગ્યે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અઠવાલાઈન્સ સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા દ્વારા નુતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ સમારોહ રાખવામાં આવ્યો છે. આ સમારોહમાં હાજર રહેવા માટે સાંજના 4 વાગ્યાથી ભાજપના પદાધિકારી-કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉધના દરવાજા-વનિતા વિશ્રામ અઠવાલાઈન્સ સુધીના મુખ્ય રોડ ઉપર આવા-ગમન કરનાર હોવાથી સામાન્ય દિવસો કરતા તે સમયે ટ્રાફિક વધુ પ્રભાવિત/જામ થાય તેવી સંભાવના છે.

જેથી આ રોડ પર થનાર સંભવિત ટ્રાફિક જામમાં હેરાન ન થવાય અને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સરળતાથી પહોંચી જવાય તે માટે જાહેર જનતાને અપીલ છે કે, વેસુ, અઠવા, પીપલોદ, અડાજણ, પાલથી ઉધના દરવાજા પર આવવા-જવા માટે ઉધના દરવાજાથી ડાબી સાઈડે રોકડિયા હનુમાન મંદિરથી કેનાલ રોડ થઇ અણુવ્રત દ્વાર થઇ સીટીલાઈટ-જાની ફરસાણ-SVNITથી પાલ ઉમરા બ્રિજ અથવા તો સુરત સ્ટેશન થઇને ગોટાલાવાડી-ડાબી સાઈડે ટર્ન લઇ બ્રિજ ચઢી ત્યારબાદ જીલાની બ્રિજ થઇ તેમજ આંતરિક રસ્તાઓ પર થઇને આવવા-જવા વિનંતી છે.

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને લઇને લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. લોકોએ 3થી 4 કિલોમીટર વધારે અંતર કાપવું પડશે. મહત્ત્વની વાત છે કે, આ એ જ રસ્તો છે કે, ત્યાંથી સુરત પોલીસ કમિશનર કચેરી, સુરત કલેક્ટર કચેરી અને સુરત કોર્ટ સહિતની મહત્ત્વની કચેરીઓ સુધી પહોંચવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે.

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને લઇને સુરત શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, અમારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું આ હોમટાઉન છે. સુરતના કાર્યકરોમાં ઉત્સાહ અને જોશ હોય તે સ્વભાવિક છે. મેં પોતે દરેક વોર્ડમાં મીટીંગ લીધી છે. કાર્યકર્તાઓની તત્પરતાને ધ્યાને લઈને આ સુવિધા કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર ગુજરાતની અંદર તમામ ચૂંટણીઓમાં ખૂબ સારા પરિણામો મેળવ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેવાના છે. ઉધનાથી અઠવા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો નથી તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો અમારી રેલી પસાર થયા પછી તાત્કાલિક રસ્તો ખોલી નાંખવામાં આવશે. રેલી ફક્ત 500થી 600 મીટરની છે. 10થી 15 મિનીટમાં રેલી પૂરી થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp