IPS બદલીઃ માનીતા મેદાનમાં, અણમાનીતા હાંશિયામાં

PC: google.com

(પ્રશાંત દયાળ) ભારતીય વહિવટી સેવા અને ભારતીય પોલીસ સેવાના અધિકારીઓની બદલી અને બઢતીની સત્તા રાજય સરકારો પાસે હોવાને કારણે મોટા ભાગના અધિકારી બદલી અને બઢતીમાં થતાં વિલંબને કારણે સરકારને અનુકુળ થવાનો પ્રયાસ કરતા હોય છે પણ અનેક અધિકારીઓની પોતાની પ્રકૃત્તિ અને પ્રવૃત્તિ બદલી શકતા નથી જેના કારણે તેમને એક્ઝિક્યુટીવ પોસ્ટીંગ લાંબો સમય નસીબમાં રહેતુ નથી. ગુજરાત સરકારે શનિવારની રાતે IPS અધિકારીઓની બદલી અને બઢતીનો ગંજીફો ચીપ્યો હતો, જેમાં IPS અધિકારીઓની ગમતી જગ્યાઓ ઉપર ગુજરાતી IPS અધિકારીઓની દબદબો રહ્યો છે, જ્યારે કેટલાંક ગુજરાતી અને બીનગુજરાતી IPS અધિકારીઓ પોતાના કામને કારણે નહીં પણ પ્રકૃતિ નહીં બદલી શકતા ફરી વખત હાંસીયામાં ધકેલાયા છે.

ગુજરાતના DGP પદ પછી અમદાવાદ પોલીસ કમિશનર પદ સૌથી મોટુ ગણાય છે, સિનિયરોટીમાં નંબર બે ઉપર હોય તેવા IPS અધિકારીને તે પદ આપવાની પ્રણાલિકા છે, હાલમાં એસીબીના વડા અને DGP કેશવકુમાર પ્રણાલિકા પ્રમાણે પોલીસ કમિશનર થવા જોઈએ, પણ તેઓ અનુકુળ અધિકારીઓનામાં સમાવીષ્ટ નથી, જેના કારણે કેશવકુમાર પછીના ક્રમે રહેલા CID ક્રાઈમના વડા સંજય શ્રીવાસ્વતને અમદાવાદ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ પછી વસ્તી અને ક્રાઈમની રીતે મોટા ગણાતા સુરતના પોલીસ કમિશનર રાજુ બ્રહ્મભટ્ટ જેમને થોડા મહિના પહેલા જ સુરત મુકવામાં આવ્યા હતા, તેમને સુરતથી ખસેડી સુરત કરતા નાના શહેર વડોદરાના કમિશનર બનાવવામાં આવ્યા છે.

રાજુ બ્રહ્મભટ્ટ સરકારની ગુડના અધિકારી છે પરંતુ સુરતની બીલ્ડર લોબી લાંબા સમયથી તેમને ખસેડવા મેદાનમાં હતી તે સફળ રહી હોવાનું કહેવાય છે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશીયલ કમિશનર અજય તોમરને સુરત કમિશનર પદ મળ્યુ છે, જ્યારે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત બીનવિવાદાસ્પદ અધિકારીને સ્વભાવે સૌમ્ય ગહેલોત પણ સરકારની અનુકુળતા અને જરૂરીયાતો સારી રીતે સમજે છે અને કોઈ પણ સરકાર માટે તેમના આંખ અને કાન સમાન ઈન્ટેલીઝન્સ વીંગ મહત્વની હોય છે તેના કારણે તેમને આઈબીના વડા તરીકે મુકવામાં આવ્યા છે, જ્યારે બહુ ઓછો સમય મહત્વની બ્રાન્ચમાં રહેતા ડૉ શમશેરસિંગને CIDમાંથી ખસેડી ફરી ટેકનીકલ સેલમાં મુકી દીધા છે જ્યારે તેમના સ્થાને હોમગાર્ડમાંથી ટી એસ બીસ્ટને મુકવામાં આવ્યા છે, તેવી જ રીતે નીરજા ગોટરૂ પણ ફરી વખત સાઈડ પોસ્ટીંગના ભાગ રૂપે હોમગાર્ડમાં ગયા છે.જ્યારે સેકટર-1ના જોઈન્ટ કમિશનર અમીત વિશ્વકર્માને ક્રાઈમ બ્રાન્ચમાં મુકતા તેમને દબદબો વધ્યો છે.

આજ પ્રકારે ફરી મેદાનમાં આવેલા અધિકારીઓમાં ગૌતમ પરમારને CID રેલવેમાંથી અમદાવાદ સેકટર-2માં અને અમદાવાદ ગ્રામ્ચના ડીએસપી રાજેન્દ્ર અસારીને બઢતી સાથે સેકટર-1માં મુકવામાં આવ્યા છે., જ્યારે DCP કંટ્રોલરૂમ વિજય પટેલે અમદાવાદમાં જ DCP ઝોન-2માં મુકાયા છે. રેંજ IGPની બદલીમાં અભય ચુડાસમા વડોદરાથી ગાંધીનગર રેંજમાં આવ્યા છે અને ગાંધીનગર રેંજમાંથી મયંકસિંહ ચાવડા અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચમાં આવ્યા છે, જ્યારે વડોદરા રેંજમાં હરેકૃષ્ણને વડોદરા રેંજમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદ રેંજની ખાલી પડેલી જગ્યા ઉપર કેસરીસિંહ ભાટી મુકવામાં આવ્યા છે જ્યારે કાયમ પ્રમાણે બોર્ડર રેંજમાંથી સુભાષ ત્રિવેદ્દી ફરી સાઈડ પોસ્ટીંગ CIDમાં આવી ગયા છે જ્યારે તેમના સ્થાને જે આર મોથલીયાને મુકવામાં આવ્યા છે. આમ ઉચ્ચ અધિકારીઓમાં ગુજરાતી અધિકારીઓને સ્થાન મળ્યુ છે.

જ્યારે લાંબો સમયથી બ્રાન્ચમાં રહેલા સુજાતા મઝમુદાર તાપીના એસપી તરીકે મુકાયા છે, જ્યારે તેમના બેંચ મેંટ ઉષા રાડાને મહિસાગરથી સુરત ગ્રામ્યમાં મુકયા છે, અમદાવાદ સાઈબર સેલના DCP ડૉ રાજદિપસિંહ ઝાલા વલસાડના એસપી થયા છે આમ અનેક જિલ્લામાં ગુજરાત એસપીઓની સંખ્યામાં વધારો થયો જો કે અનેક ગુજરાત અધિકારીઓની બઢતી મળી હોવા છતાં તેમના સાઈડ પોસ્ટીંગ પણ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp