શાહ ડે: સુરતના ચુનીલાલ શાહ વિશે જાણો રસપ્રદ વાતો

PC: Khabarchhe.com

વર્ષોથી સોસાયટી, 23 જાન્યુઆરીનો દિવસ શાહ ડે તરીકે ઉજવે છે. વાસ્તવમાં. પરંતુ બહુ ઓછા ને ખબર હશે કે આ માનવ વિશે ની વાતો. ચુનીલાલ ઘેલાભાઈ શાહે સુરતમાં શિક્ષણ જગતનો એક નાનકડો દીપ પ્રગટાવ્યો સાતમી જૂન 1887ના દિવસે. એ વખતે ચુનીલાલ શાહની ઉંમર હતી ફક્ત 22 વર્ષ. આજથી બરાબર 136 વર્ષ પહેલા, 22 વર્ષની ઉંમરે શિક્ષણની જ્યોત પ્રગટાવનાર આ યુવાન ગ્રેજ્યુએટ પર નહોતો થઈ શક્યો. એ જમાનાની વાત કરવી જરૂરી છે. જેથી શાહને પડેલી અડચણોનો ખ્યાલ આવી શકે.

સરકારી શિક્ષણ અત્યંત મોંઘું. એટલે સામાન્ય લોકોની પહોંચની બહાર. મિશનરી સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ પર અત્યંત ભાર મુકાતો. એટલે હિંદુ, પારસી કુટુંબના છોકરાઓ ભણવા આ શાળામાં જતા નહીં. શાહ સાહેબ અને એમના ત્રણ મિત્રો એમ ચાર જણાએ મળીને સસ્તુ શિક્ષણ આપી શકાય એ માટે શાળા સ્થાપવાનો નિર્ણય લીધો. પોત પોતાના ઘરેથી ફર્નિચર લઈ આવ્યા. દરેકે 750 કાઢયા. અને સાત મી જૂન 1887માં ધ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના શરૂ કરી. વિદ્યાર્થી સંખ્યા 11, સ્થળ ગોપીપુરા દેરાસરની સામે વાળા મકાનમાં. લોકજીભે ચઢેલું નામ ઢીંગલી સ્કુલ. છ મહિનામાં સંખ્યા વધીને 94 થઇ.

શાહ અને એમના મિત્રોએ વિના વેતન કામ કર્યું. પરંતુ ઘર કુટુંબ ચાલે કેવી રીતે? આખરે શાહ સાહેબના મિત્રો એમને છોડી ગયા. એકલો જાને રે.... ની જેમ શાહ સાહેબે રણમેદાન છોડ્યું નહીં. ત્રિભુવનદાસ માળવી જેવા સખાવતી દાનવીર વડે શાળા નભતી રહી. ઘણાં પ્રયત્નો પછી શાળા પગભર થઈ અને એક માત્ર યોદ્ધા સાહેબના કારણે. આમ અનેકાનેક અડચણો વચ્ચે અડીખમ રહી. શાહ સાહેબે સમાજના હિતમાં અંગત સ્વાર્થ બાજુએ રાખી સમાજની ઉત્કૃષ્ટ સેવા કરી. શાળા 1907માં સરકારી ગ્રાંટ લેતી થઈ એટલે એનું નામ બદલીને સાર્વજનિક હાઈસ્કૂલ રાખ્યું. શાહ સાહેબ સ્વપ્નદ્રષ્ટા હતા. એમને તો એમનું આ કાર્ય ઉત્તરોત્તર પ્રગતિ પામે અને શિક્ષણના માર્ગે હંમેશ ચાલુ રહે એ માટે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો દાતાઓની હાજરીમાં શાળાના વાર્ષિકોત્સવમાં એક વિચાર મૂક્યો અને સાર્વજનિક હાઈસ્કૂલ. જે એમની પોતાની માલિકીની હતી એને કોઈ ટ્રસ્ટને સોંપવાનો વિચાર કર્યો. આમ પહેલી ઓક્ટોબર 1912ના રોજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. તેના પ્રથમ મંત્રી શાહ હતા. એમણે અધ્યક્ષપદ નો અસ્વીકાર કર્યો અને મંત્રી બન્યા.

આજીવન શિક્ષક તરીકે શાહ કડક અને શિસ્તપાલનના અત્યંત આગ્રહી હતા. તેમ છતાં શિક્ષકો સાથેનો સંબંધ આત્મીય. એક સહૃદયી વડીલ તરીકે તેમણે હંમેશા તમામને એકસૂત્રે બાંધી રાખ્યા હતા. અજબ વ્યક્તિત્વ ધરાવતા શ્રી સાહેબ ને કૈસરે હિન્દ ચંદ્રક એનાયત થયો. પરંતુ રૂબરૂ લેવા જવા માટે તેમણે ના પાડી. જાહેર સન્માન ના અત્યંત વિરોઘી અને કામ એ જ પૂજાની ઉક્તિને સાકાર કરનાર આવા સુરતના સપૂત- સોસાયટીના સ્થાપક ને લાખો સલામ .

તદ્દન સામાન્ય વ્યવહારમાં પણ તેમની પ્રમાણિકતા દેખાઈ આવતી હતી. શાળાના પટાંગણમાં આવેલા વૃક્ષો પર ના ફળ પણ વિનામૂલ્યે લેતા નહીં. પટાંગણમાં એક આંબો હતો. તેની કેરી ઘર માટે લેતા અને બજારભાવે જેટલી રકમ શાળામાં જમા કરાવતાં. આ હકીકત એમની ડાયરી જે આપણા સંગ્રહાલયમાં મોજૂદ છે લખેલ છે. આજનો દિવસ એટલે શાહ દે તરીકે ઉજવાતો દિવસ- નથી એમનો જન્મદિવસ કે નથી નિર્માણ દિવસ પણ નથી. એમનો જન્મદિવસ પાંચમી મે 1866 અને નિર્વાણ દિન 23 ઓક્ટોબર 1918. સૌના મનમાં સવાલ એ ઉઠે તો પછી 33 મી જાન્યુઆરી શાહ કેમ? એમના અવસાન ના 5 વર્ષ બાદ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એ એમની અર્ધ પ્રતિમાને તે વખતના મુંબઈ રાજ્યના નાણાં પ્રધાન ચુનીલાલ ભૂખણદાસ મહેતાના વરદ હસ્તે આપણી સેન્ટ્રલ લાઇબ્રેરી માં અનાવરણ થઇ. એ દિવસ હતો તે 23 જાન્યુઆરી 1923 અને તે દિવસે શાહ ડે તરીકે ઉજવવાનું ઠરાવાયું. આજે એ વાત ને બરાબર એક સો વર્ષ થયાં, જે પ્રતિમા આપણે આપણી સોસાયટીના પ્રવેશ દ્વારે 2014માં સ્થાપિત કરી જેથી સોસાયટીના પ્રવેશદ્વારે સૌ કોઈ આ મહાનુભાવના દર્શન કરી શકે.

અનેક જાણીતી હસ્તીઓ એ સાહેબના હાથ નીચે શિક્ષણનો લાભ લીધો છે. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે, રણછોડદાસ પોપાવાલા, પ્રિતમલાલ મજમુદાર, નટવરલાલ માળવી. વિગેરે નામો યાદ આવે છે. સાહેબના પિતા પણ શિક્ષક હતા અને શાહના પુત્ર ચંદ્રવદન ચુનીલાલ શાહે પણ એમનું નામ રોશન કર્યું. અત્યંત પ્રભાવશાળી કારકિર્દી ધરાવનાર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથે વર્ષો સુધી સંકળાયેલા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદને શોભાવ્યું અને સુરત ને એક બીજા શૈક્ષણિક સંકુલની ભેટ આપી. તે ચંદ્રવદન શાહ જીવન ભારતી તેમના નામને શોભે છે.

ચુનીલાલ ઘેલાભાઈ શાહ જેવું સાદું એમનું નામ તેવો સાદાઈથી ઓપતો મુઠ્ઠીભર હાડકાનો સુકલકડી દેહ. શાંત દેખાવ, સ્વસ્થ સાદો અને ભભક વિનાનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધોતિયું અને પહેરણ તેની ઉપર કાળો લાંબો કોટ, માથે પાઘડી અને ખભે ખેસ એમનો જીવનભર નો પોશાક હતો. એ કોઈ પ્રખર વિદ્વાન કે પંડિત નોહતા શિક્ષણશાસ્ત્રી કેળવણીકાર હોવાનો પણ દાવો એમણે કદી કર્યો નથી. આંજી નાખતું વ્યક્તિત્વ કે સભાને મંત્રમુગ્ધ કરતું વક્તૃત્વ પણ એમની પાસે નહોતું. વ્યવસાયથી શિક્ષક એવા નખશિખ સજ્જન પ્રમાણિક અને શુદ્ધ એવા આદરણીય શાહ સાહેબ માં એક પ્રબળ પ્રતાપ પ્રતાપી આત્મા વસતો હતો એ આત્માને ઈશ્વરમાં અને પોતાનામાં અડગ શ્રદ્ધા હતી. મુસીબતોનો સામનો કરવાની વીરોચિત હિંમત હતી અને આદર્શવાદ અને પ્રજા વાદે રંગાયેલી હતી. આવા કર્મયોગી મહાતપસ્વી શાહે રોપેલો સોસાયટીનો નાનકડો છોડ થોડા વર્ષોમાં શાખા પ્રશાખા થી શોભતો થયો અને આજે એક વિશાળ વૃક્ષની જેમ અનેક નાગરિકોનું ઘડતર કરી નૂતન ભારત નિર્માણમાં વર્ષોથી પ્રદાન કરી રહ્યું છે. હજારો વિદ્યાર્થીઓ સેંકડો શિક્ષકોના અધ્યાપન થી. મુખરિત બનતો મહાન કેળવણીવડ આજે ગુજરાતભરમાં અનન્ય બની રહ્યો છે. જેનું શ્રેય જેના તપ અને પુરુષાર્થને જાય છે એવા મહાન તપસ્વી પુણ્યશ્લોક શાહ સાહેબને આપણે સૌ કૃતજ્ઞતાપૂર્વક વંદન કરીએ. શિક્ષણના વિરાટનભમાં અત્યંત તેજસ્વીમાન તારલાને દરેક વિદ્યાર્થી, અધ્યાપક અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામે હમેશા હર હંમેશ આદર્શ માની ઉર્ધ્વગતિમાન થવા પ્રયત્ન કરવો જોઈએ. સેવા માટે કોઈ કાલ અકાલ નથી. કોઈ સાધન ઉણા નથી. કોઈ આત્મા શુદ્ર નથી.

                                                                                                                                                                                                                  -કશ્યપ મહેતા 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp