સુરતમાં ફાયરના અધિકારીઓએ દુકાનને માર્યું સીલ, એક વ્યક્તિ પુરાયો દુકાનમાં

PC: youtube.com

આજે સાવરથી જ સુરત ફાયર વિભાગની ટીમ એક્શનમાં આવી હતી અને સુરતના અલગ-અલગ ઝોનમાં 10 જેટલી ફાયર ઓફિસરોની ટીમ બનાવીને તમામ શોપિંગ સેન્ટરોના ફાયર સેફ્ટીના સાધનોની તપાસની કામગીરી કરવામાં આવી હતી. નોટીસ આપી હોવા છતાં પણ ફાયર સેફ્ટીના સાધનોની સુવિધા ઊભી કરવામાં ન આવતા શોપિંગ સેન્ટરો અને દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની કામગીરી દરમિયાન સુરતના 16 જેટલા શોપિંગ સેન્ટરોને સીલ મારવામાં આવ્યા હતા. આ સીલની કાર્યવાહી કરતા સમયે ફાયર વિભાગની એક મોટી બેદરકારી સામે આવી હતી, ફાયર વિભાગના અધિકારીઓને દુકાન માલિક દુકાનમાં હતો તે સમયે દુકાનને સીલ મારી દીધું જેના કારણે તે દુકાનમાં પુરાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલા ધારા આર્કેડમાં સવારે ફાયર સેફ્ટીના સાધનોને લઇને ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફાયર સેફટીના સાધનોમાં બેદરકારી જાણવામાં આવતા ફાયરના અધિકારીઓ દ્બારા તમામ દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા, પરંતુ જે સમયે સીલ મારવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે 305 નંબરની દુકાનમાં દુકાન માલિક દુકાનની અંદર હાજર હતો અને દુકાનનું શટર બંધ હતું, જેના કારણે ફાયરના અધિકારીઓ દ્બારા કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર દુકાનને સીલ કરીને તેના પર નોટીસ લગાવી દેવામાં આવી હતી.

દુકાનમાં પુરાયેલા વ્યક્તિએ તેના કર્મચારીને ફોન કરીને જાણ કરી હતી કે, હું દુકાનમાં પુરાઈ ગયો છું અને દુકાનને બહારથી સીલ મારવામાં આવ્યું છે. ત્યારે દુકાનના કર્મચારી ઘરેથી દુકાન પર આવ્યા હતા ત્યારે દુકાન માલિક દુકાનની અંદર હતો અને દુકાનને બહારથી સીલ મારવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દુકાન માલિકને દુકાનની બહાર કાઢ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp