સુરત સિવિલમાં સારવાર માટે આવેલી મહિલા OPDની બહાર 1 કલાક સુધી પડી રહી

PC: youtube.com

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર તબીબોની બેદરકારી સામે આવી છે. એક મહિલા તેના પેટમાં થતા અસહ્ય દુઃખાવાની સારવાર કરાવવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગઈ હતી, પરંતુ તેને આમથી તેમ ધક્કા ખવડાવતા તે OPDની બહાર જ ફસડાઈને પડી ગઈ હતી. મહિલા એક કલાક સુધી જમીન પર પડી રહી, પરંતુ હોસ્પિટલના કોઈ ડૉક્ટર કે કર્મચારી મહિલાની સારવાર માટે આગળ ન આવ્યા.

એક રિપોર્ટ અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હીરા નગરમાં પરિવારની સાથે રહેતી ગીતાદેવી નામની મહિલાને પેટમાં દુઃખાવો થતા તે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. ગીતાદેવી કેસ કાઢવીને ઈમરજન્સી મેડિસીન વિભાગમાં સારવાર માટે ગયા તે સમયે તેમને ડૉક્ટરોએ OPDમાં જવા માટે કહ્યું હતું. બીજી તરફ ગીતાદેવીનાં પેટનો દુઃખાવો ખૂબ વધતો જતો હતો. તે જેમતેમ કરીને OPD પર પહોંચ્યા અને OPDની બહાર લાઈનમાં ઊભા રહ્યા હતા.

લાઈનમાં ઉભેલા ગીતાદેવીની તબિયત વધારે ખરાબ થતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. આ બાબતે એક ડૉક્ટરે હોસ્પિટલના કર્મચારી અને એક સિક્યોરીટી ગાર્ડને ગીતાદેવીને તાત્કાલિક મેડિસીન વિભાગમાં લઇ જવાનું કહેતા સિક્યોરીટી ગાર્ડે પોતાની નોકરી પૂરી થઇ ગઈ હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા હતા. એક કલાક સુધી ગીતાદેવી જમીન પર પડ્યા રહ્યા હતા, પરંતુ સિવિલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી નહોતી.

આ બાબતે જ્યારે હોસ્પિટલના RMOને જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં કામ કરતી મહિલા કર્મચારીઓને ગીતાદેવીને સારવાર માટે ઈમરજન્સી મેડિસીન વિભાગમાં ખસેડવાની સૂચના આપી હતી. તેથી તેમને વ્હીલચેર પર બેસાડીને સારવાર માટે મેડિસીન વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા અને ગીતાદેવીની સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ડૉક્ટરોને જાણવા મળ્યું હતું કે, ગીતાદેવી અશક્તિના કારણે જમીન પરી પડી ગયા હતા, અને તેમની તબિયત વધારે ગંભીર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp