સુરત કોંગ્રેસનું કલેક્ટરને આવેદન, પાલ આંબલીયા-ખેડૂતોને માર મારનાર સામે પગલા લો

PC: Khabarchhe.com

સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુ રાયકા દ્વારા કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પરના પોલીસ દમન અંગે પગલાં ભરવા માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારીમાં લોકડાઉનના પગલે ધંધા-રોજગાર બંધ છે. સામાન્ય-મધ્યમવર્ગને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઇ ગયો છે, તેવા સમયે જગતનો તાત સૌથી વધુ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, મોંઘી વિજળી, સિંચાઇના મોંઘા પાણી સહિતના કારણે દિવસેને દિવસે ખેતી અને ખેતપેદાશો મોંઘી થતી જાય છે. ખેડૂતોને ખેતપેદાશોના ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે વહીવટીતંત્ર જાગૃત થાય તે હેતુસર લોકતાંત્રિક રીતે ડુંગળી સહિતની ખેતપેદાશો PM CARE FUNDમાં જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયા અને ખેડૂત પ્રતિનિધિઓ રાજકોટ ક્લેક્ટર સમક્ષ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમો હેતુ ખેડૂતોને પડતી મુશ્કેલીમાં વહીવટીતંત્ર સંવેદનશીલ બને અને ખેડૂતોને ન્યાય મળે, ખેત પેદાશોના ભાવ મળે તે હતો, પણ વહીવટીતંત્ર-સરકારના ઇશારે કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ પર જુદી-જુદી કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો, માત્ર ગુન્હો દાખલ કરીને અટકાયત જ નહીં પણ સાથો-સાથ કિસાન આગેવાનોને પોલીસે બેરહમીપૂર્વક ઢોર માર માર્યો.

કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓએ કોઇ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તો તેમને સજા કરવાનો અધિકાર ન્યાયતંત્રને છે. પોલીસને નહીં, પણ સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નિતી સ્પષ્ટ ઉજાગર થઇ છે. ખેડૂતો માટે ન્યાય માંગનાર ખેડૂતોના મુદ્દે લડત ચલાવનાર અને ખેડૂતોના હક્કના નાણાં ચાઉં કરી જનારને ખુલ્લા પાડનારને પોલીસના અત્યાચારથી શું રાજ્ય સરકાર મૌન કરાવવા માંગે છે? શું ખેડૂતોના હક્કની લડાઇ લડવી ગુન્હો છે? ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયા પર અત્યાચાર કરી ઢોર માર મારનાર પોલીસ અધિકારી અને જેના ઇશારે આ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp