સુરતના ઠક્કર પરિવારની ત્રણ પેઢીએ કોરોનાને હરાવ્યો

PC: Khabarchhe.com

સુરતના પુણા બોમ્બે માર્કેટ વિસ્તારના સ્વામિનારાયણ નગર નિવાસી ઠક્કર પરિવારની ત્રણ પેઢીએ એકસાથે કોરોનાને હરાવ્યો છે. મક્કમ મનોબળ, પૂરતી સાવધાની અને સિવિલના તબીબોની સારવાર થકી દાદા-દાદી, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર-પૌત્રીઓ એકસાથે પોઝિટીવમાંથી નેગેટિવ થઈને કોરોનામુક્ત બન્યાં છે. તેમાં પણ સિવિલના તબીબોએ બી નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતાં 67 વર્ષીય દાદા કનૈયાલાલ ઠક્કરને બી પોઝિટિવ ગ્રુપનું પ્લાઝ્મા આપી સફળ પ્લાઝ્મા સારવાર કરીને કોરોના સામે જીત અપાવી છે.

દાદા કનૈયાલાલ ઠક્કરને કોરોના પોઝિટિવ આવતાં તા.5 ઓગસ્ટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા પુણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમના પરિવારના તમામ સભ્યોની તપાસ કરવામાં આવી. તપાસમાં 65 વર્ષિય દાદી સુમિતાબેન, કનૈયાલાલના 36 વર્ષીય પુત્ર અજય, પુત્રવધુ નેહાબેન, 17 વર્ષની પૌત્રી ઈશિતા, 13 વર્ષીય ધ્રુવી અને 06 વર્ષના પૌત્ર મોનાર્કના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં.

ડાયાબિટીસ ધરાવતા દાદાજી કનૈયાલાલને સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં તેમનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી HR સિટી સ્કેન (હાઈ રિઝોલ્યુશન કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી) કરતા ફેફસામાં 30થી 40 ટકા કોરોનાની અસર જણાઈ. શ્વાસ લેવામાં તકલીફ હોવાથી 15 લીટર NRBM નોન રિબ્રિધર ઓક્સિજન માસ્ક પર રાખવામાં આવ્યા. ત્યારબાદ 11 ઓગસ્ટે પ્લાઝ્મા થેરાપી દ્વારા પ્લાઝ્મા આપવામાં આવ્યું. કનૈયાલાલનું બ્લડ ગ્રુપ ‘બી નેગેટિવ’ હોવાથી આ ગ્રુપનું પ્લાઝ્મા મળવું મુશ્કેલ હોય છે. પ્રથમ વખત તો તેમના બ્લડ ગ્રુપ ‘બી નેગેટિવ’નું પ્લાઝ્મા મળી રહ્યું, પરંતુ સિવિલના અનુભવી અને તજજ્ઞ તબીબોએ ICMRની ગાઈડલાઈન મુજબ ‘બી પોઝિટિવ’ ગ્રુપનું પ્લાઝમાં આપી શકાતુ હોવાથી ‘બી પોઝિટિવ’ ગ્રુપના પ્લાઝ્મા આપી પોઝિટીવમાંથી નેગેટિવ બનાવ્યાં છે.

પરિવારના અન્ય સભ્યોને અન્ય કોઈ તકલીફ ન હોવાથી હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી. આજે આખો પરિવાર કોરોના પોઝિટીવમાંથી નેગેટિવ બન્યો છે અને દાદાજી કનૈયાલાલ સિવિલ હોસ્પિટલમાંથી તા.26મી ઓગસ્ટે ડિસ્ચાર્જ થઈ ઘરે આવતાં કોરોના સામે વિજયી બનવાનો આગવો આનંદ મેળવ્યો.

નવી સિવિલ મેડિસિન વિભાગના હેડ ડૉ. અશ્વિન વસાવા, ડૉ.અમિત ગામીત, ડૉ. વિવેક ગર્ગની ટીમ તેમજ રેસિડેન્ટ ડૉ.સંકેત ઠક્કર, ડૉ.પૂજા ઝાંઝરી, ન્યૂરોલોજીસ્ટ ડૉ.પરેશ ઝાંઝમેરાની અથાગ મહેનતથી પ્લાઝ્માની વ્યવસ્થા કરીને સફળ ટ્રાન્સફ્યુઝન કરાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp