થાઈરોઈડ, બ્લડપ્રેશરની બીમારીથી પીડિત 60 વર્ષીય પાર્વતીબેન કોરોના મુક્ત થયા

PC: khabarchhe.com

દેશમાં કોરોના વાઈરસ મોટા ભાગે વધુ ઉમરના વડીલોલ ઉપર વધુ જોખમી બન્યો છે, ખાસ કરીને 50 વર્ષથી વધુ વય ધરાવતાં વડીલો પર વધુ અસર કરે છે. પરંતુ સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારી સારવારના પરિણામે કોરોનાગ્રસ્ત વડીલો પણ સ્વસ્થ થયા છે. સુરતના આવા જ એક કોરોનાગ્રસ્ત 60 વર્ષીય મહિલા પાર્વતીબેન ભીખા કળસરિયાએ વૃદ્ધાવસ્થામાં થાઈરોઈડ અને બ્લડપ્રેશરની બીમારી હોવા છતા કોરોનાને મ્હાત આપી છે. મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદરા ગામના વતની પાર્વતીબેનનો પરિવાર સુરતના ગોડાદરા વિસ્તારમાં સુમન પ્રભાત આવાસમાં રહે છે.

પાર્વતીબેનને કોરોના પોઝિટિવ આવતાં તા.7 જુલાઈએ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્મીમેરમાં દાખલ કરાયા ત્યારે પાર્વતીબેનની હાલત ગંભીર હતી, એમને 13 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સ્મીમેરના ડોક્ટર્સની કાળજીભરી સારવારથી બ્લડપ્રેશરની બીમારી જેવી કોમોર્બીડ સ્થિતિ હોવા છતાં તબિયતમાં ઘણો સુધારો આવ્યો હતો, અને તા.25 જુલાઈના રોજ એમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા સ્મીમેરમાંથી રજા આપવામાં આવી હતી.

પાર્વતીબેને જણાવ્યું હતું કે, 60 વર્ષની ઉંમરે બ્લડપ્રેશર અને થાઇરોઈડની બીમારી સાથે કોરોના પોઝિટિવ આવતા મેં જીવવાની આશા છોડી દીધી હતી, 13 દિવસ વેન્ટીલેટર ઉપર રહ્યાં બાદ હું ડોક્ટરોની મહેનતથી બચી ગઈ છું એ મને એક સપના જેવું લાગે છે. મને નવું જીવનદાન મળ્યું છે. સ્મીમેરના ડોક્ટરોએ મને મોતના મુખમાંથી ઉગારી છે.

 પાર્વતીબેનના દીકરા અજય કળસરિયાએ જણાવ્યું હતું કે, ‘પહેલેથી મારી માતાને બ્લડપ્રેશર અને થાઈરોઈડની બીમારી છે, 05 જુલાઈએ એમની તબિયત એકદમ લથડતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું, જ્યાં ડોકટરે કોરોનાના લક્ષણ અને ઓક્સિજન લેવલ ઓછુ હોવાનું જણાતાં સિવિલ અથવા સ્મીમેર હોસ્પિટલમાં જવા સલાહ આપી હતી. એમની તબિયત વધુ ગંભીર બનતાં 108 ઈમરજન્સીમાં ફોન કરી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર રહેલા ડોકટરોએ તેમની ગંભીર હાલત જોતાં તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ પર રાખ્યાં હતા.

અજય કહે છે કે, મારા પરિવારમાં હતાશા ફેલાઈ ગઈ હતી. અમને મારી માતા સ્વસ્થ થઈને ઘરે પાછાં ફરશે એવી આશા નહોતી. અમે માતાના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના પણ કરતા હતા. આખરે 13 દિવસ વેન્ટિલેટર પર રહ્યાં બાદ મારી માતાને જીવનદાન મળ્યું. મારી માતા સ્વસ્થ થયા ત્યારે અમને સ્મીમેરના ડોકટરોમાં અમને ઈશ્વરનું રૂપ જોવા મળ્યું. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોના અથાગ પ્રયાસોથી અમારા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. જેઓ કોઈ પણ સ્વાર્થ વિના નાતજાત, ધર્મના ભેદ વિના દિન-રાત ખડેપગે રહીને દર્દીઓને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp