સુરત: ફૂટપાથ પર અત્તર વેચતા શખ્સને IT વિભાગે ફટકારી 28 કરોડની નોટિસ

PC: khabarchhe.com

સુરતમાં એક આશ્ચર્યજનક બનાવ બન્યો છે. અહીં, ફૂટપાથ અને મસ્જિદ બહાર લારી મૂકી અત્તરનો વેપાર કરતા એક વેપારી યુવકને IT વિભાગ દ્વારા રૂ. 28 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં યુવકે રૂ.28 કરોડનો માલ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનમાં એક્સપોર્ટ કર્યો હોવાની માહિતી છે. આ નોટિસ બાદ વેપારી યુવક અને તેનો પરિવાર હેબતાઈ ગયો છે. યુવકે નોટિસ મળતાની સાથે જ વકીલનો સંપર્ક કર્યો અને પોતે આવા કોઈ ટ્રાન્ઝેક્શન કે વ્યવહાર કર્યા ના હોવાનું જણાવ્યું છે. જ્યારે બીજી તરફ આ મામલે ક્રિમિનલ પ્રોસિઝર શરૂ કરવામાં આવી હોવાની માહિતી છે.

માહિતી મુજબ, સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઓવૈસ સોપારીવાલા ફૂટપાથ અને મસ્જિદ બહાર લારી મૂકીને અત્તરનું વેચાણ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. મોહમ્મદ ઓવૈસ સોપારીવાલા ત્યારે ચોંકી ગયા જ્યારે IT વિભાગથી તેમને રૂ. 28 કરોડની નોટિસ ફટકારવામાં આવી. આ નોટિસ બાદ તેમણે વકીલનો સંપર્ક કર્યો. આ મામલે મોહમ્મદ ઓવૈસ સોપારીવાલાએ જણાવ્યું કે તેમને આ નોટિસ લગભગ 15 દિવસ પહેલા મળી છે. અત્તરનો વેપાર કરી મહિને માત્ર રૂ.12થી 15 હજાર સુધીની આવક છે. પરંતુ IT વિભાગ દ્વારા રૂ.28 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે.

આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે, વર્ષ 2018માં પૈસાની જરૂર હોવાથી લોન લેવા માટે યુનુસ ચક્કીવાલા સાથે સંપર્ક થયો હતો અને તેણે રૂ. 50 હજારની લોન અપાવવા માટે તેમના ડોક્યૂમેન્ટ્સ લીધા હતા. આ ડોક્યૂમેન્ટસનો દૂરુપયોગ થયો હોવાની તેમને આશંકા છે. બીજી તરફ વકીલે જણાવ્યું કે, IT વિભાગની નોટિસ મુજબ, મોહમ્મદ ઓવૈસ સોપારીવાલાએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનમાં રૂ. 28 કરોડનો માલ એક્સપોર્ટ કર્યો છે. પરંતુ, કયો માલ એક્સપોર્ટ કર્યો તે અંગે ઉલ્લેખ કરાયો નથી. હાલ આ મામલે ક્રિમિનલ પ્રોસેસ કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, અગાઉ જીએસટી વિભાગ દ્વારા મોહમ્મદ ઓવૈસ સોપારીવાલાને નોટિસ ફટકારવામાં આવી હતી, જેનો તેમણે ખુલાસો આપવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp