સુરતની આ મોટી ડાયમન્ડ કંપનીએ 105 રત્નકલાકારોને પગાર વગર કાઢી મૂક્યા

PC: truthofgujarat.com

દુનિયાની મોટી ડાયમન્ડ કંપનીઓમાં ગણાતી સુરતની બ્લુ સ્ટાર ડાયમંડ કંપનીએ તેમાં કામ કરતા 105 રત્નકલાકારોને છુટા કરી દેતા હીરાઉદ્યોગમાં હોબાળો મચી ગયો છે. છુટા કરાયેલા કારીગરોએ રત્ન કલાકાર વિકાસ સંઘને રજૂઆત કરતા સંઘે કલેકટર અને લેબર વિભાગને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. કારીગરોએ પગાર નહીં મળ્યો હોવાની પણ રાવ કરી છે. જો કે બીજી તરફ કંપનીના સુત્રોએ કહ્યું હતું કે હજુ મે મહિનામાં જ 105 કારીગરોને રાખ્યા હતા. પ્રોડકશન લોસ થવાને કારણે કારીગરોને ના પાડવામાં આવી છે. તેમના પગાર નિયમ મુજબ 13 જૂને જમા કરી દેવામાં આવશે. પણ કારીગરોને પરત લેવાય તેવી કોઇ શકયતા નથી. આ કંપની ડીટીસી સાઇટ હોલ્ડર કંપની છે. દુનિયાભરમાં ઓફિસો ધરાવે છે. 

રત્ન કલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કહ્યું હતું કે એ.કે. રોડ પર આવેલી બ્લુ સ્ટાર ડાયમંડમાંથી છુટા કરાયેલા કારીગરો ફરિયાદ કરવા આવ્યા હતા કે તેમને કંપનીએ માત્ર હીરા નથી એવું કહીને કાઢી મુકયા છે. છેલ્લા મહિનાનો પગાર પણ આપવામાં આવ્યો નથી. કંપની સાથે વાત કરતા તેમણે અડધા કારીગરોનો પગાર જમા કરાવ્યો છે અને બાકીનો પગાર 13 તારીખે જમા કરવાનું કહ્યું છે. પણ કારીગરોને પાછા લેવાની ના પાડે છે. એટલે અમે સુરત જિલ્લા કલેકટર અને લેબર વિભાગને રજૂઆત કરવાના છે.

બ્લુ સ્ટારમાંથી છુટા કરાયેલા રત્ન કલાકાર બાબુભાઇ પ્રજાપતિએ કહ્યું હતું કે કોઇ પણ કારણ વગર કંપનીએ અમને છુટા કરી દેતા અમારા માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ પડયું છે.
બ્લુ સ્ટાર કંપનીના મયુર પટેલે કહ્યું હતું કે હજુ મે મહિના પહેલા જ 105 કારીગરોને રાખ્યા હતા, પણ પ્રોડકશન લોસ જવાને કારણે 105 કારીગરોને છુટા કરવા પડવા છે.પગારમાં થોડું મોડું થયું છે પણ 13 જૂન સુધીમાં નિયમ મુજબ બધું કલીયર થઇ જશે.પ્રોડકશન લોસ જતું હોવાથી કારીગરોને પાછા રાખવાની શકયતા નથી એમ પટેલે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp