સુરતમાં BRTS બેફામ, એક જ પરિવારના ત્રણ લોકોના મોત

PC: khabarchhe.com

સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ બસે અટફેટે લેતાં બાઇક પર સવાર ત્રણનાં મોત થયાં છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડિંડોલી નવાગામ પાસે થયેલા અકસ્માતમાં બાઇક અને બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયાં છે જ્યારે બાઇક પર સવાર અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુ એક રાહદારીને પણ ઇજા પહોંચી છે. અકસ્માત બાદ ટ્રાફિક જામ થતાં પોલીસે પહોંચીને ટ્રાફિક હળવો કરીને યાતાયાત શરૂ કરાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ડિંડોલીના અંબિકાનગરમાં રહેતા 37 વર્ષીય યશવંત ખટેશ્વર પનીકર પોતાના બે પુત્રો ભાવેશ અને સાહિલ તેમજ અન્ય સંબંધીના પુત્ર ભુપેન્દ્ર વિનોદ પનીકરને સવારે શાળાએ મુકવા જઇ રહ્યા હતા એ દરમિયાન બીઆરટીએસ ડ્રાઇવરે આ ચારેયને બીઆરટીએસ રૂટની બહાર અડફેટે લીધાં હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, યશવંત પનીકર અને તેમના પુત્ર ભાવેશ પનીકર તેમજ ભુપેન્દ્ર પનીકર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે યશવંતના 9 વર્ષીય પુત્ર સાહિલને ગંભીર ઇજાઓ થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માત થતાં ડ્રાઇવર અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયાં હોવાની માહિતી બસમાં બેસેલા મુસાફરોએ આપી હતી. ઘટના સવારના 7.15થી 7.30 વચ્ચેની છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે બીઆરટીએસને અડફેટે અન્ય વાહનચાલકોના મોત થયાં હોય. મહિને ત્રણથી ચાર વખત આવી ઘટનાઓ બનતી હોય છે જેમાં ક્યાંક બીઆરટીએસ બસની ભુલ હોય છે તો ક્યાંક ગેરકાયદેસર બીઆરટીએસ રૂટમાં ગાડી હંકારતા લોકોની પણ ભુલ હોય છે. બીઆરટીએસ રૂટમાં ગાડી હંકારતા લોકોની સંખ્યા પણ આ રૂટ પર વધારે હોય છે જેને લઇને અવારનવાર અકસ્માતો થતાં હોય છે, આ રૂટમાં ગાડીઓને હંકારતા લોકોને રોકવામાં પ્રશાસન એકદમ નિષ્ફળ ગયું છે તે પણ દેખીતું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp