ઓનલાઇન સરળતાથી મળી રહ્યું છે મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ, સુરતમાં ચાલે છે આ કાળો કારોબાર

PC: khabarchhe.com

મુંબઈથી સુરત આ ડ્રગ્સ સપ્લાય થાય છે, તે વાત તો સુરતમાં MD ડ્રગ્સ સાથે પકડાયેલા ઝાંપાબજારના બે યુવકોની કબૂલાતથી સામે આવી છે પરંતુ તે સિવાય આ ડ્રગ્સ આસાનીથી ઓનલાઈન સર્ચ કરવાથી પણ મળી જાય છે. ઈન્ટરનેટ પર એવી સંખ્યાબંધ સાઈટો છે, તેના પર મેફ્રોડોનના નામથી 200 ડોલરનું 10 ગ્રામ ઓર્ડર કરી મંગાવી શકાય છે. જેના પર કોઈની નજર સુદ્ધા પડી નથી. અમેરિકાથી મોટો જથ્થો સ્મગલિંગ કરીને મુંબઈ લાવવો કદાચ મુશ્કેલ થઈ પડે જેથી આ કૃત્રિમ ડ્રગ્સ દેશમાં પણ બનાવવામાં આવતું હોવાની સંભાવના છે. સૌ પ્રથમ આ ડ્રગ્સ 1929ની સાલમાં ઈસ્ટર્ન આફ્રિકામાં મળી આવ્યું હતું અને બાદમાં અમેરિકામાં તેનું વેચાણ વધ્યું હતું. 2008માં ઈઝરાયેલએ તેના પર પાબંદી લગાવી દીધી. USAએ તેને 2012માં કૃત્રિમ ડ્રગ્સ એબ્યુઝ પ્રિવેન્સન એક્ટ હેઠળ કાયમી બનાવ્યું. ભારત સરકાર હવે આ ડ્રગ્સ પર પ્રતિબંધ મૂકે તે જરુરી બન્યું છે.

જાણો શું છે MD ડ્રગ્સ અને તેની કેટલી ઘાતક અસર થાય છે

  • MD નામનું કૃત્રિમ ડ્રગ્સ લેનાર તેની આંખો બિલાડી જેવી બનાવે છે, જેથી તેને મ્યાઉ મ્યાઉ અને એમ-કેટ નામ પણ અપાયું છે.
  • આ ડ્રગ્સ લેવાથી માણસના મગજનું ડોપામિનનું લેવલ વધે છે અને તે ભારે ઉત્તેજના અનુભવે છે.
  • MD ડ્રગ્સ લેનાર પોતાને સૌથી પાવરફુલ માને છે અને તે લોજિકલી વિચારતો નથી.
  • આ ડ્રગ્સ લેવાથી માણસ જીવતા ભૂત જેવું વર્તન કરે છે.
  • આ ડ્રગ્સનો આદિ બન્યા બાદ જો ન મળે તો તે મરવા અને મારવા પર પણ ઉતારું થઈ જાય છે.
  • હેરોઈન અને કોકોઈન કરતા વધુ કીક MD ડ્રગ્સમાં મળતી હોવાથી અને તે સસ્તુ મળતું હોવાથી યુવાઓ તેના સેવની બન્યા છે.

શું છે આખો મામલો?  

સુરતમાં પકડાયેલા બે યુવકો સુરતની યુવા પેઢીને ‘મ્યાઉ મ્યાઉ’ બનાવી રહ્યાં છે. આ ‘મ્યાઉ મ્યાઉ’ એ કોઈ બિલાડી પાસે નથી કરાવતા પણ એ છે MD નામના કૃત્રિમ ડ્રગ્સનું ઉપનામ. એમ-કેટ, વ્હાઈટ મેજીક, ક્રિસ્ટલ, ચાવલ, દવા, બચકા, બુક અને ચુરણ સહિતના અસંખ્ય નામોથી ઓળખાતું આ ડ્રગ્સ મુંબઈ બાદ હવે સુરતના નશીલા પદાર્થોના સેવીઓ માટે કેટલાક સ્લમ વિસ્તારોમાં આસાનીથી નજીવા દરોથી મળતું થઈ ગયું છે. હેરાેઈન અને કોકેઈન કરતા અડધી કિંમતમાં મળતું હોવાથી બંધાણીઓ તેની તરફ આકર્ષયા છે. સુરતની અઠવા પોલીસે શહેરના ઝાંપાબજાર વિસ્તારથી બે સપ્લાયર ઈશાક સૈયદ અને ઈમ્તિયાઝ મલેકને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1.95 લાખની કિંમતનું 39.150 ગ્રામ MD ડ્રગ્સ પકડી પાડ્યું છે. હાલ બંને બે દિવસના રિમાન્ડ હેઠળ છે અને તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે.  

સુરતમાં ક્યા ચાલે છે વેપલો?

સુરતમાં MD ડ્રગ્સનું ચલણ વિતેલા એક વર્ષથી વધી ગયું છે. મુંબઈમાં આ ડ્રગ્સે એક અંદાજ મુજબ એકથી સવા લાખ લોકોને પોતાની ઝપેટમાં લીધા છે અને તે આસાનીથી ત્યાંના સ્લમ વિસ્તારોમાં એક ગ્રામ રૂ. 300થી રૂ. 600ના ભાવે મળી જાય છે. મુંબઈથી હવે તે સુરતમાં પણ એન્ટ્રી કરી ગયું છે. જોકે, સુરતમાં વેચવા માટે પકડાયેલા બંને સપ્લાયર રૂ. 1000ના એક ગ્રામના ભાવે ખરીદી અહીં રૂ. 1800થી રૂ. 2500નો ભાવ લઈ વેચતા હતા. સુરતમાં આ ડ્રગ્સનું મોટો વેપલો કોસાડ આવાસ, ચોકબજાર નદી કિનારે, કિલ્લાના મેદાન, જિલાની બ્રિજની નીચે નદી તટ પાસે, બાપુનગર, રાંદેર નદી તટ પાસે, વોલ સિટીમાં બડેખા ચકલા, સૈયદપુરા પપિંગ સ્ટેશન, મુગલીસરામાં વેચાય છે. જ્યારે વેસુ, પીપલોદ, સિટીલાઈટ જેવા પોશ વિસ્તાર અને વરાછામાં પણ 20થી 25 હજાર યુવાઓ તેની લતે ચઢ્યાંનો અંદાજ છે. પોલીસ પાસે કેટલાક નામો આવ્યા છે, જે આ વિસ્તારોમાં પડીકી બનાવી વેચી રહ્યાં છે, તેઓ ફરતે ગાળિયો કસવાની તૈયારી કરાઈ રહી છે.  જોકે કેટલાક જાણકાર કહે છે એક વર્ષ ઉપરાંતથી સુરતની પેઢી બરબાદ થઈ રહી છે અને પોલીસને જાણકારી પણ છે પણ પહેલીવાર અઠવા પોલીસે આ પકડવાની હીંમત દેખાડી છે. હવે SOG આખા નેટવર્ક ને નેસ્તનાબૂદ કરે તે શહેરના હીતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp