સુરતમાં ગટરની સફાઈ કરવા ઉતરેલા બે સફાઈકર્મીના ગુંગળામણના કારણે મોત

PC: dainikbhaskar.com

ગટરની સફાઈ કરતી વખતે સફાઈકર્મીના ગુંગળામણના કારણે મોતની ઘટનાઓ અગાઉ પણ બની ચુકી છે ત્યારે સુરતમાં પણ આ પ્રકારની ઘટના બનવા પામી છે. સુરતમાં ગટર સફાઈ કરવા માટે ગટરમાં ઉતરેલા બે સફાઈ કર્મચારી ગુંગળામણના કારણે બેભાન થઇ ગયા હતા. તેથી તેમને ગટરમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બંને સફાઈકર્મીઓને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે પ્રાથમિક તપાસ કરીને એક વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

એક રિપોર્ટ અનુસાર, સુરતના નાનીવેડમાં આવેલા નીચલા ફળિયા વિસ્તારમાં ગટર ચોકઅપ થતા ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા બે સફાઈકર્મીઓને 2 ડિસેમ્બરના રોજ ગટરની સફાઈ કરવા માટે ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. જોકે, 20 ફૂટ જેટલી ઊંડી ગટરમાં ગુંગળામણ થતા બંને સફાઈકર્મીઓ બેભાઈ થઇ ગયા હતા. આ સમગ્ર મામલે સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને આ માહિતી આપવામાં આવી હતી. ફાયરના જવાનો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને બંને સફાઈકર્મીઓને ગટરમાંથી બહાર કાઢીને સારવાર માટે 108ની મદદથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં બંને સફાઈકર્મીઓને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ બંને સફાઈકર્મીઓના નામ વિજય ભૈયા અને કિશોર સુખા હતા. આ સફાઈકર્મીઓ મહાનગરપાલિકાના સફાઈકર્મીઓ ન હતા. આ સમગ્ર મામલે પોલીસે બાબુ ડોબરીયા નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ ફાયરના અધિકારીઓનું કહેવું છે કે, ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા બંને માણસોને સલામતીના સાધનો ન આપવામાં આવતા તેમને ઝેરી ગેસની અસર થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp